કીટાહારી વનસ્પતિ

January, 2008

કીટાહારી વનસ્પતિ

પતંગિયાં, તીતીઘોડા અને ફૂદાં જેવા કીટકોને પકડી, ભક્ષણ કરીને તેમના પ્રોટીનયુક્ત દેહમાંથી રૂપાંતરિત પર્ણસપાટી વડે જરૂરી નાઇટ્રોજન, કંઈક અંશે સલ્ફર અને ફૉસ્ફરસ મેળવતી વનસ્પતિઓ.

આ વનસ્પતિઓ સ્વાવલંબી છે; કારણ કે તે પ્રકાશસંશ્લેષી સાધન ધરાવે છે. તે કાદવકીચડવાળી પોચી ભૂમિમાં થાય છે. એ જમીનમાં નાઇટ્રોજનનો પુરવઠો અપૂરતો હોય છે. આવી પરિસ્થિતિમાં ઊગતી વનસ્પતિઓ નત્રલ પદાર્થોનું સંશ્લેષણ કરી શકતી નથી. તે કીટકોનું ભક્ષણ અને પાચન કરી નત્રલ પદાર્થોની જરૂરિયાત પૂરી કરે છે. તેમની મુખ્ય પોષણપદ્ધતિ પ્રકાશસંશ્લેષી હોય છે.

વિવિધ કીટાહારી વનસ્પતિઓની કીટકભક્ષણ માટેની વિશિષ્ટ રચના, આયોજન, પાચન અને અભિશોષણની માહિતી આ પ્રમાણે છે :

કળશપર્ણ વનસ્પતિઓ : નિપેન્થેસી અને સેરાસિનિયેસી જેવાં સામ્ય દર્શાવતાં કુળોની વનસ્પતિઓનાં સમગ્ર પર્ણો કે તેના ભાગો કળશ જેવી રચનામાં રૂપાંતર પામે છે-જે કીટકગ્રહણની ક્રિયા કરે છે. કેટલીક જાતિઓમાં આ કળશ ઢાંકણયુક્ત તો કેટલીકમાં ઢાંકણવિહીન હોય છે.

નિપેન્થસ : આ પ્રજાતિની વિવિધ જાતિઓ ભૂપ્રસારી, આરોહી કે ક્વચિત્ ટટ્ટાર; શાકીય, ઉપક્ષુપ કે ક્ષુપના સ્વરૂપમાં જોવા મળે છે. તે દક્ષિણ ચીનથી ઉત્તરીય-પૂર્વ ઑસ્ટ્રેલિયા, ન્યૂ કૅલેડોનિયા અને પશ્ચિમ તરફ સેશેલ્ઝ અને માડાગાસ્કર સુધી વિસ્તરેલી હોય છે. આસામમાં Nepenthes khasiana જાતિ થાય છે.

નિપેન્થસના કળશના આકાર અને કદમાં ખૂબ વિભિન્નતાઓ જોવા મળે છે. તે લાલ, લીલો, જાંબલી, પીળો કે આ રંગોથી બનતો મિશ્ર રંગ ધરાવે છે. તેની અગ્ર-નીચેની સપાટી સારી રીતે ખૂલે છે; જે પરિપક્વતા પૂર્વે કળશને બંધ રાખે છે અને પરિપક્વતા બાદ કળશને વરસાદના પાણીથી રક્ષણ આપે છે. કળશ તેની સુંદર રંગીન મધયુક્ત સપાટીને લીધે કીટકોને આકર્ષે છે. આ કળશના ભાગોની બાહ્યાકારવિદ્યા વિશે વિવિધ મંતવ્યો છે. કેટલાક તેની સપક્ષ રચનાને પર્ણતલનું રૂપાંતર માને છે; જ્યારે અન્ય વૈજ્ઞાનિકો કળશનો સપક્ષ ભાગ અને સૂત્રમય ભાગ પર્ણદંડના જુદા જુદા પ્રદેશોનું રૂપાંતર છે તેમ માને છે. ઢાંકણ કાં તો સમગ્ર પર્ણદલ અથવા તો પર્ણાગ્રનું રૂપાંતર છે તેવી માન્યતા છે. જોકે કળશ પર્ણદંડ કે પર્ણદલનું રૂપાંતર છે તે નિશ્ચિત છે. તેની લંબાઈ 2.5 સેમી.થી 15 સેમી. કે તેથી વધારે હોય છે. તેની ધાર પર મધુગ્રંથિઓની હરોળો આવેલી હોય છે. કળશની અંદરની સપાટીએ ઉપરની તરફ નાની ગ્રંથિઓ આવેલી હોય છે. તેની નીચે લીસો સરકણો પ્રદેશ આવે છે. આ સરકણા પ્રદેશનો નીચેનો ભાગ નીચેની દિશામાં ઝૂકતા રોમો વડે આચ્છાદિત હોય છે. કળશનો તલપ્રદેશ પાણી જેવા પ્રવાહી વડે ભરેલો હોય છે. કળશની ગ્રંથિઓના સ્રાવને લીધે આ પ્રવાહી ઍસિડિક હોય છે. કળશના રંગ અને ગ્રંથિઓના શર્કરાયુક્ત સ્રાવને લીધે કીટકો આકર્ષાય છે. કીટકનો એક વાર પ્રવેશ થયા બાદ તે લપસણા પ્રદેશમાં સરકે છે અને પ્રવાહીમાં ડૂબે છે. કળશમાં રહેલા રોમયુક્ત પ્રદેશને લીધે ઉપરની તરફ તે પાછો ફરી શકતો નથી. કીટકના પ્રવેશને લીધે બીજા સ્રાવો થાય છે; જે વધારે ઍસિડિક હોય છે. તેમાં પ્રોટિયેઝ પ્રકારના ઉત્સેચકોની હાજરી હોય છે, જે કીટકનું પાચન કરે છે. પાચનથી ઉદભવતી નીપજોનું અભિશોષણ થાય છે.

આ કળશ ક્રમશ: કીડીઓ, તીતીઘોડા, વંદા વગેરેના શૃંગી અવશેષોથી ભરાઈ જાય છે. આ વનસ્પતિ દ્વારા આકર્ષાતા કીટકોમાં કેટલાંક પર્ણ કોરી ખાતા કીટકો પણ હોય છે. આવા કીટકો કદાચ કળશપર્ણને પણ નુકસાન કરે. તેથી તેમની સામે રક્ષણાર્થે એક પ્રકારની કીડીઓને આ વનસ્પતિ આશ્રય આપે છે. આમ, કળશપર્ણ અને આ કીડીની જાતિ સહજીવન ગુજારે છે.

આકૃતિ 1 : (અ) કળશપર્ણ : સમગ્ર વનસ્પતિ;

(આ) કળશની રચના; (ઇ) સેરાસિનિયા

આ વનસ્પતિઓ ભેજવાળા વાતાવરણમાં 29o સે.થી 30o સે. કે શિયાળામાં તેથી કેટલીક ડિગ્રી ઓછા તાપમાને ખૂબ સારા પ્રમાણમાં વિકસે છે. તેમને કટકારોપણ, સ્તરીકરણ કે બીજ દ્વારા ઉગાડી શકાય છે. કળશપર્ણના પ્રકાંડ ખૂબ સખત હોય છે અને મલેશિયામાં તેનો દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે.

D. khasiana ટૂંકી, ભૂપ્રસારી ઉપક્ષુપ પ્રકારની લગભગ નળાકાર જાતિ છે. આસામમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી ગારો, ખાસી અને જૈન્શિયાના પહાડી વિસ્તારોમાં તે થાય છે. કીટક સહિતના કળશને ઘસીને મલમ બનાવી પાણી સાથે મિશ્ર કરી કૉલેરાના દર્દીને આપવામાં આવે છે. કળશનું પ્રવાહી મૂત્ર-રોગોમાં ઉપયોગી છે. આંખની રતાશ અને દુખાવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

સેરાસિનિયા : આ વનસ્પતિ ઉત્તર અમેરિકાની ભીની પોચી જમીન પર થાય છે. તેના કળશ વર્તુળાકારે ગોઠવાઈ એક વલય બનાવે છે. તે રણશિંગા આકારના હોય છે અને સપક્ષ પર્ણદંડના રૂપાંતર દ્વારા બને છે; જ્યારે ઢાંકણ પર્ણદલનું રૂપાંતર છે. તે નિપેન્થસ સાથે સામ્ય દર્શાવે છે. આ વનસ્પતિમાં ઉત્સેચકોનો સ્રાવ થતો નથી. તેના પ્રવાહીમાં રહેલા બૅક્ટેરિયાની સક્રિયતાથી કીટકના શરીરનો સડો થાય છે.

