કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી)

January, 2006

કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી) : પાણિનિના સૂત્રગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ પર વૃત્તિ (વિવરણ) રૂપે રચાયેલો સંસ્કૃત ગ્રંથ. તેના રચયિતાઓ જયાદિત્ય અને વામન છે. અષ્ટાધ્યાયીના પહેલા, બીજા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયો પરની વૃત્તિ જયાદિત્યની છે અને ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા અધ્યાયો પરની વૃત્તિ વામનની હોવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથની રચના કાશીમાં થઈ હોવાનું મનાય છે. કાશિકામાં મંગલાચરણના શ્લોકના અભાવે કેટલાક વિદ્વાનો રચયિતાને વૈદિકેતર માને છે. પ્રસ્તુત ગ્રંથની ઉપાદેયતા અને પ્રામાણિકતા સ્વીકૃતિ પામેલી હોવાને લીધે તે શિષ્ટમાન્ય ગણાય છે. પ્રાપ્ત વૃત્તિગ્રંથોમાં આ ગ્રંથ સૌથી પ્રાચીન છે. કાશિકાની શરૂઆતમાં તેની ઉપાદેયતા વિશે જણાવ્યું છે કે ‘‘મહાભાષ્યમાં, ગણપાઠમાં, ધાતુપાઠમાં જે સિદ્ધાંતોનો વિસ્તાર થયો હતો તે બધાનો સારસંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. વળી તેમાં વાર્તિકો, પરિભાષાઓ અને ગણોનો શુદ્ધ પાઠ આપવામાં આવ્યો છે. સૂત્રોની વૃત્તિમાં તે તે સૂત્રનાં સંજ્ઞા, પરિભાષા વગેરે સ્વરૂપ તેમજ પૂર્વસૂત્રોનાં પદોની અનુવૃત્તિ દર્શાવવામાં આવી છે. અનુવૃત્તિ અને અધિકારસૂત્રની મર્યાદા સ્પષ્ટ બતાવી છે તેમજ સૂત્રની પ્રાપ્તિ કયાં કયાં સૂત્રોમાં થશે તે પણ બતાવ્યું છે અને તેની પ્રક્રિયાથી નિષ્પન્ન થતાં ઉદાહરણો આપ્યાં છે. જરૂરી સ્થળે શાસ્ત્રાર્થની રીતે શંકા-સમાધાનની શૈલીમાં સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે. પૂર્વગ્રંથોનો સારસંગ્રહ હોવાને લીધે મહાભાષ્યમાં પ્રાપ્ત થતા સ્ફોટ, જાતિ, લિંગ, કારક, ગુણવચન વગેરે સિદ્ધાંતોની ચર્ચા લેવામાં આવી નથી. અહીં આપેલાં ઉદાહરણો પરંપરાગત હોઈ પ્રાચીન છે. મહાભાષ્યની દુરૂહ અને અનુક્ત ચર્ચાઓની વિશદતા અહીં મળે છે.’’ આ બધાં કારણોને લીધે પ્રસ્તુત ગ્રંથને પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પરંપરાનો આધારગ્રંથ માનવામાં આવે છે.

જયદેવ જાની