કીટીન : > C = C = O સમૂહ ધરાવતો કાર્બનિક સંયોજનોનો એક વર્ગ, જેમાંનો એક CH2 = C = O કીટીન પોતે છે. તે એસેટિક એન્હાઇડ્રાઇડ અને અન્ય ઔદ્યોગિક રસાયણો બનાવવામાં ઉપયોગી છે. કીટીન અસંતૃપ્ત કીટોન સૂચવે છે. પણ ગુણધર્મો કાર્બોક્સિલિક ઍસિડ એન્હાઇડ્રાઇડને મળતા આવે છે. એસેટિક ઍસિડ અથવા એસેટોનનું 700o સે. તાપમાને ઉચ્ચતાપ વિભંજન (pyrolysis)
કરતાં કીટીન અત્યંત ક્રિયાશીલ અને ઝેરી વાયુ મળે છે.
ગ.બિંદુ -151oસે. અને ઉ.બિંદુ -56oસે. છે. તે ઇથર અને એસેટોનમાં દ્રાવ્ય છે. પાણી અને આલ્કોહૉલથી તેનું વિઘટન થાય છે. ઍસિડ સાથે એન્હાઇડ્રાઇડ આપે છે.
એસેટિક ઍસિડ સાથે તે એસેટિક એન્હાઇડ્રાઇડ મળે છે. આ રીતે એસેટિક એન્હાઇડ્રાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. કીટીન આલ્ડિહાઇડ અને કીટોન સાથે અનુક્રમે ઇનોલ એસેટેટ અને એ-લેક્ટોન આપે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરી ઇથાઇલ એસેટો-એસિટેટ અને ઍસેટોએસિટએમાઇડ બનાવી શકાય છે. વધુ કાર્બનયુક્ત કીટીન સંયોજનો ઍસિડ ક્લોરાઇડમાંથી HCl દૂર કરી મેળવી શકાય છે. જોકે મિથાઇલ અને ડાયમિથાઇલ કીટીન અનુક્રમે પ્રોપિયોનિક અને આઇસોબ્યુટિરિક એન્હાઇડ્રાઇડમાંથી બનાવી શકાય. કીટીન કરતાં તે ઓછાં ક્રિયાશીલ હોય છે. મૉનોઆલ્કાઇલ કીટીનોના દ્વિલક પેપર કાંજીકરણમાં વપરાય છે. કીટીન શ્વસનક્રિયાને નુકસાન પહોંચાડે છે અને અત્યંત ક્રિયાશીલ હોવાથી તેને સાવચેતીથી વાપરવું પડે છે.
પ્રવીણસાગર સત્યપંથી