કારાકોરમ : જગતના છાપરા તરીકે ઓળખાતી મધ્ય એશિયાની પામીર ગિરિમાળાની ગાંઠમાંથી દક્ષિણ તરફ વિસ્તરતી તથા ઊંચાઈમાં હિમાલયથી બીજે ક્રમે આવતી ઉત્તુંગ ગિરિમાળા. પ્રાચીન નામ કૃષ્ણગિરિ. ભૌગોલિક સ્થાન : 340થી 370 ઉ. અ. અને 740થી 780 પૂ. રે. વચ્ચે પથરાયેલી આ ગિરિમાળાની ઉત્તર અને પૂર્વ તરફ

કારાકોરમનો પર્વતીય વિસ્તાર

હિમાલય, ઈશાનમાં કૂનલૂન પર્વતો તથા સિક્યાંગ, ઉત્તર અને પશ્ચિમ તરફ હિન્દુકુશ પર્વતમાળા તથા અગ્નિકોણમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય તેમજ તિબેટ આવેલાં છે. અહીં ચાર દેશોની સીમા આવેલી હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ વધુ છે.

કારાકોરમ હારમાળા હિમાલયની જેમ પ્રથમ જીવયુગ (પેલિયોઝોઇક) અને મધ્યજીવયુગ(મેસોઝોઇક)ના વિવિધ સ્ફટિકમય ગ્રૅનાઇટ, નાઇસ, શિસ્ટ, સ્લેટ તથા જળકૃત ખડકોથી બનેલી છે. પર્મોકાર્બોનિફેરસ કાળના ચૂનાખડકો અને જુરાસિક યુગના જીવાવશેષયુક્ત જળખડકો પણ આ ગિરિમાળામાં જોવા મળે છે.

અફઘાનિસ્તાન-ઉત્તર કાશ્મીર સીમાથી શરૂ થતી, વાયવ્ય-અગ્નિકોણ ઉપસ્થિતિ (trend) ધરાવતી આ હારમાળાને પાંચ વિભાગોમાં વહેંચી શકાય : (1) ધુજેરાલ હારમાળા કાશ્મીરની ઈશાનમાં કૂનલૂન પર્વતો તરફ આવેલી છે. 6,127 મીટરની ઊંચાઈવાળું ‘કુન્જેરાલ’ તેનું સર્વોચ્ચ શિખર છે. (2) કાશ્મીરમાં નૈર્ઋત્ય તરફ આવેલી રાકાપોસી હારમાળામાં ‘રાકાપોસી’ શિખર 7,788 મીટર ઊંચું છે. (3) હારમોસ હારમાળા રાકાપોસીની પૂર્વ તેમજ દક્ષિણ તરફ વિસ્તરેલી છે. (4) માશેરબ્રમ હારમાળા હારમોસથી પૂર્વ તરફ આવેલી છે, ‘માશેરબ્રમ’ શિખર 7,821 મીટરની ઊંચાઈ ધરાવે છે. (5) સાલટોરો હારમાળા માશેરબ્રમની પૂર્વમાં આવેલી છે.

કારાકોરમ હારમાળાની સરેરાશ ઊંચાઈ 6,100 મીટરની છે. આ ગિરિમાળામાં 7,000થી વધુ ઊંચાં કુલ 33 શિખરો પૈકી 19 શિખરો 7,500 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, જ્યારે 19 પૈકીનાં 4 શિખરો 7,800 મીટર જેટલી ઊંચાઈવાળાં છે. માઉન્ટ એવરેસ્ટ પછીનું દુનિયાનું બીજા ક્રમે આવતું 8,611 મીટરની ઊંચાઈવાળું માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન (K2) આ ગિરિમાળામાં આવેલું છે. બાકીનાં ત્રણ નંગા પર્વત (7,998 મીટર), ગેશરબ્રમ (7,941 મીટર) અને બ્રૉડ શિખર (7,920 મીટર) છે. આ ઉપરાંત અન્ય મહત્વનાં શિખરોમાં બાટુરા, કાનજુટસાર, ત્રિવર, કુમૈયા કૈલાસ અને સાસેર કાંગરીનો સમાવેશ થાય છે.

