કિસાન-આંદોલન

January, 2008

કિસાન-આંદોલન : જમીનના પ્રશ્નો અંગે કિસાનો દ્વારા ચાલતી ચળવળ. કિસાનોને સ્પર્શતી સમસ્યાઓમાં જમીન-મહેસૂલનું ભારણ, વસૂલાતની સખતાઈ, જંગલોની જાળવણી, વન્ય પ્રાણીઓનો ત્રાસ, જંગલ અને મહેસૂલ ખાતાના અધિકારીઓની પજવણી તથા શરાફોની શોષણનીતિ વગેરે ગણાવી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેના પર્યાય તરીકે કૃષિ-તનાવ (agrarian tension), કિસાન-ચળવળ (peasant uprising), કૃષિ-સંઘર્ષ (agrarian conflict), કિસાન-બળવો (peasant revolt), ખેડૂત-આંદોલન (farmers agitation) વગેરે શબ્દપ્રયોગો પ્રયોજાય છે.

કિસાન (peasant) અને ખેડૂત (farmer) વચ્ચે તફાવત પાડવામાં આવે છે. કિસાન ખેતી કરે છે, પરંતુ જમીનમાલિક નથી; જ્યારે ખેડૂત મુખ્યત્વે જમીનમાલિક છે અને ખેતમજૂરોની મદદથી આધુનિક ખેતી કરાવે છે. તેમનાં આંદોલનોનું સ્વરૂપ અલગ અલગ હોય છે. કિસાન જમીનમાલિક બનવા માટે આંદોલન ચલાવે છે, જ્યારે ખેડૂત બજાર-વ્યવસ્થામાં પોષણક્ષમ ભાવો મેળવવા માટે આંદોલન ચલાવે છે. તત્વત: આ બંને આંદોલનો જુદાં છે, પરંતુ જમીનને લગતા પ્રશ્નો સાથે સંકળાયેલાં આંદોલનોમાં આવા સ્પષ્ટ તફાવતો વાસ્તવિક ધોરણે પાડવાનું મુશ્કેલ છે. આથી ‘કિસાન’ શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે.

કિસાન-આંદોલન અથવા ખેત-આંદોલન કિસાનના વિવિધ સ્તરો, પોતાને શોષણયુક્ત લાગતી સમાજવ્યવસ્થાને બદલી નાખવા અથવા તો સમગ્ર વ્યવસ્થાને બદલ્યા વિના તેમાં રહીને ન્યાય મેળવવા માટે તેમના દ્વારા થતા સામૂહિક પ્રયત્નોનો નિર્દેશ કરે છે. કિસાન-આંદોલન અને ખેત-આંદોલન હિંસક કે અહિંસક, આયોજિત કે પ્રસ્ફુટિત, પૂર્વરાજકીય કે રાજકીય એવા તમામ પ્રકારનાં વિરોધ આંદોલનોનો આમાં સમાવેશ થાય છે.

કિસાનઆંદોલનોનું આંતરરાષ્ટ્રીય ફલક : કિસાન-આંદોલનો આંતરરાષ્ટ્રીય ઘટના છે. મહદંશે તેને સામાજિક માળખાના પરિવર્તનના એક ભાગ તરીકે જોવામાં આવે છે. આધુનિક યુગનું સર્વપ્રથમ નોંધપાત્ર કિસાન-આંદોલન જોન વૉલના નેતૃત્વ હેઠળ, ઇંગ્લૅન્ડમાં સામંતોની સામે 1381માં થયું. આ આંદોલનમાં મધ્યમ વર્ગના બૌદ્ધિકોએ કિસાનોને ટેકો આપ્યો હતો. તેમની મુખ્ય માગણી રાજકીય અધિકારોની હતી. 1549માં માત્ર કિસાનો દ્વારા મોટા પાયા પર સામંતો સામે આંદોલન થયું. ત્યારબાદ સવાસો વર્ષના ગાળા સુધી નાનાંમોટાં કિસાન-આંદોલનો ચાલ્યાં બાદ સામંતશાહીની પડતીનો સમય આવ્યો. આ સમય દરમિયાન કિસાનો અને મજૂરોની એકતા સધાઈ. 1730માં મોટું આંદોલન થયું અને પરિણામે સરકારે તપાસ કમિશન નીમ્યું.

ફ્રાંસમાં 1358માં કિસાનોએ સામંતોની સામે વિદ્રોહ કર્યો. ત્યારબાદ મધ્યમવર્ગના બૌદ્ધિકોના નેતૃત્વ હેઠળ 1779માં વ્યાપક રીતે સફળ આંદોલન થયું. ઇંગ્લૅન્ડના આધિપત્ય સામે આયર્લૅન્ડના કિસાનોની લાંબી લડત તથા આફ્રિકાના બોઅર કિસાનોની અંગ્રેજી સામ્રાજ્યવાદ સામેની લડત કિસાન-આંદોલનના ઇતિહાસનાં સીમાચિહનો છે. લ્યુથરના વિચારોની અસર હેઠળ જર્મનીમાં જે પ્રૉટેસ્ટન્ટ આંદોલન થયું તેમાં સામંતો રોમન કૅથલિક ચર્ચની સાથે હતા તો બૌદ્ધિક અને કિસાનો લ્યુથરની સાથે હતા. પરંતુ લ્યુથર તો માત્ર સુધારાવાદી હતા. આથી જર્મનીમાં કિસાન-આંદોલન દબાઈ ગયું. સેક્સનીનો 1780નો કિસાન વિદ્રોહ અસફળ રહ્યો.

જેમ યુરોપમાં વિવિધ જાતનાં કિસાન-આંદોલનો થયાં તેવાં જ અમેરિકા, આફ્રિકા અને એશિયામાં થયાં. આ બધાં આંદોલનોને મહદંશે સામંતશાહીના વિલય અને મૂડીવાદના ઉદયનાં ચિહનો તરીકે ઘટાવવામાં આવ્યાં. ભારતમાં પણ સ્વાતંત્ર્ય પહેલાં અને સ્વાતંત્ર્ય બાદ અનેક પ્રકારનાં કિસાન-આંદોલનો થયાં છે પરંતુ અહીં મુખ્યત્વે પશ્ચિમ ભારતને નજર સમક્ષ રાખીને ચર્ચા કરી છે.

પશ્ચિમ ભારતમાં કિસાનઆંદોલનની તવારીખ : 1784-85 જવાહર(તા. થાણા-મહારાષ્ટ્ર)નાં રાણી દ્વારા પ્રેરિત કોળી બળવો; 1809-28 ગુજરાતમાં ભીલ બળવો; 1818 કોળી વિદ્રોહ (મહારાષ્ટ્ર); 1831-32 કોળીઓનું વ્યાપક આંદોલન; 1838 ગુજરાતમાં નાયક(નાયકા)નો બળવો : 1846 કુંવર જીવે વસાવાના નેતૃત્વ હેઠળ ભીલ બળવો; 1857-58 ભાગોજી નાયક અને કારસિંહના નેતૃત્વ હેઠળ ભીલ બળવો; 1858 ગુજરાતમાં બ્રિટિશ રાજ્ય સામે નાયકડાનો બળવો; 1868 જોરિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં નાયકનો બળવો; 1905 ડાંગના રાજાઓનો બ્રિટિશ વહીવટ સામે વિદ્રોહ; ગુજરાતમાં દૂબળા વિદ્રોહ; 1905-20 સૂરત જિલ્લાના આદિવાસીઓમાં સુધારાવાદી (દેવી) આંદોલન; 1928-49 વેડછી આંદોલન; 1920-47 રાષ્ટ્રવાદી આંદોલનના ભાગ રૂપે ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલીની નાકરની લડત; 1946-48 થાણા જિલ્લામાં વાર્લી બળવો; 1947માં ડાંગમાં સ્વાયત્ત રાજ્યની માગણી, મહારાષ્ટ્રગુજરાતમાં ભૂમિસેના-આંદોલન; 1956-57 પારડી ઘાસિયા જમીન સત્યાગ્રહ; 1980-90 કોટડા (જિ. ઉદેપુર) તાલુકામાં રાજસ્થાન આદિવાસી એકતા સમિતિ દ્વારા સમાજસુધારા-આંદોલન; 1984-90 વન મજૂર મંડળ દ્વારા આદિવાસીઓમાં સંચેતના દ્વારા આંદોલન; 1986-92 નર્મદા બચાવો આંદોલન; 1982-84 ડુંગળી બટાકાના ભાવોની માગણી સાથે મહારાષ્ટ્રમાં શરદ જોશીના નેતૃત્વ હેઠળ આંદોલન; 1987 ખેડૂત સમાજ અને ગુજરાત કિસાન સંઘ દ્વારા કૃષિભાવ આંદોલન; 1982 વાલિયામાં વસાવા (ખેતમજૂર) અજંપો; 1992 ડાંગમાં ઉદ્દામવાદી આંદોલન.

ગુજરાતમાં કિસાન આંદોલન : સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં બ્રિટિશ શાસન દરમિયાન પરંપરાગત રીતે જંગલોનો કબજો ધરાવતા આદિવાસી વિસ્તારો પર બ્રિટિશ સરકારે 1864માં જંગલ અધિનિયમ દાખલ કરીને જંગલ પરના આદિવાસીઓના અધિકારો છીનવી લીધા તેની સામે ભારતમાં ઘણી જગ્યાએ આદિવાસી કિસાનોએ બળવા કર્યા. ગુજરાતમાં દૂબળાઓનો બળવો તથા 1905માં ડાંગના આદિવાસી રાજાઓનો બળવો ઇતિહાસમાં નોંધાયેલી ઘટનાઓ છે. 1945-47ના સમયમાં મહારાષ્ટ્રના થાણા જિલ્લાના વાર્લી આદિજાતિના લોકોએ સામ્યવાદી પક્ષની આગેવાની હેઠળ સશસ્ત્ર બળવો કર્યો હતો. આવાં બધાં નાનાં છમકલાંની કોઈ વ્યાપક અસર ઊભી ન થઈ શકી તેનું એક કારણ આ વિસ્તારમાં ગાંધીવાદી કાર્યકરો અને ભણેલા આદિવાસીઓ દ્વારા અસંતોષની પ્રગટેલી આગને વિરોધને બદલે સમાજસુધારા-આંદોલન તરફ વાળી દેવામાં આવી તેને પણ ગણી શકાય. આદિવાસીઓમાં શિક્ષણ મેળવીને મુખ્ય પ્રવાહમાં ભળવાનો જુવાળ ચાલ્યો હતો. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં આદિવાસી વિસ્તારમાં ચાલેલાં બંને પ્રકારનાં આંદોલનોમાં ગાંધીવાદી સમાજસુધારણા-પ્રકારનાં આંદોલનો મુખ્ય રહ્યાં. ગાંધીવાદી કાર્યકરોની સંગઠિત આશ્રમી પ્રવૃત્તિને કારણે સ્વયંભૂ રીતે ઊભાં થતાં વિરોધી આંદોલનો દબાઈ ગયાં અને રાષ્ટ્રવાદી આંદોલનના ભાગ રૂપે સમાજસુધારા-આંદોલનોને મહત્વ મળ્યું.

સૂરત જિલ્લાના વ્યારા વિભાગના આદિવાસીઓમાં તો ગાંધીવાદી અસરથી લગભગ પોણી સદી પૂર્વે સમાજસુધારાનું આંદોલન શરૂ થયું હતું. ઘાટા ગામના ભગત કુટુંબના પ્રયાસો આમાં નોંધપાત્ર છે. દેવીની ચળવળે પણ આ સમાજસુધારાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. દર શનિવારે જુદે જુદે ગામે થતી આ સાપ્તાહિક સભાઓમાં રાનીપરજ શિક્ષકો સમાજસુધારણા વિશે પ્રવચનો આપતા. આ રીતે સમાજસુધારા માટે સભાઓ અને પરિષદો પણ ભરાતી. આ પરિષદમાં કોઈ ઉજળિયાતો (બિનઆદિવાસીઓ) આવતા નહોતા. જો કોઈ ઉજળિયાતો આજુબાજુ જણાય તો આદિવાસીઓ સભા વિખેરી નાખતાં, કારણ કે ઉજળિયાતો ખાસ કરીને ઘણીયામા, જંગલખાતાના કર્મચારીઓ અને પીઠાવાળા પારસી તેમની સુધારાપ્રવૃત્તિની વિરુદ્ધ હતા. તેઓ આવી પ્રવૃત્તિઓ કરનાર આદિવાસીઓને હેરાન કરતા.

આવા એકાદ સંમેલનમાં કુંવરજી મહેતા, કેશવભાઈ ગણેશજી પટેલ, ઉમેદરામ જીવણજી નાયક વગેરે ગાંધીવાદી કાર્યકરો જઈ ચડતા. પ્રથમ ‘કાળીપરજ પરિષદ’નું આયોજન થયું. વીસ હજાર આદિવાસીઓની હાજરીવાળી પ્રથમ ગંજાવર પરિષદ તા. 1-1-1923ના રોજ મહુવા તાલુકાના શેખપુર ગામે મળી. કાળીપરજ આશ્રમો કાઢવાનો ઠરાવ થયો. આ આશ્રમો દ્વારા આદિવાસી સમાજમાં ચાલતી માંસ, મદિરા અને ઘરેણાંના ત્યાગની પ્રવૃત્તિઓને ચાલુ રાખીને તે સાથે શિક્ષણ, ખાદીપ્રચાર, સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગીદારી વગેરે પ્રવૃત્તિઓ સાંકળી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ઉત્સાહ એટલો બધો વ્યાપક બન્યો કે બે વર્ષમાં જુદાં જુદાં સ્થળોએ પાંચ રાનીપરજ પરિષદો ગાંધીવાદી આશ્રમી કાર્યકરોની હાજરીમાં ભરાઈ હતી. આ પ્રવૃત્તિમાંથી આગળ જતાં રાષ્ટ્રીય આંદોલન માટેના આદિવાસી કાર્યકરો તૈયાર થયા.

બીજી બાજુ બ્રિટિશ વહીવટ સામે રોષે ભરાયેલા આદિવાસીઓએ હિંસક આંદોલન કર્યાના દાખલા પણ ગુજરાતમાં છે. 1905માં ડાંગી રાજાઓએ ડાંગના કલેક્ટર સામે બળવો કર્યાની વાત ડાંગ જિલ્લા ગૅઝેટિયરમાં નોંધાયેલી છે.

તળ ગુજરાતમાં રૈયતવારી પ્રથા હતી અને ખેડૂત જમીનનો માલિક હતો. રાષ્ટ્રીય આંદોલનના એક ભાગ રૂપે આ કિસાનોએ અંગ્રેજ સરકારને મહેસૂલ નહિ ભરીને અસહકાર આંદોલનો ચલાવ્યાં હતાં. આમાં ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલીની નાકરની લડત વગેરેને ગણાવી શકાય. આ બધી લડતો સામાન્ય રીતે અન્યાયી મહેસૂલપ્રથા સામે હતી, જે રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપ હતી. આ બધામાં બારડોલીની નાકરની લડતે સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું. બારડોલી વિસ્તારના ખેડૂતોની ફસલ નિષ્ફળ ગઈ હતી, છતાં સરકારે મહેસૂલની વસૂલાતનો આગ્રહ રાખ્યો. તેની સામે ગાંધીજીના આશીર્વાદથી અને સરદાર પટેલના નેતૃત્વ હેઠળ ‘બારડોલી સત્યાગ્રહ’ અથવા તો ‘નાકરની લડત’ નામનું આંદોલન થયું. આ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું તેથી તો વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ મળ્યું. સરકારના મહેસૂલ વસૂલ કરવાના પ્રયત્ન નિષ્ફળ જતાં ધરપકડો અને જમીનહરાજીનો દોર ચાલ્યો. અનેક ગાંધીવાદી કાર્યકરોએ જેલવાસ વેઠ્યો. છેવટે સરકારને ઝૂકવું પડ્યું.

