કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું. બંગાળના ઉપસાગરનો કિનારો અહીંથી લગભગ 50 કિમી. દૂર છે. કાવેરી નદીના મેદાની પ્રદેશમાં આવેલું આ શહેર ભૂમિમાર્ગોનું કેન્દ્ર છે. કુંભકોણમ્ અને ચેન્નઈ વચ્ચે લગભગ 310 કિમી. અંતર છે. તે દક્ષિણ રેલવેની મુખ્ય શાખાનું રેલવે મથક છે. અહીંનું રેશમી અને સુતરાઉ વણાટકામ અને પિત્તળનાં વાસણો પ્રખ્યાત છે.

કુંભેશ્વરમંદિર, કુંભકોણમ્

દક્ષિણ ભારતનાં પ્રાચીન સ્થાનોમાં તેની ગણના થાય છે. અહીં શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલ પ્રખ્યાત કાશીમઠ આવેલો છે. આ શહેરનો સંબંધ સાતમી સદીના ચૌલવંશની રાજધાની મલિકુર્રમ સાથે દર્શાવવામાં આવે છે. ચૌલ રાજાઓએ બંધાવેલ નાગેશ્વર મંદિર અને વિજયનગર સામ્રાજ્યનું વિષ્ણુમંદિર તેનાં મુખ્ય જોવાલાયક સ્થળો છે. આ મંદિરોનાં ગોપુરમ્ સૂક્ષ્મ કોતરણીથી કંડારાયેલાં છે. આમ, આ શહેર દક્ષિણ ભારતનું એક જોવાલાયક સ્થળ છે. મદ્રાસ યુનિવર્સિટી સાથે સંલગ્ન બે કૉલેજો અહીં છે. 2004ના જુલાઈમાં અહીંની એક પ્રાથમિક શાળામાં એકાએક આગ લાગતાં આશરે 70 બાળકો ભડથું થઈ ગયાં હતાં તથા આશરે 200 જેટલાં બાળકોને નાનીમોટી ઈજા થઈ હતી. વસ્તી 1.4 લાખ (2011).

રસેશ જમીનદાર

વસંત ચંદુલાલ શેઠ