કુંભારચાક (1977) : ઊડિયા આત્મકથા. ઊડિયા લેખક કાલિચરણ પટનાયકની આ આત્મકથાને 1977નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આ આત્મકથામાં લેખકે જે જે પરિસ્થિતિ અને પરિબળોએ લેખકનું ઘડતર કર્યું તેનો ઉલ્લેખ તો કર્યો છે, પણ પોતાના જીવનમાં અને છેલ્લા દસકામાં ઓરિસામાં જે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનોનું પ્રવર્તન થયું તેનો પણ સુભગ પરિચય આપ્યો છે. એ સમયનો ઇતિહાસ પણ તેમાં સુપેરે વણાયો છે. તેમાં લેખકે પોતાની જાતને તટસ્થભાવે નિરૂપી છે. આત્મપ્રશંસા ક્યાંય કરી નથી અને પોતાના દોષોનો પણ સવિસ્તર પરિચય કરાવ્યો છે.

જાનકીવલ્લભ મોહન્તી