કિસાન સભાના ઉલ્લેખ વિના કિસાન-આંદોલનની વાત અધૂરી રહે. બારડોલીનો સત્યાગ્રહ એ બ્રિટિશ સરકારની ટક્કર લઈ શકે તેવા સક્ષમ અને સંગઠિત ખેડૂતોનું આંદોલન હતું. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ગીરાસદારોથી શોષણ પામતા ખેડૂતો કે સૂરત, ભરૂચ અને વડોદરામાં ઘણીયામાના વેઠિયા (bonded labour) જેવા હાળીઓની મુક્તિનો સવાલ મહત્ત્વનો હતો. આ લોકો બાપડા હતા. જાન્યુઆરી 1936માં મીરત (ઉત્તર પ્રદેશ) ખાતે કૉંગ્રેસ સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ મળી તેમાં સમગ્ર ભારતના કિસાનોની બેહાલીની વાત ચર્ચાઈ. શ્રી જયપ્રકાશ નારાયણ અને એન. જી. રંગાના કન્વીનર પદે ઑલ ઇન્ડિયા કિસાન કૉંગ્રેસની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં ‘ઑલ ઇન્ડિયા કિસાન સભા’ની સ્થાપના કરવામાં આવી. સ્વામી સહજાનંદ સરસ્વતી પ્રમુખ થયા અને એન. જી. રંગા મંત્રી બન્યા. કિસાન બુલેટિનનું સંપાદન કરવાની જવાબદારી ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપાઈ. 1940માં સ્વામીજીની ધરપકડ થયા પછી ઇન્દુલાલ યાજ્ઞિક પ્રમુખ થયા. ત્યારબાદ બિહટા (બિહાર), કન્નનુર (કેરળ) અને મોગા(પંજાબ)ની પરિષદોનું પ્રમુખપદ પણ યાજ્ઞિકે શોભાવ્યું.

હરિપુરા(જિ. સુરત)માં કૉંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારે દસ હજાર કિસાનોની રેલી નીકળી. બારડોલીના હાળીઓ તેમાં જોડાયા. દિનકર મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક, સુમંત મહેતા, પાંગારકર વગેરેની આગેવાની નીચે કિસાન-ક્રાંતિનાં ગીતો ગવાયાં. હરિપુરા કિસાન કૂચ બાદ ગુજરાતમાં કિસાન સભાના સાત હજાર સભ્યો નોંધાયા. ઇન્દુલાલ યાજ્ઞિક ગણોતધારાની લડતમાં સક્રિય હતા. આ લડતો દરમિયાન ચાલીસના દાયકામાં જયંતિ પારેખ, દિનકર મહેતા, જમનાદાસ મોદી, ઠાકોરભાઈ શાહ વગેરે પ્રતિબદ્ધ કાર્યકરો મળ્યા. પરંતુ આ બધા કાર્યકરો સામ્યવાદી પક્ષના હતા. કિસાન સભા પર તેમની પકડ જામતાં સરદાર પટેલની આગેવાની હેઠળ કૉંગ્રેસે કિસાન સભા પરત્વે નકારાત્મક વલણ અપનાવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક કિસાન સભાનું કામ જમાવી તો ન શક્યા, પરંતુ ધીમે ધીમે કિસાન સભાથી દૂર થઈ ગયા. સ્વાતંત્ર્ય બાદ ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોને બાદ કરતાં અન્ય સ્થળોએ કિસાન સભાનું વર્ચસ્ ન રહ્યું.

સ્વાતંત્ર્ય પૂર્વેના સમયના ઉપરના ત્રણેય પ્રકારો કિસાન-આંદોલનોના કિસ્સાઓ હોવા છતાં તેમના અજંપાનું સ્વરૂપ, દિશા, સંગઠન અને કાર્યક્રમમાં વૈવિધ્ય રહેલું છે. આદિવાસી વિસ્તારમાં જે કિસાન આંદોલનો થયાં તે બે સ્વરૂપનાં હતાં – વિરોધ અને સમાજસુધારણા. જંગલ અધિનિયમ વિરુદ્ધ, જંગલ અને પોલીસ ખાતાંની જોહુકમી વિરુદ્ધ વગેરે જેવા આદિવાસીઓને બેહાલ બનાવતાં તંત્રોની વિરુદ્ધ આંદોલનો થયાં. એ સાથોસાથ ‘આપણે સુધરીશું તો આગળ જઈ શકીશું’ તેવી ભાવનાથી દેવી આંદોલન જેવાં સમાજસુધારાનાં આંદોલનો પણ થયાં.

રૈયતવારી વિસ્તારમાં થયેલાં આંદોલનો મહદંશે અંગ્રેજ સરકારની નીતિઓ સામેનાં ગરીબ અને મધ્યમ કિસાનોનાં આંદોલનો હતાં. જમીનદારી વિસ્તારનાં આંદોલનો જમીનદારોની જોહુકમી, અત્યાચાર અને શોષણ સામેનાં આંદોલનો હતાં.

સ્વાતંત્ર્ય બાદની કૉંગ્રેસ સરકારને જમીન, જંગલ અને કૃષિ વિશેની અંગ્રેજોની નીતિ સામે કિસાનોએ કરેલાં આંદોલનોની જાણ હતી. તેમાંનાં કેટલાંક આંદોલનો તો સત્યાગ્રહની પદ્ધતિથી કૉંગ્રેસે પોતે ચલાવ્યાં હતાં. આથી કૉંગ્રેસે પોતાની કૃષિનીતિમાં સર્વપ્રથમ તો જમીનસુધારણા કરી વચેટિયા(જમીનદારો વગેરે)ને હટાવવાનું કામ કર્યું. સૌરાષ્ટ્ર અને કચ્છના ગરાસદારી વિસ્તારોમાંથી  ‘ખેડે તેની જમીન’ના સિદ્ધાંત હેઠળ ગરાસદારી નાબૂદ કરી ખેડનાર ગણોતિયાને જમીનમાલિક બનાવ્યા. સૌરાષ્ટ્રમાં જમીનસુધારા તત્કાળ સફળ થયા. ગરાસદાર વર્ગનું પુનર્વસન ન થતાં આગળ જતાં જમીન સંબંધોમાં તંગદિલી ઊભી થઈ, પરંતુ તત્કાળ તો ખેડૂતો સીધા રાજ્ય સાથે સંકળાયા. ખેડે તેની જમીન થઈ તેથી ઉત્પાદન વધ્યું. પાણી અને હરિયાળી ક્રાંતિનાં અન્ય તત્ત્વો આવતાં ખેતી નફા માટે થવા લાગી અને ખેડૂતો વ્યાપક બજાર સાથે સંકળાયા. પરંતુ કૃષિક્ષેત્રે આવેલા પરિવર્તનનો લાભ મોટા અને મહદંશે રોકડિયા પાકો લેતા ખેડૂતોને થયો. નાના ને સીમાંત ખેડૂતો દેવામાં ડૂબવા લાગ્યા. તેમની જમીનો જવા લાગી અને જમીનવિહોણા મજૂરોની સંખ્યા ખૂબ વધી ગઈ. આ જમીનવિહોણા મજૂરોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું પ્રમાણ વિશેષ હતું. આવી પરિસ્થિતિમાં કિસાન-આંદોલનોનું સ્વરૂપ પણ બદલાયું. હવે બે પ્રકારનાં કિસાન-આંદોલનો થયાં : (1) ગ્રામીણ ગરીબોનાં અને (2) ગ્રામીણ ભદ્ર વર્ગનાં. પ્રથમ ગ્રામીણ ગરીબોનાં આંદોલનની વાત કરીએ.

સ્વાતંત્ર્યોત્તર ગાળાનાં આંદોલનોને પણ આવા ત્રણ ભૌગોલિક વિભાગોમાં વહેંચી શકાય. સ્વાતંત્ર્ય બાદ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં વિરોધ આંદોલનો નથી થયાં તેવું સામાન્ય રીતે મનાય છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓમાં અમુક જગ્યાએ બિનઆદિવાસી-ઉજળિયાતોની પકડથી મુક્ત બનવાની માગણી અવારનવાર ઊઠી છે. આ સ્વાયત્તતાની માગણીને ત્રણ જુદાં જુદાં જૂથોએ પોતાની રીતે સમજાવી. એક ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી); બીજું વ્યારા જૂથ અથવા આદિજાતિ રાષ્ટ્રીય મહાસભા; અને ત્રીજું સ્વતંત્ર પક્ષના ધારાસભ્યોનું જૂથ. ત્રણે જૂથોએ પોતપોતાની વિચારસરણી મુજબ સ્વાયત્તતાની માગણી કરી. ભરૂચ જિલ્લામાં સામ્યવાદીઓની અસર નીચે આવેલા વિસ્તારોમાં આ માગણીએ જોર પકડ્યું હતું. ડાંગમાં પણ સ્વાયત્ત રાજ્યની માગ ઊભી થઈ હતી. ધીમે ધીમે આ સૂત્ર વિલય પામ્યું. ગુજરાતની બાજુમાં મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં ભૂમિસેનાની રચના થઈ અને આદિવાસીઓને આંદોલિત કરવાના પ્રયાસો થયા. પારડીની ઘાસિયા જમીન મેળવવા માટે પ્રજાસમાજવાદી પક્ષની રાહબરી હેઠળ આદિવાસી કિસાનોએ કરેલા આંદોલનને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી.

1984માં ઉત્તર ગુજરાતમાં મધુસૂદન મિસ્ત્રીએ ‘વન મજૂર મંડળ’ ઊભું કરીને આદિવાસી કિસાન મજૂરના હક્કો માટેની લડત ઉપાડી. વિસ્તરતું રહેલું આ આંદોલન છેવટે માર્ચ 1992માં અમદાવાદ ખાતે આદિવાસીઓની ભવ્ય રેલી અને ધરણામાં પરિણમ્યું. રાજ્ય સરકારે તુરત પ્રતિભાવ આપી જંગલ જમીનના પ્રશ્ને સમિતિ નીમી, જેને પરિણામે 37,000 એકર જેટલી જમીન આદિવાસીઓને નામે થવાની સ્થિતિ જન્મી. આટલી મોટી સિદ્ધિ અગાઉ કોઈ આદિવાસી આંદોલનને મળી નથી. ‘રાજસ્થાન આદિવાસી એકતા સમિતિ’ની રચના કરી શોષણ સામે વિરોધ તથા સમાજસુધારણાનું આંદોલન લગભગ એક દાયકો (1980-90) ચલાવ્યું. જે આદિવાસીઓએ બંધો અને અન્ય વિકાસ-યોજનાઓમાં જમીનો ગુમાવી તેમણે પણ ન્યાય મેળવવા માટે આંદોલનો કર્યાં અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ આમાં સાથ આપ્યો. આમ છતાં દલિત ખેતમજૂરો પર વધેલા અત્યાચાર સામે હજી સુધી ખાસ આંદોલનો થયાં નથી.

બીજા પ્રકારનાં આંદોલનો સરકારની કૃષિનીતિથી લાભિત ખેડૂતોમાં વધુ ને વધુ છૂટછાટો મેળવવા માટેનાં આંદોલનો છે. સ્વાતંત્ર્ય બાદ હરિયાળી ક્રાંતિથી લાભિત એવા ગ્રામસમાજના ઉપલા સ્તરના ખેડૂતોએ સરકારની કૃષિનીતિને પોતાના લાભમાં ફેરવવા માટે આંદોલનનું સાધન અપનાવ્યું. અખિલ ભારતીય સ્તરે શરદ જોશીની લડતનો પડઘો ગુજરાતમાં પડ્યો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું વધુ પ્રતિનિધિત્વ બિપિન દેસાઈની આગેવાની હેઠળ ખેડૂત સમાજ નામના સંગઠન દ્વારા અને ઉત્તર ગુજરાતમાં કિસાન સંઘ દ્વારા થયું. આ બંને સંગઠનોની પ્રથમ માગ વીજળીના ભાવો અંગેની હતી. ત્યારબાદ તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવોની વાત હતી. કિસાન સંઘે 19 માર્ચ, 1987ના રોજ રાજ્ય વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ આપ્યો. હજારો ખેડૂતો ઊમટી પડ્યા અને પોલીસને ગોળીબાર કરવો પડ્યો.  કેટલાક ખેડૂતો આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા અને તેના પ્રત્યાઘાત રૂપે 21 માર્ચના રોજ અપાયેલ ‘ગામ બંધ’નો કાર્યક્રમ હિંસક બન્યો. આ દિવસે શહેરનો દૂધ અને શાકભાજીનો પુરવઠો બંધ કરી દેવાયો. વૃક્ષો કાપીને આડાં મુકાયાં અને રસ્તા રોકી લેવામાં આવ્યા. પોલીસદમન પણ પૂરજોશમાં ચાલ્યું. ખેડૂતોએ નેતાઓ અને સરકારી અધિકારીઓને ગ્રામપ્રવેશબંધી ફરમાવી. બીજી બાજુ ખેડૂતસમાજે શરદ જોશીને બોલાવ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ 30 માર્ચે સાત કલાકનું ‘રસ્તા રોકો’ આંદોલન ચલાવ્યું અને ખેડૂતોની માગણી એક મહિનામાં સંતોષવાનું આખરીનામું આપ્યું. અનેક નાનાં સંગઠનો અને તેમની લડતો વચ્ચે સંકલન માટે કિસાન સમન્વય સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ આ લડત નાના સ્વરૂપે ચાલતી હતી. આ લડત મુખ્યત્વે તળ ગુજરાતમાં ચાલી. આદિવાસી પટ્ટીમાં કે સૌરાષ્ટ્ર-કચ્છમાં તેનું ખાસ જોર દેખાયું નહિ.

આમ સ્વાતંત્ર્ય પછીના અને ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછીનાં કિસાન-આંદોલનોમાં બે અલગ તરાહ જોવા મળી. પ્રથમ તરાહ ગ્રામીણ ગરીબોના સ્વરૂપમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેતમજૂરો, જંગલ-મજૂરો વગેરેનાં આંદોલનોની રહી. આ આંદોલનોમાં લઘુતમ વેતન, કાનૂન અને બંધારણ મુજબ હક્ક, પોલીસ અને જંગલ ખાતાનાં દમન સામે વિરોધ, કામની માગણી, જમીનહક્કની માગણી વગેરે બાબતો મુખ્ય રહી. આવાં આંદોલનોનો જ્યાં સ્થાનિક સંપન્ન ખેડૂતોએ પ્રતિકાર કર્યો (દા.ત. વાલિયા) ત્યાં ત્યાં છૂટક હિંસક ઘટનાઓ પણ બની. આ આંદોલનોમાં આગળ જતાં મજૂર સ્ત્રીઓની હેરાનગતિ, આદિવાસીઓના જંગલ-અધિકારો વગેરે મુદ્દાઓ પણ સામેલ થઈ ગયા. ગ્રામીણ ભદ્ર વર્ગ અને સરકારની સામેનાં ગ્રામીણ ગરીબોનાં આ આંદોલનોને માનવ-અધિકાર જૂથોએ જે ટેકો કર્યો તેથી બળ અને પ્રસિદ્ધિ મળ્યાં. બીજી બાજુ હરિયાળી ક્રાંતિથી લાભિત જમીનદારો, મોટા તથા મધ્યમ ખેડૂતો વગેરેનાં આંદોલનો સરકાર પાસેથી વીજળીના દરો ઘટાડવા, ઉત્પાદનના ટેકાના ભાવો વધારવા તથા અન્ય છૂટછાટો મેળવવા અંગેનાં હતાં. આ માગણીઓ માટે રાજ્ય પર દબાણ લાવવાની નીતિ તેમણે અપનાવી. ટૂંકમાં રાજ્યની નીતિને ગ્રામીણ ભદ્ર વર્ગ તરફ વાળવા માટેના આ પ્રયાસો હતા. તેમ છતાં જ્યારે ખેતમજૂરોને લઘુતમ વેતન આપવાની વાત આવે છે ત્યારે આ ખેડૂતો સ્વીકારતા નથી. માત્ર શરદ જોશીએ ખેતમજૂરોને પોતાની લડતમાં સાથે લેવા માટે લઘુતમ વેતન આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. આ આંદોલન કરતાં સુખી ખેડૂતોમાંના કેટલાકે તો ‘સેના’ નામવાળાં, અર્ધલશ્કરી પદ્ધતિઓ ધરાવતાં દળો પણ ઊભાં કર્યાં છે.

વાસ્તવમાં બંને પ્રકારનાં આંદોલનોને કિસાન-આંદોલન તરીકે જોવામાં આવે છે, છતાં તેમના અજંપાનો પ્રકાર, વિચારસરણી અથવા દિશા, સંગઠન, સંકળાયેલા લોકો અને નેતૃત્વ તથા કાર્યક્રમોની દૃષ્ટિએ બંને ખૂબ જ અલગ છે.

વિદ્યુત જોશી