કાશહૃદ : દસક્રોઈ તાલુકાનું હાલનું કાસિંદ્રા. વલભીના મૈત્રક રાજા ધરસેન (ધ્રુવસેન 650-655) ત્રીજાનું કરજનું તામ્રપત્ર સાબરમતી નદીના પશ્ચિમ તટે આવેલા કાસિંદ્રામાંથી મળ્યું છે. તેમાં ખેટક આહારના કાશહૃદ પેટા વિભાગના એક અનભિજ્ઞાત ગામનો ઉલ્લેખ આવે છે. આ પરથી કાશહૃદ વિષય મોટો વહીવટી વિભાગ અને નાનો કાશહૃદ વિભાગ ખેટક આહાર(ખેડા પેટાજિલ્લો)નો પંથક (તાલુકો) હોવાનું માલૂમ પડે છે. કાશહૃદ વિષયનું વડું મથક કાશહૃદ હતું. આદ્રોટક એ બાવળા(તા. ધોળકા)ની પશ્ચિમે આવેલું આદરોડા છે. અનુમૈત્રકકાલમાં રાષ્ટ્રકૂટ રાજ્યમાં કાશહૃદ વિષય 750 ગામોનો મોટો વહીવટી વિભાગ હતો. તે ખેટકમંડલની ઉત્તર પશ્ચિમે આવેલો હતો. રાષ્ટ્રકૂટ રાજા કર્કરાજ સુવર્ણવર્ષના પુત્ર ધ્રુવરાજ ધારાવર્ષના વડોદરા દાનશાસનમાં દાનમાં આપેલી ભૂમિ કાશહૃદ વિષયમાં હોવાનો ઉલ્લેખ મળે છે.

કાશહૃદમાં બ્રાહ્મણો અને શ્રાવકોની વસ્તી હતી. વલભીપુરનો વિનાશ થવાની તૈયારી હતી ત્યારે ત્યાંથી આદિદેવની પ્રતિમા કાશહૃદ મોકલી દેવાઈ હતી અને વલભીનો જૈનસંઘ સલામતી શોધતો મોઢેરા વસ્યો હતો. કાસિંદ્રાના હાલના દેરાસરમાં આદિનાથની પ્રતિમા નથી પરંતુ એની બાજુમાં આવેલા ભાત ગામમાં ઋષભદેવનું જૂનું દેરાસર છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

ભારતી શેલત