કાળીપાટ : દ્વિદળી વર્ગમાં આવેલા મેનિસ્પર્મેસી કુળની એક કાષ્ઠમય વેલ. તેનું વૈજ્ઞાનિક નામ Cyclea arnottii Miers. syn. C. peltata Hook f. (સં. પાઠા; ગુ. કાળીપાટ; અં. કાલે પાટ) છે. તેના સહસભ્યોમાં ગળો, વેવડી, કાકસારી, વેણીવેલ વગેરેનો સમાવેશ થાય છે. Cyclea પ્રજાતિની 28 જેટલી જાતિઓ એશિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે, તે પૈકી ભારતમાં તેની 7 જેટલી જાતિઓ જોવા મળે છે. જયકૃષ્ણભાઈ ઇન્દ્રજીએ કાળીપાટ બરડાના ડુંગર ઉપરથી મેળવી હતી.

કાળીપાટ ક્ષુપ-સ્વરૂપ ધરાવતી આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, નીચેની સપાટીએથી રોમિલ અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પર્ણો બહુશિરી જાલાકાર અપસારી (divergent) શિરાવિન્યાસ ધરાવે છે. પુષ્પો એકલિંગી હોય છે. નરપુષ્પવિન્યાસ પર્ણની કક્ષમાં ઉત્પન્ન થાય છે, જ્યારે માદા પુષ્પવિન્યાસ પ્રકાંડ પર બધે ઉત્પન્ન થાય છે.

તેની ગાંઠામૂળી સાઇક્લેઇન નામનું એક કડવું અસ્ફટિકી (amorphous) આલ્કેલૉઇડ ધરાવે છે. પર્ણોમાં પણ તે અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવે છે. ગાંઠામૂળીનો જ્વરરોધી (antifebrile) ઔષધ તરીકે અને પર્ણોનો પીણું બનાવવામાં ઉપયોગ થાય છે.

આયુર્વેદનું તે પ્રાચીન ઔષધ છે અને પાચન તેમજ મંદાગ્નિ પર અકસીર છે. તે ઝાડા, હરસ, પ્લીહોદર અને બરોળના રોગો તેમજ અપાન વાયુનો દોષ દૂર કરે છે. તેના ઉકાળાનો ઉપયોગ મલેરિયામાં અને ધ્રુજારી સાથે આવતા તાવમાં કરવામાં આવે છે. તેનો ઉકાળો કટુ, પૌષ્ટિક, પિત્તશામક અને શોધક છે.

પ્રાગજી મો. રાઠોડ