કાળિયો (ચરેરી ચરમી જીરાનો ચરમી)

January, 2006

કાળિયો (ચરેરી, ચરમી, જીરાનો ચરમી) : Alternaria burnsii (Uppal, Patel and Kamat) નામની ફૂગથી થતો રોગ. આ રોગ પાન અને થડ પર તેમજ વ્યાપક પ્રમાણમાં ફૂલ તથા દાણા ઉપર પ્રસરે છે. શરૂઆતમાં આ રોગ સફેદ ડાઘરૂપે દેખાય છે, જે સમય જતાં ભૂખરા રંગનો થઈ જાય છે. આખો છોડ છીંકણી રંગનો થઈ ચીમળાઈ જાય છે અને દાણા હલકા અને ચીમળાયેલા રહે છે. ઠંડું, ભેજવાળું વાતાવરણ, કમોસમી વરસાદ, ધુમ્મસ અને એકનો એક પાક ફરી ફરીને વાવવાથી રોગની વૃદ્ધિ થાય છે.

પાકની ફેરબદલી, બીજને 0.3 %ના દરે થાયરમ/કેપ્ટાનનો પટ આપીને વાવણી કરવાથી, કંઈક અંશે રોગપ્રતિકારક જાત એમ.સી.-43 જેવી જાતના બીજના ઉપયોગથી તથા રોગ લાગતાં 0.2 %ના દરે ઝાયમેબ/મેન્કોજેબનો દસ-બાર દિવસ છંટકાવ કરવાથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે.

ભીષ્મદેવ કીશાભાઇ પટેલ