કાવ્યાલંકારસૂત્રવૃત્તિ (ઈ. 750-850 આશરે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વામને રચેલો ગ્રંથ. વામન અલંકારશાસ્ત્રમાં ‘રીતિ’ નામના સંપ્રદાયના પ્રવર્તક હતા. કાવ્યનો આત્મા રીતિ (વિશિષ્ટ પદોની રચના) છે તેમ વામને આ ગ્રંથમાં સ્થાપિત કર્યું છે.

‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ ગ્રંથમાં સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણો એમ ત્રણ ભાગ છે. તેમાં સૂત્ર તથા વૃત્તિના લેખક તો વામન પોતે જ છે. આ ગ્રંથમાં પાંચ અધિકરણ (વિષય વિભાગ) છે. અને પ્રત્યેક અધિકરણમાં બે કે ત્રણ અધ્યાય છે; બધા મળીને કુલ 12 અધ્યાય અને 319 સૂત્રો છે. આ ગ્રંથમાં પ્રથમ ‘શારીર’ નામના અધિકરણમાં કાવ્યનાં પ્રયોજન, કાવ્યશિક્ષાના અધિકારી, વૈદર્ભી આદિ ત્રણ રીતિઓ અને કાવ્યના હેતુ આદિનું વિવેચન છે. દ્વિતીય ‘દોષદર્શન’ અધિકરણમાં પદ, વાક્ય, આદિના દોષોનું નિરૂપણ; તૃતીય ‘ગુણવિવેચન’માં ગુણ અને અલંકારોનો પરસ્પર ભેદ દર્શાવી શબ્દના તથા અર્થના દસ દસ ગુણોનું સોદાહરણ નિરૂપણ; ચતુર્થ ‘આલંકારિક’ અધિકરણમાં યમક, અનુપ્રાસ, ઉપમા, ઉપમાના છ દોષ તથા ઉપમાનુપ્રાણિત અલંકારો અને છેલ્લે પાંચમા ‘પ્રાયોગિક’ અધિકરણમાં સંદિગ્ધ શબ્દોના પ્રયોગ તથા શબ્દશુદ્ધિનું નિરૂપણ છે. જોકે કાવ્યોપયોગી શબ્દોની શુદ્ધિ તથા પ્રયોગ વિશે વામનની પૂર્વે ભામહે સૂક્ષ્મ ચર્ચા કરેલી છે, પણ વામને પ્રાચીન મહાકવિઓએ પોતાની કૃતિઓમાં કરેલા પ્રયોગો પૈકી રસની ર્દષ્ટિએ ઉચિત પણ પાણિનીય વ્યાકરણની ર્દષ્ટિએ અસંગત જણાય તેવા કેટલાક પ્રયોગોનો સંગ્રહ કરી, તેમની સિદ્ધિ પણ પાણિનીય વ્યાકરણ પ્રમાણે બતાવી છે.

અલંકારક્ષેત્રે પૂર્વેથી ચાલી આવતી વૈદર્ભી અને ગૌડી રીતિઓમાં ત્રીજી ‘પાંચાલી’ રીતિનું વિશિષ્ટ પ્રદાન કરનાર, ગુણ તથા અલંકારમાં બંનેનો ભેદ બતાવી, પ્રાચીન પરંપરાથી ચાલ્યા આવતા દસ ગુણોમાં, શબ્દના દસ અને અર્થના દસ એ રીતે ગુણોની વિચારણા કરનાર વામનનું અલંકારશાસ્ત્રમાં એક વિશિષ્ટ સ્થાન છે. વામનના આ ગ્રંથ ઉપર ‘કામધેનુ’ અને ‘સાહિત્ય-સર્વજ્ઞ’ જેવી પ્રાચીન સંસ્કૃત ટીકાઓ લખાઈ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા