કીલની નહેર : ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રને જોડતી નહેર. ભૌગોલિક સ્થાન 53o 53’ ઉ.અ. અને 9o 08’ પૂ. રે. છે. તે 1887-1895 દરમિયાન બંધાઈ હતી. આ નહેરના બાલ્ટિક સમુદ્રના છેડે કીલ આવેલું છે, જ્યારે ઉત્તર મહાસાગર ઉપર એલ્બ નદીના મુખ ઉપર બ્રુન્સ બુટલકોર્ગ આવેલું છે. નૉર્વે અને ડેનમાર્ક વચ્ચે બાલ્ટિક સમુદ્ર ખૂબ જ સાંકડો છે. કીલની નહેર દ્વારા આ મુશ્કેલી નિવારાઈ છે. નહેરના બંને છેડે લૉકગેટ દ્વારા ભરતીનું નિયંત્રણ થાય છે. આ નહેરને કારણે જટલૅન્ડનો 756 કિમી.નો ચકરાવો લેવાનું ઘટી ગયું છે.

આ નહેર 97.6 કિમી. લાંબી, 13.7 મી. ઊંડી અને 103 મી. પહોળી છે. 1914–18ના પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્સાઈની સંધિની રૂએ તેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર કરાઈ હતી અને બધાં રાજ્યોને મુક્ત વ્યવહારની છૂટ હતી. જર્મનીમાં હિટલર સત્તાસ્થાને આવ્યો તે પછી 1936માં તે જર્મનીનો આંતરિક જળમાર્ગ બની હતી. બીજા વિશ્વયુદ્ધ પછીથી તેનો વહીવટ જર્મની હસ્તક છે પણ નહેર બધા દેશોના વહાણવટા માટે ખુલ્લી છે. આ નહેર ઉપર 42 મીટર ઊંચા સાતેક પુલ છે. જર્મનીનો આ સૌથી ટૂંકો અને સલામત જળમાર્ગ છે. દર વરસે આશરે 65,000 સ્ટીમરો અને વહાણો આ નહેરમાંથી પસાર થાય છે, જે પૈકી જર્મનીનો હિસ્સો લગભગ 60 ટકા છે.

શિવપ્રસાદ રાજગોર