કાવ્યાદર્શ (ઈ. 600 લગભગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો કવિ દંડીરચિત સુપ્રસિદ્ધ ગ્રંથ. દંડીના જીવન વિશેની કેટલીક માહિતી તેમની અન્ય કૃતિ ‘અવન્તિસુંદરીકથા’માં મળી આવે છે, તે પ્રમાણે દંડી દક્ષિણ ભારતના હતા. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી, ‘કાવ્યાલંકાર’ના રચયિતા ભામહ અને ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીના સ્થિતિકાલના પૌર્વાપર્ય વિશે વિદ્વાનોમાં ભારે મતભેદ છે.

‘કાવ્યાદર્શ’માં કુલ 600 શ્લોક (કારિકા) છે, તેમાં ત્રણ પરિચ્છેદ (પ્રકરણ) છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું લક્ષણ, કાવ્યના ભેદો, ભાષાને આધારે કાવ્યના પ્રકારો, કાવ્યની વૈદર્ભી-ગૌડી રીતિ, કાવ્યના દસ ગુણો તથા તેમનાં લક્ષણો ઉદાહરણ સહિત આપેલાં છે. દ્વિતીય પરિચ્છેદમાં અલંકારનું સામાન્ય લક્ષણ અને 35 જેટલા અર્થાલંકારો તથા તેમનાં ઉદાહરણો અને છેલ્લા ત્રીજા પરિચ્છેદમાં શબ્દાલંકારોનું વિસ્તૃત નિરૂપણ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા