કાનપુર કાવતરા કેસ

January, 2006

કાનપુર કાવતરા કેસ (1924) : સામ્યવાદી વિચારસરણી ધરાવતા આગેવાનો સામે બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાના આરોપસર ચલાવાયેલો કેસ. રશિયામાં 1917માં સામ્યવાદી ક્રાંતિ થયા બાદ સોવિયેત સરકારની સ્થાપના થઈ. તેની પ્રેરણાથી વિશ્વના દેશોમાં સામ્યવાદનો પ્રચાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંગઠન સ્થાપવામાં આવ્યું. ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં તેની શાખાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે અનુસાર રશિયામાં રહેલા માનવેન્દ્રનાથ રૉય(એમ.એન. રૉય)ની પ્રેરણાથી ભારતમાં 1925માં સામ્યવાદી પક્ષની શાખા સ્થાપવામાં આવી. તેના અન્ય મુખ્ય આગેવાનોમાં એસ. એ. ડાંગે, શૌકત ઉસમાની, મુઝફ્ફર અહમદ તથા નલિની ગુપ્તા હતાં. આ સભ્યોએ ભારતમાં લોકપક્ષ તરીકે આદિવાસી કિસાનો અને શ્રમજીવીઓના સંગઠનનો સંપર્ક સાધ્યો તથા તે સંગઠનની નેતાગીરી લઈને બ્રિટિશ સરકાર સામે કિસાનો અને શ્રમજીવીઓને આંદોલન કરવા ઉત્તેજિત કર્યા. પરિણામે બ્રિટિશ રાજ સામે કિસાનો અને શ્રમજીવીઓનાં અહિંસક તથા હિંસક આંદોલનો થયાં (1923-24).

આ માટે સરકારે ઉપર દર્શાવેલ નેતાઓને દોષપાત્ર ઠરાવીને તેમની સામે કાનપુરની સરકારી અદાલતમાં 1924માં મુકદ્દમો ચલાવ્યો. ખેડૂતો તથા મજદૂરોને ઉશ્કેરીને, તેમજ હિંસક આંદોલનો કરાવીને બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાનો પ્રયત્ન કરવાનો તેમના પર આક્ષેપ મૂકવામાં આવ્યો. તેમને ભાંગફોડ માટે પણ ગુનેગાર ઠરાવવા માટે સરકારે અદાલત સમક્ષ રજૂઆત કરી; પરંતુ સરકાર આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ. આ બધાં કારણોથી ભારતમાં સામ્યવાદી વિચારસરણી અને પ્રચારને તેમજ શ્રમજીવીઓનાં સંગઠનોને બળ મળ્યું.

રમણલાલ ક. ધારૈયા