કીલ : જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંતની રાજધાની, નૌકામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 54o 20’ ઉ. અ. અને 10o 08’ પૂ. રે.. તેનું મૂળ જર્મન નામ કીલે. ઍન્ગ્લો-સૅક્સન ભાષામાં killeનો અર્થ વહાણો માટેનું સલામત સ્થળ થાય છે. આ બંદરની ઊંડી ખાડી વહાણ માટે યોગ્ય સ્થળ ગણાય છે. કીલ હૅમ્બર્ગની ઉત્તરે 90 કિમી. દૂર બાલ્ટિક સમુદ્ર ઉપર કીલ નહેરના અગ્રસ્થાને આવેલું છે. તેનું જુલાઈનું સરાસરી તાપમાન 17o સે. અને જાન્યુઆરીનું સરાસરી તાપમાન 6o સે. અને વાર્ષિક સરાસરી વરસાદ 710 મિમી. છે.

અહીં વહાણ બાંધવાનો અને ઇજનેરી ઉદ્યોગ ઉપરાંત કાપડ, મત્સ્ય, રસાયણ, સાબુ, વનસ્પતિ, મુદ્રણ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.

આ શહેર દસમી સદી જેટલું પ્રાચીન છે. 1242માં તેને ચાર્ટર મળેલ અને 1284માં તેને હેનરિયાટિક લીગના સભ્ય તરીકે કેટલાક વેપારી હકો પ્રાપ્ત થયા હતા. ચૌદમી સદી દરમિયાન તેને વધુ વેપારી હકો મળ્યા હતા. 1773 સુધી તે ડેનમાર્કને તાબે હતું અને હોલસ્ટાઇનના સમર્થ ડ્યૂકની રાજધાની હતું. પણ 1866થી શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંત સહિત તે પ્રશિયાની સત્તા નીચે આવ્યું.  1917થી તે પ્રાંતની રાજધાની બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે બોમ્બમારાનો ભોગ બન્યું હતું. 1945 પછી કીલ શહેરની પુરર્રચના થઈ છે. જૂના ભાગમાં સેંટ નિકોલસનું દેવળ (1210), બજાર અને નહેર આવેલાં છે. નવા ભાગમાં આર્ટ ગૅલરી, બૉટેનિકલ ગાર્ડન, મ્યુનિસિલપ નાટ્યગૃહ (1907) ટાઉન હૉલ (1911), પ્રદર્શનો માટેનો હૉલ વગેરે આવેલાં છે. 1666માં સ્થાપાયેલી કીલ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ ઇકૉનોમિક્સ તથા આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્રશાસ્ત્રના અભ્યાસ માટે જાણીતી છે. વસ્તી 2.48 લાખ (2015).

શિવપ્રસાદ રાજગોર