કીટો-અમ્લતા (ketoacidosis) : શરીરમાં કીટોન-દ્રવ્યોનું ઉત્પાદન વધવાથી લોહીમાં અમ્લતા (acidosis) કરતો વિકાર. સામાન્ય વ્યક્તિના લોહીમાં (1.5થી 2.0/100 મિલી.) તથા પેશાબમાં કીટોન-દ્રવ્યોની ખૂબ જ ઓછી સાંદ્રતા (concentration) હોય છે. બાળકોમાં થતા ઇન્સ્યુલિન-આધારિત મધુપ્રમેહમાં ઇન્સ્યુલિનની ઊણપ સર્જાઈ હોય અથવા ચેપ લાગ્યો હોય ત્યારે, ભૂખમરો થયો હોય ત્યારે અથવા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું ખૂબ જ ઓછું પ્રમાણ હોય ત્યારે શરીરને જરૂરી ઊર્જા(શક્તિ)ના સ્રોત રૂપે મેદ-અમ્લો(fatty acids)નો ઉપયોગ થાય છે. યકૃત(liver)માં તે સમયે કીટોન-દ્રવ્યો ઉત્પન્ન થાય છે. તેમનું ઉત્પાદન ખૂબ જ વધી જાય ત્યારે તે અમ્લતાનો વિકાર સર્જે છે. તે સમયે લોહી અને પેશાબમાં કીટોન-દ્રવ્યોની સાંદ્રતા વધે છે.

મેદ-અમ્લ અથવા સ્નેહામ્લોના સામાન્ય અપચય (catabolism) વખતે બીટા-ઉપચયન દ્વારા ઍસિટિલ-કો-એન્ઝાઇમ-એ ઉત્પન્ન થાય છે. યકૃત તેના અણુઓમાંથી ઍસિટો-એસિટિક ઍસિડ બનાવે છે. તેમાંથી બીટા-હાઇડ્રૉક્સિબ્યુટિરિક ઍસિડ અને ઍસિટોન નામનાં બે

કીટોન-દ્રવ્યનું ઉત્પાદન

કીટોન-દ્રવ્યો બને છે. આ પ્રક્રિયાને કીટો-જનન (ketogenesis) કહે છે. તે યકૃતમાંથી લોહી દ્વારા વિવિધ પેશીઓમાં જાય છે, જ્યાં એસિટિકલ-કો-એન્ઝાઇમ-એ-ના રૂપમાં કોષમાં પ્રવેશીને ક્રેબ્સ-ચક્ર દ્વારા ઊર્જા-ઉત્પાદનમાં વપરાય છે. ગ્લુકોઝની ગેરહાજરીમાં એસિટિલ-કો-એન્ઝાઇમ-એ ઉત્પન્ન કરવા પૂરતો પાયરુવિક ઍસિડ મળતો નથી. આવી સ્થિતિ મધુપ્રમેહના બાળદર્દીમાં ઇન્સ્યુલિનની ગેરહાજરીમાં કોષમાં ગ્લુકોઝ ન પ્રવેશી શકવાથી અથવા ભૂખમરાથી થાય છે. ગ્લુકોઝમાંથી પ્રાપ્ત એસિટિલ-કો-એન્ઝાઇમ-એ ન મળવાથી ચરબીમાંથી કીટોન-દ્રવ્યો મેળવીને શરીરના કોષોને ઊર્જા માટે પહોંચાડવામાં આવે છે. આમ કીટોન-દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને કીટો-અમ્લતાનો વિકાર સર્જાય છે. એસિટોન ફેફસાં દ્વારા વાયુ રૂપે બહાર નીકળે છે અને તેથી તેની મીઠી સુવાસ પણ ઉચ્છવાસમાં બહાર નીકળતા વાયુમાં હોય છે. ફરીથી જ્યારે કોષને ગ્લુકોઝ પ્રાપ્ત થાય ત્યારે ગ્લુકોઝમાંથી પાયરુવિક ઍસિડ બનવા માંડે છે અને તે ક્રેબ્સ-ચક્રમાં પ્રવેશે છે. આ સમયે કીટો-જનન બંધ થાય છે. શરૂઆતમાં કીટોન-દ્રવ્યોની અમ્લતાને સંતુલકો (buffers) વડે સંતુલિત કરાય છે. પરંતુ જ્યારે તેની સાંદ્રતા વધી જાય ત્યારે અમ્લતાનો વિકાર થાય છે.

કીટો-અમ્લતાના વિકારવાળી વ્યક્તિનો શ્વાસોચ્છવાસ ઝડપી બને છે અને તેમાં મીઠા ફળના જેવી એસિટોનની સુવાસ આવે છે. જીભ, ગળું, નાક, મોઢું વગેરેની અંદરની દીવાલ (શ્લેષ્મકલા – mucus) તથા ચામડી સૂકી અને ફિક્કી પડી જાય છે. ઊલટીઓ થાય છે. શરીરમાં પાણી ઘટવાથી નિર્જલન (dehydration) થાય છે અને ચામડીની સ્થિતિસ્થાપકતા ઘટે છે તથા કરચલીઓ પડે છે. નાડીના ધબકારા વધે છે તથા લોહીનું દબાણ ઘટે છે. દર્દીને મૂર્ચ્છા આવે છે અને ક્યારેક બેભાન થઈ જાય છે. મધુપ્રમેહના બાળદર્દીને જ્યારે ઇન્સ્યુલિનની ઊણપ થાય, ભૂખમરો થાય, ચેપને કારણે તાવ કે ઝાડા થયા હોય, શસ્ત્રક્રિયા કરાવેલી હોય, યકૃતનો રોગ થયો હોય, મધુપ્રમેહવાળી સ્ત્રીને પ્રસૂતિ થઈ હોય તો કીટો-અમ્લતાનો વિકાર થાય છે. લોહી અને પેશાબમાં કીટોન-દ્રવ્યો, ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા જાણવાથી નિદાન કરી શકાય છે.

સારવાર : નસ વાટે જરૂર પ્રમાણે ગ્લુકોઝ અને/અથવા આયનોવાળાં દ્રાવણો અપાય છે. સોડિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, બાઇકાર્બોનેટ ક્લોરાઇડ વગેરે આયનોનો ઉપયોગ કરાય છે. ચેપ પર કાબૂ મેળવવા ઍન્ટિબાયૉટિક ઔષધ અપાય છે. મધુપ્રમેહના દર્દીને જરૂરિયાત પ્રમાણે ઇન્સ્યુલિન અપાય છે. સમયસરનાં નિદાન અને ચિકિત્સા જીવનરક્ષક ગણાય છે.

આર. એમ. શાહ