આકૃતિ 2 : (અ) ડ્રોસેરા સમગ્ર વનસ્પતિ; (આ) પર્ણની વિસ્તૃત રચના; (ઇ) સૂત્રાંગનો આડછેદ

ડ્રોસેરા : તે ડ્રોસેરેસી કુળની વનસ્પતિ છે. તેની 85થી 88 જેટલી જાતિઓ થાય છે, જેમનું ઑસ્ટ્રેલિયામાં વધુ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં Drosera indica, D. burmanni અને D. peltata થાય છે; વનસ્પતિનો સડો પુષ્કળ પ્રમાણમાં થતો હોય તેવી જલસભર જમીનમાં તે થાય છે. જેથી મૂળ દ્વારા અભિશોષણનું કાર્ય મુશ્કેલીભર્યું બને છે. આ જાતિઓ પર્ણના આકારમાં જુદી પડે છે. D. indicaમાં તે સાંકડાં અને લાંબાં, D. burmanini ચમચા-આકારનાં, D. peltataમાં છત્રાકાર અને D. rotundifoliaમાં ગોળાકાર હોય છે. બધી જાતિઓ નાની શાકીય સ્વરૂપની હોય છે અને કેટલાક સેમી.ની ઊંચાઈ ધરાવે છે. D. burmanni ઉત્તર ભારતમાં (ઘણી વાર ડાંગરનાં ખેતરોમાં) થાય છે. તે એક વલયમાં ગોઠવાયેલ મૂલપર્ણયુક્ત નાની વનસ્પતિઓ છે અને દૂરથી રતાશ પડતા નાના સમૂહો તરીકે ર્દશ્યમાન બને છે. D. Peltata ખાસિયાના પર્વતીય વિસ્તારોમાં, પશ્ચિમ હિમાલય અને પૂર્વ-પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે; જે મૂલપર્ણો અને સ્તંભીય (cauline) પર્ણો કે માત્ર સ્તંભીય પર્ણો ધરાવે છે. મૂલપર્ણોની વચ્ચેથી નાનો ટટ્ટાર પુષ્પવિન્યાસ અક્ષ ઉત્પન્ન થાય છે.

તે પર્ણ લાંબો અને સાંકડો (પર્ણ)દંડ ધરાવે છે. અને પર્ણદલ વધતેઓછે અંશે ગોળાકાર હોય છે. તેની પર્ણકિનારી અને પૃષ્ઠસપાટી પર અસંખ્ય ગદા આકારનાં રોમ કે સૂત્રાંગો આવેલાં હોય છે. પ્રત્યેક સૂત્રાંગના અગ્ર છેડે ગ્રંથિયુક્ત શીર્ષ આવેલું હોય છે, જે ચીકણા પાચકરસનો સ્રાવ કરે છે. આ પ્રવાહીનાં બિંદુઓ સૂર્યપ્રકાશમાં ઝાકળની જેમ ચળકે છે; તેથી તેનું જાણીતું નામ ‘સૂર્ય-ઝાકળ’ (sun-dew) છે.

પ્રત્યેક પર્ણ પર સરેરાશ 200 જેટલાં સૂત્રાંગો હોય છે. તેમનામાં પરિઘવર્તી સૂત્રાંગો કેન્દ્રસ્થ સૂત્રાંગો કરતાં વધારે લાંબાં હોય છે. પ્રત્યેક સૂત્રાંગના તલપ્રદેશથી પર્ણમાંથી એક વાહીપુલ પ્રવેશે છે – જે દંડના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. તે મુખ્યત્વે કુંતલાકાર સ્થૂલન ધરાવતી જલવાહિનિકીઓ ધરાવે છે. તેની ફરતે લાંબા કોષોનું સ્તર આવેલું હોય છે. આ કોષોમાં રંગહીન જીવરસનો પાતળો સ્તર હોય છે. તેની કોષરસધાનીમાં જાંબલી પ્રવાહી હોય છે. જલવાહિનિકીઓ ગ્રંથીય શીર્ષ સુધી લંબાય છે. શીર્ષમાં વાહકપેશીની ફરતે આવેલા અને લાંબા કોષોની વચ્ચે આવેલા સ્તર વડે જુદા પડતા સ્તરના કોષો જાંબલી પ્રવાહીથી ભરેલા હોય છે. તેની બહારની બાજુએ આવેલા સ્તરના કોષો લંબોતક જેવા હોય છે. આ બંને બહારના સ્તરો ગ્રંથિનો સ્રાવી ભાગ બનાવે છે.

કીટકો આ વનસ્પતિનાં પર્ણોથી આકર્ષાય છે. પરંતુ આ આકર્ષણ માટે તેમનો રંગ, તેમનો ચળકતો સ્રાવ કે સ્રાવનો રંગ કે ત્રણેય જવાબદાર હોય છે, તે અનિશ્ચિત છે. કીટક આ પર્ણ પર બેસે છે અને તે ઘટ્ટ સ્રાવ દ્વારા પકડાય છે. સૂત્રાંગો સ્પર્શસંવેદી હોય છે અને સંપર્કસ્થાન તરફ વળી જઈ કીટકને અંદરની તરફ ખેંચે છે. આ સંવેદનાનું બીજાં સૂત્રાંગો તરફ વહન થતાં તેઓ પણ કીટક તરફ વળે છે; જેથી કીટક સંપૂર્ણપણે ફસાય છે.

સૂત્રાંગોની વળવાની ક્રિયા દરમિયાન ગ્રંથિઓનો સ્રાવ વધારે પ્રમાણમાં થાય છે અને તે તટસ્થમાંથી ઍસિડિક બને છે. પ્રાણીઓના જઠરરસમાં જોવા મળતા પ્રોટિયેઝ જેવો ઉત્સેચક આ પ્રવાહીમાં હોય છે. તે કીટકપ્રોટીનનું પાચન કરે છે અને ઉદભવેલાં દ્રાવ્ય પોષકદ્રવ્યોનું સૂત્રાંગો દ્વારા અભિશોષણ થાય છે. અમુક સમય પછી સૂત્રાંગો તેમની પૂર્વવત્ સ્થિતિમાં પાછાં ફરે છે. કીટકના અપાચિત ભાગો પર્ણ પર ખુલ્લા થાય છે અને ફેંકાઈ જાય છે.

D. whitakeri – ઓસ્ટ્રેલિયન જાતિના કંદમય મૂળમાંથી પીળાશ પડતા બદામી રંગના સ્ફટિકમય રંજક દ્રવ્યને જુદું પાડવામાં આવે છે, જે રેશમને ઘેરો બદામી રંગ આપે છે. આ વનસ્પતિનો આયુર્વેદશાસ્ત્રીઓ સુવર્ણભસ્મ બનાવવામાં ઉપયોગ કરે છે, જે ઍન્ટિસિફિલિટિક પોષણકીય પ્રક્રિયાની પુન:સ્થાપક અને પુષ્ટિકારક છે. D. burmanni પ્રકોપક છે, જેથી ત્વચા લાલાશ પડતી બની જાય છે. ડ્રોસેરાની જાતિઓ કડવી અને પ્રકોપક હોવાથી તૃણાહારી પ્રાણીઓ તેમને ચરતાં નથી.

