કાળીજીરી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centratherum anthelminticum Kuntze syn. Vernonia anthelmintica Willd. (સં. અરણ્યજીરક, તિક્તજીરક; હિં. કાલાજીરા, બનજીરા; મ. કડુકારેળે (જીરે); ક. કાડજીરગે; તા. કટચિરાંગં, તે. અડવીજીલાકરી; મલા. કાલાજીરાક; અં. પરમલ ફ્લાબેન) છે. તેના સહસભ્યોમાં અજગંધા, ગંગોત્રી, ગોરખમુંડી, કલહાર, રાસના, ફૂલવો, સોનાસળિયા વગેરેનો સમાવેશ થાય છે. તે વલસાડ, ડાંગ, વ્યારા, રાજપીપળા, છોટાઉદેપુર અને ખંભાતમાં વવાય છે.

કાળીજીરી એકવર્ષાયુ, રોમિલ 60 સેમી.થી 90 સેમી.થી ઊંચો અને મજબૂત છોડ છે અને સમગ્ર ભારતમાં તેનું વિતરણ થયેલું છે. તેનાં પર્ણો સાદાં અને એકાંતરિક હોય છે. પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) પ્રકારનો હોય છે. આ સ્તબક છોડના અગ્રભાગે તોરા(corymb)-સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. સ્તબકમાં કિરણપુષ્પકો (rayflorets) હોતાં નથી. બિંબપુષ્પકો (disc florets) ભૂરાં, જાંબલી કે ગુલાબી રંગનાં હોય છે. ફળ રોમવલય (cypsela) પ્રકારનું 0.5 સેમી. લાંબું, 10 ખાંચોવાળું, એકબીજમય અને રોમગુચ્છ (pappus) ધરાવે છે.

ફળ કૃમિહર (anthelmintic) ગુણધર્મ માટે જાણીતું છે અને સૂત્રકૃમિઓ સામે અસરકારક હોય છે. ફળના કૃમિહર ઘટકનું અલગીકરણ (1 % ઉત્પાદન) કરવામાં આવ્યું છે. આ ઘટક પીળા રંગનો, આકારરહિત, કડવો રેઝિન ઍસિડ છે. 0.2 ગ્રા.થી 0.65 ગ્રા.ની માત્રામાં કરમિયા (Ascaris) સાથે મંદકૃમિહર પ્રક્રિયા અને oxyuris સાથે નિર્ધારિત કૃમિહર પ્રક્રિયા દર્શાવે છે; જ્યારે કેલોમલ સાથે સંયોજિત સ્વરૂપમાં આપતાં અને ત્યારપછી મૅગ્નેશિયમ સલ્ફેટ આપતાં કૃમિહર પ્રક્રિયા નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તેજાય છે. સ્થાનિક ઔષધીય સાહિત્યમાં ફળના મૂત્રલ (diuretic), પ્રતિરોધી (antiseptic) અને ઉત્તેજક (stimulant) ગુણધર્મોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેનું કારણ અલ્પ જથ્થા(0.02 %)માં રહેલું બાષ્પશીલ તેલ અને રાળ હોવાનું માનવામાં આવે છે.

કાળીજીરી

તેનું ફળ એક કડવાશરહિત સ્થાયી તેલ ધરાવે છે.

આયુર્વેદ અનુસાર, કાળીજીરી ઉષ્ણ, તૂરી, તીખી અને સ્તંભક હોય છે. તે કૃમિ, વાયુ, કફ અને વ્રણનો નાશ કરે છે. તેની માત્રા 6 ગ્રા.થી 12 ગ્રા. સુધીની છે. બાળક માટે કૃમિરોગ પરની માત્રા 0.6 ગ્રા.થી 1.2 ગ્રા.ની છે. તે સેન્ટોનાઇન જેવા ગુણ ધરાવતી હોવાથી આંતરડાના કૃમિને બહાર ધકેલે છે. તે યકૃતની મંદતા, દૂધનું અપચન, અર્જીણ અને શરદી જેવા રોગોમાં અકસીર છે. તેનો કડવો રસ પાચક પિત્ત વધારીને શરીરમાં ભરાઈ રહેલા મેદના કોષોનો નાશ કરે છે.

કાળીજીરીનો ઉપયોગ મધમાખીના વિષયી અંગ ઉપર ગાંઠ થઈ હોય તો; નળ ફૂલ્યા હોય તો; કમળી; બાળકોની રાસણી; વાયુપીડા કે પેટપીડ અને ખરજવા ઉપર; વાછરડાને થતા ધાવણરોગ ઉપર; બાળકોને ચૂંક આવે તે ઉપર અને બધા પ્રકારના જ્વર ઉપર કરવામાં આવે છે.

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