કાવ્યાનુશાસન (બારમી સદી) : કાવ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ. કર્તા કલિકાલસર્વજ્ઞ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર (1088-1172). તેમના આવા જ બીજા જાણીતા શાસ્ત્રીય ગ્રંથો તે ‘શબ્દાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’. ‘કાવ્યાનુશાસન’ની રચના ‘શબ્દાનુશાસન’ પછી અને ‘છન્દોનુશાસન’ પહેલાં, પ્રાય: રાજા કુમારપાલના રાજ્યકાલમાં થઈ હતી.

‘કાવ્યાનુશાસન’માં કુલ આઠ અધ્યાય છે અને કુલ 208 સૂત્રો છે. તેમાં પ્રથમમાં કાવ્યનાં પ્રયોજનહેતુ, પ્રતિભા, અભ્યાસ આદિનું તથા કાવ્યનું લક્ષણ, શબ્દ અને અર્થ, મુખ્યાર્થ-લક્ષ્યાર્થ વગેરેની ચર્ચા છે. દ્વિતીય અધ્યાયમાં રસ, તેમના સ્થાયિભાવ, સાત્વિક ભાવ આદિનું નિરૂપણ: તૃતીય અધ્યાયમાં શબ્દ-દોષ, વાક્ય-દોષ આદિ દોષોનું; ચતુર્થમાં માધુર્ય, ઓજસ્ વગેરે ગુણો તથા તેમના સહાયક વર્ણો(અક્ષરો)નું નિરૂપણ; પંચમ અધ્યાયમાં અનુપ્રાસ, યમક આદિ છ પ્રકારના શબ્દાલંકારોનું; છઠ્ઠા અધ્યાયમાં 29 અલંકારોનું નિરૂપણ; સપ્તમમાં નાયક, નાયિકા આદિના ગુણ તથા પ્રકારોનું અને અંતિમ અષ્ટમ અધ્યાયમાં કાવ્યના પ્રેક્ષ્ય તથા શ્રાવ્ય ભેદ-ઉપભેદ આદિનું નિરૂપણ થયેલું છે.

કેટલાક વિદ્વાનો ‘કાવ્યાનુશાસન’ને મૌલિક ગ્રંથને બદલે એક સંગ્રહગ્રંથ તરીકે વિશેષ મહત્વ આપે છે.

‘કાવ્યાનુશાસન’ ઉપર હેમચંદ્રે પોતે જ ‘અલંકારચૂડામણિ’ નામની વૃત્તિ અને ‘વિવેક’ નામની ટીકા લખી છે; અને તેમાં પોતાની પૂર્વે થઈ ગયેલા ‘કાવ્યમીમાંસા’, ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’, ‘અભિનવભારતી’ જેવા ગ્રંથોમાંથી લગભગ 1,500 જેટલાં ઉદાહરણો લીધાં છે. જોકે આ ઉદાહરણો માટેના મૂળ ગ્રંથોનો તેમણે નામનિર્દેશ કર્યો નથી. આ ઉદાહરણો અને વિવિધ અવતરણોથી ‘કાવ્યાનુશાસન’ ગ્રંથનું નિરૂપણ સ્પષ્ટ બને છે. હેમચંદ્રની એક બીજી વિશેષતા એ છે કે પૂર્વેથી ચાલી આવતી અર્થાલંકારોની વિપુલ સંખ્યામાં ઘટાડો કરી, 29 જેટલા જ અર્થાલંકારોને માન્ય રાખી, અન્યાન્ય અલંકારોને તેમાં સમાવી દીધા છે.

ભગવતીપ્રસાદ પંડ્યા

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી