કુંભનદાસ (જ. 1468, મથુરા – અ. 1582,ગોવર્ધન) : પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ. સાંપ્રદાયિક દીક્ષા 1492માં મહાપ્રભુશ્રી વલ્લભાચાર્ય પાસે લીધી હતી. શ્રીનાથજીના મંદિરમાં કીર્તનકારના પદ ઉપર તેમની નિયુક્તિ થઈ હતી. સાત પુત્રો, સાત પુત્રવધૂઓ અને એક ભત્રીજીના બહોળા પરિવારનું પોષણ પોતાની નાનકડી જમીનની ઊપજમાંથી જ કરતા અને સ્વયં અયાચક્ર વ્રત બરાબર પાળતા. તેઓ કોઈ પાસેથી દાન સ્વીકારતા નહિ. રાજા માનસિંહે એમને સોનાનો અરીસો અને એક હજાર સુવર્ણમુદ્રાઓ બક્ષિસ આપવા તત્પરતા દર્શાવી હતી અને સાથે જમુનાવ નામના ગામની માફી ભેટ પણ આપવા વિચાર્યું હતું. પરંતુ કુંભનદાસે આ દાન-ભેટનો અસ્વીકાર કર્યો હતો. સમ્રાટ અકબરે તેમને દરબારમાં તેડાવ્યા અને તે માટે પાલખી મોકલી પણ પોતે પગપાળા ચાલીને જ ફતેહપુર સિક્રી જઈને બાદશાહને મળ્યા.

સમ્રાટે તેમની પાસે કોઈ ગીત કે કીર્તન સાંભળવાની ઇચ્છા કરી પરંતુ પોતે પ્રભુ સિવાય કોઈનું યશોગાન (કીર્તન) કરતા નથી એમ નિર્ભીકપણે જણાવ્યું. આમ છતાં અકબરે એમને કંઈ ભેટ સ્વીકારવા અનુરોધ કર્યો ત્યારે કુંભનદાસે ખૂબ વિનયપૂર્વક એટલી જ માગણી કરી કે હવે પછી મને ક્યારેય બોલાવવામાં ન આવે. પોતાને સાત પુત્ર હોવા છતાં, વિઠ્ઠલનાથજીએ કુંભનદાસને પૂછતાં તેમણે કહ્યું કે મારે દોઢ જ પુત્ર છે. પાંચ પુત્રો તો લોકાસક્ત છે, એક ચતુર્ભુજદાસ પ્રભુનો ભક્ત છે અને અડધો કૃષ્ણદાસ છે જે ગોવર્ધનનાથજીની ગાયોની સેવા કરે છે. આ કૃષ્ણદાસ ગાયો ચરાવતા હતા ત્યારે સિંહે એને મારી નાખ્યા હતા ત્યારે આ સમાચારથી તેઓ બેહોશ થઈ ગયા હતા. તેમની બેહોશીનું કારણ પુત્રનું મૃત્યુ નહિ પણ ઘરમાં સૂતક પડતાં એટલા દિવસ શ્રીનાથજીનાં દર્શન-કીર્તન થઈ શકશે નહિ એ હતું. જોકે ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ એમને સૂતકના બાધમાંથી મુક્ત કરી શ્રીનાથજીની નિત્ય સેવા કરવાની અનુમતિ આપી હતી.

કુંભનદાસને પ્રભુની નિકુંજલીલામાં રસ અર્થાત્ મધુર ભાવની ભક્તિમાં પ્રીતિ હતી. અલબત્ત એમણે રચેલ કીર્તનોમાં વિવિધ રસ અને રાગ પ્રયોજાયેલ છે. એમની 500 જેટલી રચનાઓ ઉપલબ્ધ છે. આ પદોમાં અષ્ટપ્રહરની સેવા અને વર્ષોત્સવોને માટે રચેલાં પદોની સંખ્યા વિશેષ છે. કૃષ્ણલીલાને લગતાં પદોમાં ગોચારણ, રાજભોગ, શયન વગેરે અને ઉપરાંત એમાં પ્રભુરૂપવર્ણન, સ્વામિનીરૂપવર્ણન, દાન, માન, આસક્તિ, સુરતિ, ખંડિતા, વિરહ, મુરલી વગેરે વિષયોને લગતાં શૃંગારપરક પદોનો પણ સમાવેશ છે. આચાર્યશ્રીની વધાઈ, ગુંસાઈજીકી વધાઈ જેવાં ગુરુભક્તિનાં પદો પણ રચ્યાં છે. આમ કુંભનદાસ એકંદરે સાંપ્રદાયિક કવિ હોવાનું પ્રતીત થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