ડાયોનિયા (વિનસ મક્ષીપાશ) : Dionoea muscipula ઉત્તર અમેરિકાની પુષ્કળ ભેજયુક્ત જમીનમાં થતી જાણીતી કીટાહારી વનસ્પતિ છે. તેનાં મૂલપર્ણો ભૂપ્રસારી અને વલયમાં ગોઠવાયેલાં હોય છે, જેમની મધ્યમાંથી ઉદભવતા એક જ પુષ્પવિન્યાસદંડની ટોચ પર પુષ્પો આવેલાં હોય છે. પ્રત્યેક પર્ણ એક ભક્ષક કટોરીરૂપ હોય છે. તેનો પહોળો ચપટો સપક્ષ પર્ણદંડ પર્ણદલના જોડાણસ્થાને મધ્યશિરા પાસેથી ખાંચમય હોય છે. પર્ણદલ ગોળાકાર હોય છે અને લગભગ બે સમાન પર્ણાર્ધોમાં વિભાજિત થયેલ હોય છે, જેઓ મધ્યશિરા દ્વારા જુદાં પડે છે. પર્ણાગ્ર પણ ખાંચમય હોય છે. આ બંને પર્ણાર્ધો ત્વરિત પ્રતિક્રિયા દાખવી મધ્યશિરાએથી એકબીજાં પર ખૂબ સખ્તાઈથી બંધાયેલા પુસ્તકની જેમ ગોઠવાઈ બંધ થઈ શકે છે. પ્રત્યેક પર્ણાર્ધ કિનારી પર 12થી 20 લાંબા દાંત હોય છે. પર્ણાર્ધના મધ્યભાગમાં અસંખ્ય ગુલાબી ગ્રંથિઓ હોય છે તેમજ પૃષ્ઠસપાટીએ લગભગ મધ્યમાં ત્રણ રોમ આવેલા હોય છે – જે બહારની તરફ લંબાયેલ હોય છે. તે સ્પર્શસંવેદી હોય છે. અને તેઓ પૈકી કોઈ એકને બે વાર ઝડપથી સ્પર્શ થતાં બંને પર્ણાર્ધો અંતર્ગોળ બને છે અને તેમની પર્ણકિનારી પર આવેલા દાંત એકબીજા સાથે બંધાઈ જઈ ઉંદરના નાનકડા પૂર્ણ પિંજર જેવી રચના બનાવે છે.

આકૃતિ 3 : (અ) ડાયોનિયા : સમગ્ર વનસ્પતિ; (આ) સંવેદી રોમ;

(ઇ) ગ્રંથિયુક્ત પર્ણસપાટી

જો કીટકનો સ્પર્શ થયેલો હોય તો બંને પર્ણાર્ધો ઝડપથી, લગભગ એક સેકંડમાં બંધ થઈ જાય છે. આમ કીટકગ્રહણની વિધિ પૂરી થાય છે. હવે ગુલાબી ગ્રંથિઓ દ્વારા સ્રાવ થાય છે. કીટકના કદ પર આધાર રાખી આ પર્ણાર્ધો એક કે બે અઠવાડિયાં સુધી બંધ રહે છે. અંતે ફરી પાછું પર્ણ ખૂલી જાય છે. જો કીટક ખૂબ મોટું હોય તો પર્ણ કદી ખૂલતું નથી. કુદરતી સ્થિતિમાં મોટાં પર્ણો પણ તેમના જીવન દરમિયાન ભાગ્યે જ બે કે વધારેમાં વધારે ત્રણ વાર કીટકનું પાચન કરી શકવા સમર્થ હોય છે.

તે એક અવનવી વનસ્પતિ તરીકે બજારમાં વેચાય છે.

આલ્ડ્રૉવૅન્ડા (જલીય-ચાંચડ-પાશ) : Aldrovanda vesiculosa syn. Malacca jhangi તરીકે નામકરણ પામેલી આ વનસ્પતિ મુક્તપણે તરતી જલીય વનસ્પતિ છે, જે ક્ષારજ કાદવકીચડયુક્ત જમીનમાં બંગાળમાં થાય છે. તે મૂળવિહીન તરતો પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. પ્રકાંડ તાર જેવો પાતળો હોય છે. તેના પર ભ્રમિરૂપ પર્ણો આવેલાં હોય છે. તેઓ વર્ધિપ્રજનન કરે છે. ડાયોનિયાના લઘુ સ્વરૂપ જેવાં તેનાં પર્ણો હોય છે. પર્ણદંડ થોડોક સપક્ષ હોય છે. તેનું પર્ણદલ સાદું અને ગોળાકાર હોય છે. પર્ણાગ્ર ખાંચમય હોય છે. તેની પર્ણકિનારી અંદરની તરફ સહેજ વળેલી હોય છે અને તે સૂક્ષ્મ દાંત ધરાવે છે. મધ્યશિરા સાથે ખૂણો બનાવતાં બે પર્ણાર્ધો સહેજ અંદરની તરફ ઢળેલાં હોય છે. પર્ણની પૃષ્ઠસપાટીએ મધ્યશિરાની નજીક છથી વધારે સંવેદી રોમ આવેલા હોય છે. ઉપરાંત સમગ્ર સપાટી પર પાચકગ્રંથિઓ આવેલી હોય છે. અત્યંત નાનાં પ્રાણીઓ જેવાં આ સંવેદી રોમને સ્પર્શે છે કે તુરત બંને પર્ણાર્ધો મધ્યશિરા સાથે સખત ભિડાઈ જાય છે, જેથી ભક્ષ્ય પ્રાણીઓ અંદર ફસાઈ જાય છે અને થોડાક સમય માટે જઠર જેવી રચના બની જાય છે. તે પછી પાચકગ્રંથિઓ જરૂરી ઉત્સેચકનો સ્રાવ કરે છે અને જ્યાં સુધી પાચનક્રિયા અને અભિશોષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પર્ણ બિડાયેલું રહે છે.

આકૃતિ 4 : (અ) અર્કજ્વર : સમગ્ર વનસ્પતિ; (આ) પુટિકા; (ઇ) પુટિકાનો છેદ; (ઈ) પુટિકાની અંદરની સપાટીએ શોષક રોમો

યુટ્રિક્યુલારિયા (અર્કજ્વર) : આ કીટાહારી વનસ્પતિનો લેન્ટિબ્યુલેરિયેસી કુળમાં સમાવેશ કરાયેલો છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં આ પ્રજાતિ બહોળું વિતરણ ધરાવે છે અને તેની 200થી વધારે જાતિઓ છે. ભારતમાં 20 જેટલી જાતિઓ થાય છે. તે તળાવ, ખાબોચિયાં કે કાદવકીચડવાળી જમીનમાં થાય છે. બહુ ઓછી જાતિઓ સ્થલજ છે. આલ્ડ્રૉવૅન્ડાની જેમ તે મુક્ત રીતે તરતી કે અંશત: નિમગ્ન મૂળરહિત અને જલીય વનસ્પતિ છે. બંને કીટાહારી વનસ્પતિઓના વિતરણમાં સામ્ય છે. તેનો પ્રકાંડ પાતળો, લાંબો, આડોઅવળો, વિકસતો અને બહુશાખિત હોય છે. તે વર્ધિપ્રજનનનું કાર્ય પણ કરે છે. તેના પ્રકાંડ પર અતિવિભાજિત પર્ણો આવેલાં હોય છે. તે લીલાં મૂળ જેવાં દેખાય છે. તેની કેટલીક પર્ણિકાઓ પુટિકા(કોથળી)માં રૂપાંતર પામેલી હોય છે. પ્રત્યેક પુટિકા સાદી હોવા છતાં અસરકારક પાશરૂપ હોય છે. પુટિકા પોલાણ ધરાવતી રચના છે; જેનો વ્યાસ 0.15 સેમી.થી 0.30 સેમી. જેટલો હોય છે. તે નાનકડું પ્રવેશદ્વાર ધરાવે છે – જે એક પ્રકારના વાલ્વ દ્વારા રક્ષાયેલ હોય છે. આ વાલ્વ સખત અને અણીદાર રોમ વડે ઘેરાયેલ હોય છે. આ વાલ્વ માત્ર અંદરની તરફ જ ખૂલે છે.

પુટિકાની અંદરની સપાટીએ પાણીનું અભિશોષણ કરતા અસંખ્ય રોમ આવેલા હોય છે. આ પ્રત્યેક રોમ 3-4 શાખાઓ ધરાવે છે. તેમની ક્રિયાશીલતાને કારણે પુટિકામાં રહેલા પ્રવાહીનું કદ ઘટે છે, જેથી તેનું દબાણ પણ ઘટે છે. આ સ્થિતિમાં રોમમાં લટકતાં જલીય ચાંચડ જેવાં પ્રાણી દ્વારા વાલ્વ પર થોડુંક પણ દબાણ થતાં તે ખૂલી જાય છે, જેથી કીટક સહિત પાણી કોટરમાં ધસી જાય છે. પાણીનું દબાણ વધતાં વાલ્વ બંધ થઈ જાય છે. વાલ્વ બહારની તરફ ખૂલતો નહિ હોવાથી કીટકનું પાછું બહાર નીકળવું અશક્ય બને છે. સામાન્યત: એકથી ત્રણ દિવસમાં તે મૃત્યુ પામે છે અને તેના શરીરનો સડો થાય છે. આ સડાની નીપજોનું અભિશોષણ થાય છે. આ કિસ્સામાં ઉત્સેચકોના સ્રાવ બાબતે કોઈ પુરાવો સાંપડ્યો નથી. જ્યારે શોષક રોમો દ્વારા પાણીનું અભિશોષણ થાય છે, ત્યારે ફરીથી કોટરમાં દબાણ ઘટે છે, અને કીટકભક્ષણ માટેની પુન: તૈયારી થાય છે. તેને માછલીઘરમાં ઉછેરવામાં આવે છે.

આકૃતિ 5 : (અ) પિન્ગિક્યુલા : સમગ્ર વનસ્પતિ; (આ) પર્ણ;

(ઇ) શ્લેષ્મગ્રંથિ; (ઈ) પાચકગ્રંથિ

પિન્ગિક્યુલા (બટરવર્ટ) : તેનો પણ લેન્ટિબ્યુલેરિયેસી કુળમાં સમાવેશ થયેલો છે. તે યુરોપની પુષ્કળ ભેજયુક્ત જમીનમાં થાય છે. Pinguicula alpina ઉચ્ચ પર્વતીય (Alpine) હિમાલયમાં 3,300 મી.થી 3,900 મી.ની ઊંચાઈએ થાય છે. તે ડ્રોસેરા જેવી નાનકડી શાકીય વનસ્પતિઓ છે. તેમના મૂળનો વિકાસ અલ્પ હોય છે. પર્ણો મોટાં, માંસલ, રંગે પીળાં અને એક વલયમાં ગોઠવાયેલાં હોય છે. તેઓ અદંડી હોય છે. પર્ણકિનારી સહેજ ઉપરની તરફ વળેલી હોય છે અને છીછરી નળિયા જેવી રચના બનાવે છે.

તેની ઉપરની સપાટીએ બે પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે : (1) પાચક ગ્રંથિઓ, (2) શ્લેષ્મી ગ્રંથિઓ. પ્રથમ પ્રકારની ગ્રંથિ દ્વિકોષીય ટૂંકો દંડ ધરાવે છે. આ દંડ પર સામાન્યત: આઠ કોષોની બનેલી શીર્ષ જેવી રચના હોય છે. શ્લેષ્મગ્રંથિઓમાં છત્રીની જેમ લાંબા દંડ પર શીર્ષ ગોઠવાયેલું હોય છે. પર્ણ પર કીટક બેસે છે ત્યારે શ્લેષ્મનો પુષ્કળ સ્રાવ થાય છે; જેના ચીકણા પ્રવાહીમાં કીટક ફસાય છે. પર્ણકિનારી ઉપરની બાજુ અંદરની કિનારીએ ધીમે ધીમે વીંટળાય છે; જેથી કીટક ઘેરાઈ જાય છે અથવા અંદરની તરફ ધકેલાય છે. આમ, અસંખ્ય ગ્રંથિઓ કીટકના સંપર્કમાં આવે છે. પાચક ગ્રંથિઓ દ્વારા થતા સ્રાવ વડે તેનું પાચન થાય છે અને અંતે અભિશોષણ થાય છે. કાઇટિનયુક્ત અપાચિત પદાર્થો બહાર રહી જાય છે. પાચન અને અભિશોષણ પૂર્ણ થતાં પર્ણો પૂર્વવત્ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પિન્ગિક્યુલાના સ્રાવમાં દૂધ જમાવવાનો વિશિષ્ટ ગુણધર્મ રહેલો છે. તે શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