કારાચી પરિવાર

January, 2006

કારાચી પરિવાર (કારાચી, ઍગોસ્તિનો : જ. 16 ઑગસ્ટ 1557, બોલોન્યા, ઇટાલી; અ. 23 ફેબ્રુઆરી 1602, પાર્મા, ઇટાલી. કારાચી, એનિબાલે : જ. 3 નવેમ્બર 1560, બોલોન્યા, ઇટાલી; અ. 15 જુલાઈ 1609, રોમ, ઇટાલી. કારાચી, લોડોવિકો : જ. 21 એપ્રિલ 1555, બોલોન્યા, ઇટાલી; અ. 3 નવેમ્બર 1619, બોલોન્યા, ઇટાલી. કારાચી, ઍન્તૉનિયો : જ. આશરે 1583, બોલોન્યા, ઇટાલી; અ. આશરે 1618, બોલોન્યા, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર પરિવાર. આ પરિવારનો સૌથી મોટો સભ્ય લોડોવિકો ચિત્રકાર પ્રૉસ્પેરો ફોન્તાના હેઠળ ચિત્રકલા શીખ્યો. પછી તેણે ફ્લોરેન્સ, પાર્મા અને વેનિસનો પ્રવાસ કર્યો અને રેનેસાંસ-ચિત્રકારો કોરેજિયો (Correggio) તથા તિન્તોરેત્તો(Tintoretto)ના પ્રભાવ નીચે આવ્યો. તેને કલાશાળા શરૂ કરવાની મહત્વાકાંક્ષા જાગી, તેથી તેણે પોતાના પિતરાઈ સોની ઍગોસ્તિનો તથા દરજી એનિબાલેને તેમના ધંધા છોડાવી ચિત્રકલાની તાલીમ આપી. આ બંનેને તે ઉત્તર ઇટાલી ઉપરાંત પાર્મા અને વેનિસની યાત્રાએ લઈ ગયો. પછી ત્રણેય જણાએ પ્રસિદ્ધ માનવશરીર-રચનાશાસ્ત્રી (Anatomist) ઍન્થૉની દ લા તૂરના સહયોગમાં બોલોન્યા નગરમાં ‘ઇન્ચામિનાતી’ (Incamminati) નામે કલાશાળા 1582માં શરૂ કરી. તુરત જ આ કલાશાળાની પ્રતિષ્ઠા ચોમેર પ્રસરી. એ સમયની તે સમગ્ર ઇટાલીની શ્રેષ્ઠ કલાશાળા ગણાઈ.

એનિબાલે કારાચીનું એક તૈલચિત્ર : ‘ફ્લાઇટ ઇન્ટુ ઇજિપ્ત’

1600માં રોમથી કાર્ડિનલ ફાર્નિસે પોતાના મહેલમાં ભીંતચિત્રો ચીતરવા માટે આપેલા આમંત્રણને માન આપીને ઍગોસ્તિનો અને એનિબાલે રોમ ગયા. ત્યાં ચિત્રકામ પૂરું કરીને ઍગોસ્તિનો પાર્મામાં ચિત્ર ચીતરવા ગયો; જ્યાં તેણે ચિત્ર ‘સેલેસ્ટિયલ, ટેરેસ્ટ્રિયલ ઍન્ડ વેનલ (venal) લવ’ ચીતર્યું અને એ ચિત્ર પૂરું કર્યું ને તુરત જ મૃત્યુ પામ્યો. એનિબાલે રોમ ખાતેની ફાર્નિસ ગૅલરીમાં બીજાં ચિત્રો ચીતરતો રહ્યો અને પછી નેપલ્સ જતો રહ્યો. લોડોવિકોનાં ચિત્રોમાં ઍગોસ્તિનો અને એનિબાલે જેવી મૌલિકતા જોવા મળતી નથી તેવું કલાઇતિહાસકારોનું માનવું છે. તેનાં જૂજ – બેત્રણ ચિત્રો જ બચ્યાં છે. પૅરિસના નોત્રદામ કેથીડ્રલની વેદી પર તેણે ચીતરેલું ચિત્ર હતું, જે હાલ ઉપલબ્ધ નથી.

ઍગોસ્તિનોની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ‘ધ લાસ્ટ કૉમ્યુનિયન ઑવ્ સેંટ જેરોમ’ ગણાય છે. રેનેસાંસ-કલાની ફલશ્રુતિ રૂપે બરોક કલાને જન્મ આપવામાં માઇકેલૅન્જેલોની સાથે તેનો ફાળો પણ અગત્યનો ગણાય છે.

એનિબાલેનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘હર્ક્યુલસ ઍટ ધ ક્રૉસરોડ્ઝ’ની ગણના સૌથી પ્રથમ થાય છે.

બોલોન્યાના ફાળા અને માન્ચિની મહેલો લોડોવિકો, ઍગોસ્તિનો અને એનિબાલેએ ભેગાં મળીને ચીતરેલા. રોમની ફાર્નિસ ગૅલરીની તેમણે ચીતરેલી છત માઇકેલૅન્જેલોએ ચીતરેલી સિસ્ટાઇન ચૅપલની છત તથા રફાયેલે ચીતરેલી સ્ટાન્ઝે મહેલની છત સાથે તુલના પામે છે. તેમણે સ્થાપેલી કલાશાળામાંથી ડૉમિનિકિનો (Domenichino), રેની (Reni) અને જ્વેર્ચિનો (Guercino) જેવા મહાન બરોક-ચિત્રકારો પાક્યા.

કારાચી પરિવારનો પ્રભાવ સત્તરમી સદીની ફ્લૅમિશ કલા ઉપર પડ્યો. પીટર પૉલ રૂબેન્સ કારાચી પરિવારની કલાથી પ્રભાવિત હતો. વળી ફ્રેન્ચ એકૅડેમી ઇન રોમ મારફતે કારાચી પરિવારનો પ્રભાવ અઢારમી સદીની ફ્રેન્ચ કલા ઉપર પણ પડ્યો.

ઍગોસ્તિનોનો અનૌરસ પુત્ર ઍન્તૉનિયો પિતાનો મદદનીશ ચિત્રકાર હતો.

અમિતાભ મડિયા