કિસાનકન્યા

January, 2008

કિસાનકન્યા (1937) : ભારત ખાતે સ્વતંત્ર રૂપે ફિલ્માંકન, નિર્માણ તથા સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી દેશની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિ.

સર્વપ્રથમ બોલપટ ‘આલમઆરા’ના નિર્માણના યશ ઉપરાંત ભારતની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિના નિર્માણનો યશ પારસી ગુજરાતી પ્રતિભા અરદેશર ઈરાની અને તેમની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીને ફાળે જાય છે.

ઈરાનીની નજર હંમેશ અમેરિકન ચલચિત્ર ઉદ્યોગની છેલ્લામાં છેલ્લી પ્રગતિ પર રહેતી હતી. તેમણે ‘સિનેકલર’ નામની અમેરિકન ફિલ્મ કંપનીની રંગીન ફિલ્મોના રૉસ્ટૉક મટીરિયલની ભારત ખાતે એજન્સી લીધી હતી. પરંતુ મુંબઈ ખાતે રંગીન ફિલ્મની રાસાયણિક પ્રક્રિયા માટે ભારતની સર્વપ્રથમ રંગીન સિને-રસાયણશાળા (કલર ફિલ્મ લૅબોરેટરી) પણ સ્થાપી તથા આ બંને સંસ્થાઓ દ્વારા તેમણે ‘કિસાનક્ધયા’નું નિર્માણ કર્યું. ‘કિસાનકન્યા’ને ભારતીય પ્રેક્ષકોએ ઉત્સાહભેર વધાવી હોવાના સંદર્ભો મળે છે.

ઉષાકાન્ત મહેતા