કુંભમેળો : ભારતના ઘણા તહેવારો ચાંદ્ર તિથિ ઉપર આધારિત છે, જ્યારે કેટલાક તહેવારો સૌર સંક્રાંતિ અનુસાર ગણાય છે. ઉત્તરાયણ સૂચવતો તહેવાર સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય ત્યારે આવે છે. ભારતીય ગ્રહગણિતમાં સૂર્ય અને ચંદ્રની જેમ બૃહસ્પતિ (ગુરુ) પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં એક વર્ષ લાગે છે. તેથી સૌર વર્ષ 365 દિવસનું ગણાય છે. સૂર્ય એક રાશિમાં લગભગ એક મહિનો રહે છે. ગુરુને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં બાર વર્ષ લાગે છે, કેમ કે એ સૂર્યથી પૃથ્વી કરતાં ઘણો દૂર છે. આ ગણતરીએ બૃહસ્પતિ એકેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. બૃહસ્પતિ અને સૂર્ય અમુક અમુક રાશિમાં હોય ત્યારે ભારતમાં અમુક તીર્થસ્થળોએ એક મહિનો કુંભમેળો ભરાય છે.

કુંભમેળાના નામની ઉત્પત્તિ અંગે આવી પુરાણકથા પ્રચલિત છે : દેવો અને દાનવોએ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું ત્યારે ચૌદ રત્નોમાંનો છેલ્લો અમૃતકુંભ લઈને ધન્વંતરિ પ્રકટ થયા. દેવોએ એ જોઈ ઇન્દ્રના પુત્ર જયંતને ઇશારો કર્યો. જયંત અમૃતકુંભ લઈને નાઠો. આ જોઈ દાનવોના આચાર્ય શુક્રે દાનવોને સાવધ કર્યા. દાનવોએ જયંતનો પીછો કર્યો. બાર દિવસ અને બાર રાત દોડીને તેઓએ જયંતને પકડી પાડ્યો ને એની પાસેથી અમૃતકુંભ લઈ લીધો. અમૃત પહેલું કોણ પીએ એ અંગે દેવ-દાનવો આપસઆપસમાં ઝઘડવા લાગ્યા. એવામાં ભગવાન વિષ્ણુ મોહિનીસ્વરૂપ લઈ ત્યાં પ્રગટ થયા ને તેમણે દાનવો પાસેથી કુંભ લઈ બધું અમૃત દેવોમાં વહેંચી દીધું. અમૃતકુંભ માટેની દેવ-દાનવોની ખેંચતાણમાં એ કુંભ જે જે સ્થળે પડી ગયો તે તે સ્થળ પવિત્ર થઈ ગયું. ત્યારે ચંદ્ર કુંભમાંથી અમૃત ટપકી ન જાય તેનું ધ્યાન રાખતો, સૂર્ય એ કુંભ તૂટે નહિ તેની કાળજી રાખતો ને બૃહસ્પતિ જયંતના હાથમાં રહેલા કુંભનું રક્ષણ કરતા. આથી તે તે તીર્થધામમાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિનો અમુક અમુક યોગ આવતાં કુંભસ્નાન કરાય છે ને એક મહિનો કુંભમેળો ભરાય છે. ભારતમાં આવાં તીર્થસ્થાન ચાર છે : હરદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન.

કુંભમેળા પ્રસંગે પવિત્ર સ્નાન કરી રહેલા ભાવિકો

બૃહસ્પતિ (ગુરુ) દર બાર વર્ષે કુંભ રાશિમાં હોય ને તે દરમિયાન સૂર્ય જે મહિને મેષ રાશિમાં રહે તે મહિને હરદ્વારમાં કુંભમેળો ભરાય છે. સૂર્ય ચૈત્ર માસમાં 14 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરે છે. આ આખો માસ તે વર્ષે ત્યાં સ્નાનનો મહિમા મનાય છે ને ભાવિક ભક્તોનો મેળો ચાલુ રહે છે. હરદ્વાર-હરિદ્વારમાં દર બાર વરસે ભાગીરથીના પવિત્ર તટે ભરાતો કુંભમેળો સુપ્રસિદ્ધ છે.

આ મેળા પછી ત્રણ વર્ષે બૃહસ્પતિ વૃષભ રાશિમાં આવે છે. તે દરમિયાન સૂર્ય મકર રાશિમાં હોય તે મહિને પ્રયાગતીર્થમાં ગંગા-યમુનાના પવિત્ર સંગમ ઉપર કુંભમેળો ભરાય છે. સૂર્ય મકર રાશિમાં પોષ માસમાં 14મી જાન્યુઆરીએ સંક્રાંતિ કરે છે. આ મેળામાં પોષી પૂર્ણિમાથી માઘસ્નાન શરૂ થાય છે. ઉત્તર ભારતમાં ચાંદ્રમાસ પૂર્ણિમાન્ત પદ્ધતિના અર્થાત્ વદિ 1થી સુદ 15 સુધીના ગણાતા હોઈ પોષી પૂનમ પછીના દિવસથી માઘ માસ ગણાય છે ને તેથી આ માસ દરમિયાન કરાતા સ્નાનને ‘માઘસ્નાન’ કહે છે.

પ્રયાગના કુંભમેળા પછી છ વર્ષે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે છે. તે દરમિયાન જ્યારે સૂર્ય પણ સિંહ રાશિમાં હોય તે મહિનામાં નાસિકમાં ગોદાવરી નદીના તટે સિંહસ્થ કુંભમેળો ભરાય છે. આ મહિનામાં શ્રાવણી પૂર્ણિમાએ કુંભસ્નાન કરાય છે.

આ પછી આઠ મહિને સૂર્ય મેષ રાશિમાં સંક્રાન્ત થાય ત્યારે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તીરે કુંભમેળો ભરાય છે. આ સમયે પણ બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય છે ને ચાંદ્ર પદ્ધતિનો ચૈત્ર માસ ચાલતો હોય છે.

કુંભમેળામાં સાધુસંતો ઘણી મોટી સંખ્યામાં ભાગ લેતા હોઈ, એને બાવાઓનો મેળો પણ કહે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી