કારાગંડા (કારાગંડી – Qaraghandy)

January, 2025

કારાગંડા (કારાગંડી – Qaraghandy) : પહેલાંના સોવિયેટ સંઘ તથા હાલના કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના એક એકમ કઝાખસ્તાન રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું શહેર. કારગન નામના છોડ આ વિસ્તારમાં પુષ્કળ ઊગતા હોવાથી જિલ્લા અને શહેરને આ નામ મળ્યું છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,28,000 ચોકિમી. છે. આ જિલ્લો ટૂંકા ઘાસના સ્ટેપીઝ તરીકે ઓળખાતા પ્રદેશનો ભાગ છે.

સમગ્ર જિલ્લો સમુદ્રથી દૂર હોવાથી ખંડસ્થ વિષમ આબોહવા ધરાવે છે. જુલાઈનું સરેરાશ તાપમાન 240 સે. છે. જાન્યુઆરીમાં તાપમાન – 40 સે. જેટલું નીચું રહે છે. વરસાદ 600 મિમી..

અર્ધવેરાન પ્રદેશ હોવા છતાં સિંચાઈને કારણે ઘઉં, શણ, જવ, સૂર્યમુખી ફૂલો વગેરે થાય છે. ઘાસનાં મેદાનોમાં ઢોર અને ઘોડા ઉછેરાય છે.

જિલ્લામાં તાંબું, કોલસા, લોખંડ, બૉક્સાઇટ, ટંગસ્ટન મૅંગેનીઝ વગેરે ખનિજો નીકળે છે. લોખંડ અને પોલાદનાં તથા યંત્રો અને ઇજનેરી સામાનનાં અને તાંબું ગાળવાનાં કારખાનાં ઉપરાંત વહાણોના સમારકામ માટેનો જહાજવાડો છે. લોકો ખેતી અને પશુપાલન ઉપરાંત ઉદ્યોગોમાં રોકાયેલા છે. અહીં ખાદ્યપ્રક્રમણ પણ થાય છે.

જિલ્લામાં રશિયનો અને કઝાખોની મોટી સંખ્યા છે. યુક્રેનિયન, બાયલોરશિયન અને તાર્તારોની થોડી સંખ્યા છે.

કારાગંડા શહેર : તે ટ્રાન્સ-સાઇબીરિયન રેલવે ઉપર ઓમ્સ્કથી 570 કિમી. દક્ષિણે 490 50’ ઉ. અ. અને 730 10’ પૂ. રે. ઉપર આવેલું છે. અહીં 1857માં તાંબાને ગાળવા માટે કોલસા ખોદવાની નાના પાયે શરૂઆત થઈ હતી. 1931માં રેલવેજોડાણ મળતાં બે દાયકામાં ખૂબ વિકાસ થયો અને 1934માં તેને શહેર તરીકેનો દરજ્જો મળ્યો. 1936માં તે જિલ્લાનું વહીવટી મથક બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોનેટ્ઝનું કોલસાક્ષેત્ર જર્મનોને હસ્તક જતાં કારાગંડાના કોલસાના ક્ષેત્રે યુરલ પર્વત વિસ્તારનાં કારખાનાંની ખોટ પૂરી કરી. કારાગંડામાં કોલસા ખોદવા માટેનાં યંત્રો, સિમેન્ટ, લોખંડ અને પોલાદ, ખાદ્યવસ્તુઓ અને વપરાશી વસ્તુઓ બનાવવાના એમ અનેક ઉદ્યોગો વિકસ્યા છે.

કારાગંડા શહેરનો વિસ્તાર 800 ચોકિમી. છે. અહીં 20 ટકા વસ્તી ખાણિયાઓની છે. તેની દક્ષિણે આવેલો નવો વિસ્તાર જિલ્લાનું વહીવટી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. રસ્તા પહોળા છે અને બધી આધુનિક સગવડો ધરાવે છે. આ શહેર ઇર્નિશ નદી સાથે નહેર દ્વારા સંકળાયેલું છે. ‘માઇનર્સ પૅલેસ ઑવ્ કલ્ચર’ જેવાં ઘણાં ભવ્ય મકાનો છે. 1972માં યુનિવર્સિટી સ્થપાઈ છે. ઉચ્ચ શિક્ષણની પાંચેક સંસ્થાઓ ઉપરાંત મેડિકલ કૉલેજ અને પૉલિટેકનિક, સંશોધન અને ડિઝાઇનસંસ્થા, સંગ્રહસ્થાન, બે થિયેટર, બૉટેનિકલ બાગ અને ટેલિવિઝન કેન્દ્ર છે. વસ્તી : 4,46,139 (2006).

વિમલા રંગાસ્વામી

શિવપ્રસાદ રાજગોર