કાનપુર : ઉત્તરપ્રદેશમાં ગંગાકિનારે આવેલું ઉદ્યોગપ્રધાન શહેર. રાજ્યના 71 જિલ્લામાંના બે જિલ્લા : શહેરી અને ગ્રામીણ. તેનાં જિલ્લામથકો અનુક્રમે કાનપુર અને અકબરપુર છે. ભૌગોલિક સ્થાન : તે 26° 20′ ઉ. અ. અને 80° 20′ પૂ. રે.ની આજુબાજુનો 6176 ચોકિમી. (નગર વિસ્તાર : 3021 ચોકિમી. એની વસ્તી 45,72,951 અને ગ્રામીણ વિસ્તાર : 3155 ચોકિમી. એની વસ્તી 17,95,092 છે.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેરની અંદાજિત વસ્તી  31,24,000 (2020) છે  લખનૌથી આ શહેર 72 કિમી. અને દિલ્હીથી 204 કિમી. દૂર આવેલું છે. આ શહેરની પૂર્વમાં રાયબરેલી, પશ્ચિમમાં ઇટાવા, ઉત્તરે ફતેહગઢ અને દક્ષિણે હમીરપુર શહેરો આવેલાં છે.

કાનપુર જિલ્લો ખેતીવાડી, ઉદ્યોગો, વાહનવ્યવહાર, વસ્તી અને માનવપ્રવૃત્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં ગંગા-યમુનાની ફળદ્રૂપ કાંપની માટી, બારે માસ પાણીનો પુરવઠો, અને અનુકૂળ આબોહવા તેમજ રિહન્દબંધ જેવી સિંચાઈ યોજનાને કારણે ખેતીવાડી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. અહીં ઘઉં, કપાસ, શેરડી, શણ, જુવાર ઉપરાંત મુખ્યત્વે ફળફળાદિ અને શાકભાજીની ખેતી થાય છે. સમૃદ્ધ ખેતઉત્પાદનને કારણે ખાંડ, શણ, સુતરાઉ કાપડઉદ્યોગ ઉપરાંત ચર્મ-ઉદ્યોગ, પ્લાસ્ટિક-ઉદ્યોગ, રંગ-રસાયણ-ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો અહીં વિકસેલા છે. રેલ અને રસ્તાના વિકાસને કારણે અહીં વ્યાપારી પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં થાય છે. લખનૌ રાજ્યનું મુખ્ય શહેર હોવા છતાં વ્યાપારી કેન્દ્ર તરીકે કાનપુરની ગણના થાય છે. ત્યાં વસ્તીની ગીચતા સૌથી વધારે છે. કાનપુર જિલ્લાની સમૃદ્ધિમાં ગંગા-યમુના જેવી નદીઓનો ફાળો મુખ્ય છે. કાનપુરની આજુબાજુ ‘કનોજિયા’ ભાષા બોલાય છે, જે એક વિશિષ્ટ પ્રકારની હિન્દી લોકબોલી છે.

આ શહેર સમગ્ર ભારતમાં ચર્મ-ઉદ્યોગ માટે તેમજ સુતરાઉ કાપડ-ઉદ્યોગને કારણે ઉત્તરપ્રદેશના ‘માન્ચેસ્ટર’ તરીકે પણ જાણીતું છે. ગંગા નદીના રમણીય અને પવિત્ર કિનારે આવેલું આ શહેર સુંદર બાગબગીચા તેમજ અંગ્રેજ અને અવધ શાસકોની ઐતિહાસિક ઇમારતોથી શોભે છે; જોકે ઔદ્યોગિક હરણફાળે આ શહેરને હવા, પાણી તથા અવાજના પ્રદૂષણવાળું બનાવ્યું છે. ઉત્તરપ્રદેશનાં પાંચ પ્રમુખ શહેરોમાં કાનપુર શૈક્ષણિક, ઔદ્યોગિક, વ્યાપારી, સાંસ્કૃતિક અને વહીવટી ર્દષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે.

‘કાનપુર’ શબ્દ ‘કૅમ્પુ’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો હોય તેમ માનવામાં આવે છે કારણ કે અંગ્રેજો દ્વારા સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં સૌપ્રથમ 1801માં લશ્કરી છાવણી (camp) સ્થાપી હતી. અંગ્રેજો આ શહેરને ‘cawnpore’ તરીકે ઓળખતા હતા, જ્યારે અહીંના સ્થાનિક લોકો આ શહેરને ‘કહાનપુર’ કહેતા. આ શહેરનો વિકાસ લશ્કરી છાવણીમાંથી થયેલો છે. આજે પણ અહીંનો ‘કૅન્ટૉનમેન્ટ’ કે ‘કૅમ્પ’ વિસ્તાર સુવિકસિત છે. આગ્રાનો વિકાસ મુઘલોને કારણે અને લખનૌનો વિકાસ અવધ શાસકોને કારણે થયો તેમ આ શહેરના વિકાસમાં અંગ્રેજોનો સિંહફાળો છે. અંગ્રેજોએ અહીં લશ્કરી છાવણી સાથે સુતરાઉ કાપડ અને ચામડાનાં કારખાનાં તેમજ ખાંડઉદ્યોગની સ્થાપના કરેલી. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના પણ અંગ્રેજોને આભારી છે. આઝાદી બાદ 1960માં અહીં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના થયેલી. ગંગા-જમના નદીઓના દોઆબ દ્વારા રચાયેલો આ પ્રદેશ સમતલ ભૂપૃષ્ઠ ધરાવે છે. પરિણામે સમગ્ર કાનપુર જિલ્લા વિસ્તારનાં મોટાભાગના ઔદ્યોગિક એકમો અને કારખાનાં ગંગા નદીને કિનારે સ્થપાયેલાં છે. પરિણામે પવિત્ર ગંગાનું પાણી દૂષિત થાય છે.

અહીં સુતરાઉ કાપડ તેમજ ગરમ કાપડની મિલો ઉપરાંત ચામડાં કમાવવાનાં કારખાનાં, પ્લાસ્ટિક, રંગરસાયણ, બેકરી, હોઝિયરી જેવા અનેક ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે.

સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ 1864માં સ્થપાઈ હતી, જે ઈલગિન કૉટન મિલ તરીકે પ્રખ્યાત હતી. ત્યારબાદ ‘મ્યોર મિલ’ (1874), કાનપુર કૉટન મિલ (1880), અને વિક્ટોરિયા મિલ (1886) સ્થપાઈ હતી. અમેરિકન આંતરવિગ્રહ વખતે કાનપુરમાં કપાસની મોટા પ્રમાણમાં આયાત કોલકાતા બંદર મારફત થયેલી. ચામડાને કમાવવાની સૌપ્રથમ ફૅક્ટરી ‘કૂપર એલન ફૅક્ટરી’ અંગ્રેજો દ્વારા 1881માં અહીં સ્થપાયેલી. ત્યારથી આ ઉદ્યોગનો વિકાસ અહીં સૌથી વધારે થયો છે. આજે સમગ્ર ભારત જ નહિ પરંતુ સમસ્ત એશિયામાં કાનપુર ચર્મનગર (leather city) તરીકે પ્રખ્યાત છે. ફ્લેક્સ કંપની, જે. કે. ઇન્ડસ્ટ્રીઝ અને લાલિમલી મિલ જેવા ઔદ્યોગિક એકમો અહીં આવેલા છે. પરિણામે ભારતના પ્રદૂષિત શહેરોમાં પણ આ શહેરનો સમાવેશ થાય છે. મજૂર-આંદોલનોને કારણે અશાંત શહેર તરીકે પણ તે જાણીતું છે.

કાનપુર ઔદ્યોગિક વિકાસની સાથે શૈક્ષણિક સુવિધાનું પણ એક કેન્દ્ર છે. અહીં કાનપુર વિશ્વવિદ્યાલય અને બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ કૉલેજો ઉપરાંત અહીં તબીબી, કૃષિ અને આઇ.આઇ.ટી. જેવી ટૅકનિકલ સંસ્થાઓ પણ છે. પરિણામે આ શહેર વિદ્યાના કેન્દ્ર તરીકે પણ જાણીતું છે.

વ્યાપારી પ્રવૃત્તિઓ અહીં મોટા પ્રમાણમાં વિકસી છે. રેલવેનું જંક્શન હોવાથી રેલમાર્ગનો લાભ મળેલો છે. ઉપરાંત કાનપુર મેદાની પ્રદેશમાં ગ્રાન્ડ ટ્રન્ક રોડ ઉપર આવેલું હોવાથી દિલ્હી, કોલકાતા, મુંબઈ, આગ્રા જેવાં શહેરો સાથે રાષ્ટ્રીય માર્ગ દ્વારા જોડાણની સુવિધા ધરાવે છે. અહીં હવાઈમથકની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગંગાકિનારે આવેલો અહીંનો સતી ચૌરા ઘાટ પ્રસિદ્ધ છે. ધાર્મિક અને યાત્રાળુ પ્રવૃત્તિનું પણ તે કેન્દ્ર છે. અહીંથી નજીક બિઠુરમાં 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની નાનાસાહેબનું સ્મારક આવેલું છે.

મહેશ મ. ત્રિવેદી