કારાકોરમ હારમાળાની કુલ લંબાઈ 688 કિમી. જેટલી છે. તે પૈકીની મુખ્ય હારમાળા મહા કારાકોરમ અથવા મુઝતાગ કારાકોરમ (બૃહદ કારાકોરમ – Greater Karakoram) 448 કિમી. લંબાઈવાળી છે; બાકીનો ભાગ લઘુ કારાકોરમ કહેવાય છે. મુખ્ય હારમાળા અરબી સમુદ્રને મળતી સિંધુ નદી તેમજ ઉત્તરમાં મધ્ય એશિયાના રણવિસ્તારમાં સમાઈ જતી યારકંદ નદીની જળવિભાજક બની રહેલી છે. આશરે 600 મીટરની ઊંચાઈ સુધીમાં હુન્ઝા નદી દ્વારા પશ્ચિમ સીમા તરફ કેટલીક જગાએ ઊંડાં કોતરો નિર્માણ પામ્યાં છે. વખાત, સ્વાત, શિગાર, નુબ્રા, શ્યોક, મસ્તુઝ, યારકંદ, કારંબા અને ધિજાર નદીઓનાં મૂળ આ ગિરિમાળામાં આવેલાં છે. સિંધુ નદી પણ આ હારમાળામાંથી પસાર થાય છે.

ચીનની સીમાથી અગ્નિ દિશામાં આગળ વધીને કારાકાશ નદીના મૂળ સુધી વિસ્તરેલી અઘિલ (Aghil) કારાકોરમ હારમાળા 6,100 મીટર ઊંચા ઉચ્ચપ્રદેશ સાથે સંકળાઈ જાય છે, જ્યારે વાયવ્ય તરફ તે મુઝતાગ હારમાળાને મળે છે. આ હારમાળાની બાજુમાં કૈલાસ હારમાળા તરીકે ઓળખાતી બીજી એક નાની સમાંતર હારમાળા આવેલી છે. તેની ઊંચાઈ આશરે 5,400થી 6,000 મીટર જેટલી છે. અગ્નિ દિશાએ ચાંગ ચેન્મો અને પોંગોંગ હારમાળાઓ છે. લદ્દાખ હારમાળા સ્યોક નદીના મૂળથી તિબેટ સુધી વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે 370 કિમી. જેટલી છે. આ હારમાળા સિંધુના જમણા કાંઠાને સમાંતર ચાલી જાય છે, તેની ઊંચાઈ 6,000 મીટરની છે. પંજાબ હિમાલયના પશ્ચિમ ભાગમાં દેવસાઈ હારમાળા આવેલી છે.

કારાકોરમ, ચીલાંજિલ, મિનટાકા, મુસ્તાઘ, ખારડુંગ, બાબુસા જેવા ઘાટ અહીં આવેલા છે.

કારાકોરમ હારમાળામાં મુખ્ય ખીણ-વિસ્તાર સિવાય હુન્ઝા ખીણ તથા શીમશાલ અને ચાપુરસ્તાનની ખીણો, પશ્ચિમે શિગાર અને નુબ્રા ખીણો, મધ્યમાં તેમજ પૂર્વ તરફ નાની ખીણો જ્યારે દક્ષિણે સિંધુ અને સ્યોકની ખીણો આવેલી છે.

કારાકોરમ હારમાળા ધ્રુવીય પ્રદેશ ન હોવા છતાં વધુ ઊંચાઈને કારણે હિમાચ્છાદિત રહે છે. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર તેમજ સૌથી લાંબી હિમનદીઓ આ હારમાળામાં આવેલી છે. તેમાં સિયાચીન (80 કિમી.), ફેડચેન્કો (66 કિમી.), બિયાફો, બાલટોરો, બટુરા, હિસ્પાર અને રિમો હિમનદીઓ મુખ્ય છે. રિમો હિમનદી તેના હેઠવાસમાં શ્યોક નદીમાં ફેરવાય છે. ઉનાળામાં અહીંની હિમનદીઓ ઓગળતાં નદીઓમાં પાણીપુરવઠો પૂરો પાડે છે અને ક્યારેક પૂરની સ્થિતિ પણ સર્જે છે.

કારાકોરમનો દક્ષિણ ઢોળાવ નૈર્ઋત્યના મોસમી પવનોની અસર હેઠળ આવતાં આબોહવા ભેજવાળી બને છે. ખેતીલાયક વરસાદ પડે છે; જ્યારે ઉત્તર તરફનો ઢોળાવ વર્ષાછાયામાં આવતો હોઈ ત્યાં લગભગ બારે માસ સૂકું હવામાન રહે છે, તેમ છતાં આશરે 250 મિમી. કે તેથી ઓછો વરસાદ પડે છે.

અહીં વસ્તી પાંખી છે. ખીણ-વિસ્તારમાં જવ, ઓટ, બાજરી જેવા પાક લેવાય છે. ઢોળાવો પર ઘાસ ઊગી નીકળતું હોવાથી ઘેટાંબકરાં ઉછેરાય છે. અહીં દીપડા, યાક, તિબેટી હરણ જેવાં જંગલી પ્રાણીઓ વસે છે. 427 મીટરની ઊંચાઈના ભાગ સુધી લોકો વસે છે અને સંઘર્ષમય જીવન વિતાવે છે. આ પ્રદેશ વસવાટ માટે પ્રતિકૂળ છે.

કારાકોરમ હારમાળાને ઓળંગવા માટેના બે માર્ગો છે : એક માર્ગ મધ્ય એશિયાથી પશ્ચિમે હુન્ઝા કોતર અથવા મિનટાકા (4635 મીટર) અથવા કિલિક (4,680 મીટર) ઘાટથી પામીર અને રશિયા સુધીનો; જ્યારે બીજો માર્ગ પૂર્વ તરફ કાશ્મીર અને લદ્દાખ-નુબ્રા ખીણથી પાનામીલ (5,245 મીટર) અને ત્યારબાદ કારાકોરમ ઘાટ(5,580 મીટર)થી યારકાંડ અને કાશગર સુધીનો છે. આ બંને માર્ગોનો સાનુકૂળ ઋતુમાં ઉપયોગ કરી શકાય છે, તેમ છતાં ભયાનક રીતે ફૂંકાતા પવનોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે તો આ હારમાળાને ઓળંગવાનું કપરું છે. માત્ર વિષમ રાજકીય પરિસ્થિતિ હેઠળ જ તે ઓળંગવાના પ્રયાસો થાય છે. શિયાળાની ઋતુમાં પ્રવાસ કરવો શક્ય બને છે. ઉનાળામાં નદી ઓળંગવા કે કોતરો પાર કરવા દોરડાં અને રજ્જૂ-પુલનો ઉપયોગ કરવાનો રહે છે. અહીંનો પ્રદેશ કારાકોરમના ઘાટ દ્વારા કાશ્મીર, પાકિસ્તાન અને ચીન સાથે સંકળાયેલો છે.

સંરક્ષણની ર્દષ્ટિએ ભારત-ચીન સરહદ માટે આ હારમાળા વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ હારમાળાના વિસ્તારમાં મહત્વનાં શહેરોમાં હુંઝા, નગર, પુનિયાલ, ચિત્રાલ, ગિલગિટ, બુંઝિ જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

ઓગણીસમી સદીના મધ્યભાગમાં યુરોપીય મુસાફરો ઍલેકઝાન્ડર ગાર્ડનર, વિલિયમ મૂરક્રૉફ્ટ, વિગ્ને, રિચાર્ડ અને હેન્રી સ્ટ્રા(ચ), થૉમસ થૉમસન અને ઍલેકઝાન્ડર ગુંનિગહામે કારાકોરમની મુલાકાત લીધેલી. ભારતના સર્વેયર કૅપ્ટન ટી. જી. મૉન્ટગોમરી (1856), કર્નલ હેન્રી હાર્વેશામ, ગૉડવિન ઑસ્ટિને ગૉડવિન ઑસ્ટિન પ્રદેશનું 1861માં હિમનદીઓના અભ્યાસ અર્થે સર્વેક્ષણ કરેલું.

1887માં કર્નલ ફ્રાન્સિસ યંગહસબન્ડે બેજિંગ(ચીન)થી ભારતની મુસાફરી કરેલી. તેમણે કારાકોરમ હારમાળામાં આવેલો તત્કાલીન અજાણ્યો ગણાતો મુઝતાઘ ઘાટ પસાર કર્યો હતો. અલ્ગેરનોન ડુરાન્ડે પણ આવો પ્રવાસ ખેડેલો. 1891માં જ્યૉર્જ કુકેરીલે K2 શિખરની પશ્ર્ચિમે હુન્ઝા ખીણ આવેલી હોવાની જાણ કરી હતી. ડગ્લાસ ફ્રેશફીલ્ડે કાંચનજંગા ઉપર આરોહણ કરવાનું સાહસ ખેડેલું. 1899થી 1912ના ગાળામાં અમેરિકન પર્વતારોહકો કારાકોરમ અને તેની સાથે સંકળાયેલી હારમાળાઓ ખૂંદી વળેલા, તેમાં ડૉ. વિલિયમ હન્ટર અને તેમનાં પત્ની મુખ્ય હતાં. 1909માં ડૉ. ટી. જી. લાગસ્ટાફે સાલટોરો ઘાટની સિયાચીન હિમનદી વિસ્તારનો પ્રવાસ ખેડેલો. આ ઉપરાંત ઇટાલિયન પર્વતખેડુઓએ પણ આ વિસ્તારનું સર્વેક્ષણ કરેલું.

જ્યોતેન પ્ર. વ્યાસ

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી