કાનસ : ધાતુ કે લાકડાની સપાટીને લીસી કરવા અથવા કાપવા માટેનું ઓજાર. કાનસની સપાટી ઉપર નાના દાંતા અથવા ઘીસીઓ (teeth) હોય છે, તેથી કાનસને કોઈ વસ્તુ ઉપર ઘસતાં તે વસ્તુની સપાટી ઘર્ષણથી છોલાઈને નાના કણસ્વરૂપે જુદી પડે છે. સામાન્ય રીતે કાનસ હાઇકાર્બન સ્ટીલ અથવા ટંગસ્ટન સ્ટીલમાંથી ઘડીને (forged) બનાવવામાં આવે છે. કાનસ જુદા જુદા પ્રકાર, આકાર અને માપની બનાવવામાં આવે છે. તેનું વર્ગીકરણ નીચેની બાબતોને આધારે કરી શકાય :

(1) કાનસની લંબાઈ,

(2) કાનસનો આકાર અથવા આડછેદ,

(3) દાંતાનો કાપ (cut), દાંતા વચ્ચેનું અંતર અથવા કાપનો પ્રકાર.

જુદી જુદી લંબાઈની કાનસો મળે છે. જે જાતની જરૂરિયાત હોય તે પ્રમાણે અથવા કામ(job)ના માપ પ્રમાણે કાનસની લંબાઈ પસંદ કરી શકાય છે. 10 સેમી.થી 40 સેમી. લંબાઈની કાનસો મળે છે. કાનસની લંબાઈમાં પૂંછડી(tang)ની લંબાઈ ગણવામાં આવતી નથી. ફક્ત અણી(point)થી એડી (heel) સુધીનો ભાગ જ ગણવામાં આવે છે. બારીક કામ માટે 10 સેમી.થી 15 સેમી.ની, મધ્યમ પ્રકારના કામ માટે 15 સેમી.થી 25 સેમી. લંબાઈની અને મોટા કામ માટે સામાન્ય રીતે 25 સેમી.થી વધારે લંબાઈની કાનસ વપરાય છે. જુદા જુદા આકાર અથવા જુદા જુદા આડછેદની કાનસ જુદા જુદા કામ માટે વાપરવામાં આવે છે. આકાર પરથી પણ કાનસ ઓળખી શકાય છે; દા.ત., ચોરસ કાનસ, ત્રિકોણ કાનસ, ગોળ કાનસ, સપાટ કાનસ, હાથકાનસ વગેરે.

કાનસના જુદા જુદા ભાગો

ચોરસ આકારની કાનસ ચારે બાજુ એકસરખા માપની હોય છે. તેની સપાટી ઉપર ડબલ કટ દાંતા હોય છે. ત્રિકોણ કાનસની ત્રણેય સપાટી ઉપર દાંતા હોય છે. કરવતના દાંતા ઘસવા માટે ત્રિકોણ કાનસનો ઉપયોગ થાય છે. ગોળ કાનસની અમુક લંબાઈ સુધી વ્યાસ (diameter) એકસરખો હોય છે, અણી (point) તરફનો ભાગ એકસરખી રીતે ઢળતો (tapered) હોય છે. તેની આખી સપાટી ઉપર દાંતા હોય છે. ‘રફ’ કાનસ પર ડબલ કટ અને ‘સ્મૂધ’ કાનસ પર સિંગલ કટ દાંતા હોય છે. ગોળાકાર ભાગોને ઘસવા માટે તે ઉપયોગી છે. અર્ધગોળ કાનસની નીચેની સપાટ બાજુ પર ડબલ કટ અને અર્ધગોળાકાર ભાગ પર સિંગલ કટ દાંતા હોય છે. વક્રસપાટી મોટી હોય અને ગોળ કાનસ વાપરી શકાય તેમ ન હોય તેવી સપાટીઓને ઘસવા માટે અર્ધગોળ કાનસનો ઉપયોગ કરવામાં આવે છે. સપાટ કાનસ અને હાથકાનસ દેખાવમાં સરખી હોય છે, પરંતુ સપાટ કાનસની એડી અને અણીના ભાગ કરતાં વચ્ચેના ભાગની, જાડાઈ અને પહોળાઈ વધારે હોય છે. એની બંને ધારો પર સિંગલ કટ દાંતા આવેલા હોય છે. હાથકાનસની પહોળાઈ સમગ્ર લંબાઈ માટે એકસરખી હોય છે, પરંતુ એડી અને અણીવાળા ભાગ કરતાં વચ્ચેના ભાગમાં તે વધારે જાડી હોય છે. તેની એક ધાર પર બિલકુલ દાંતા હોતા નથી. તે ધારને ‘સલામત ધાર’ (safe edge) કહે છે. છરી (knife) આકાર કાનસની બંને સપાટીઓ પહોળી અને એકસરખી હોય છે, જ્યારે ત્રીજી સપાટી નાની હોય છે. બે ખૂણા સરખા હોય છે. ત્રીજો ખૂણો નાનો હોય છે. પહોળી સપાટી પર ડબલ કટ દાંતા હોય છે, જ્યારે નાની સપાટી પર સિંગલ કટ દાંતા હોય છે.

આ કાનસ સાંકડા ખૂણા ઘસવા માટે ઉપયોગી છે. કાનસના બે દાંતા વચ્ચેના અંતરને ગાળો (pitch) કહે છે. આ ‘પિચ’ પરથી કાનસની સફાઈ, તે સ્મૂધ છે કે રફ તે નક્કી કરવામાં આવે છે. રફ કાનસ પર, 1 સેમી.ની લંબાઈમાં 9થી 12 દાંતા હોય છે. સ્મૂધ કાનસ પર 1 સેમી.ની લંબાઈમાં 18થી 24 દાંતા હોય છે. ‘ડેડ સ્મૂધ’ કાનસની સપાટી પર 1 સેમી.માં 26થી 40 દાંતા હોય છે. કાનસની લંબાઈ પ્રમાણે દાંતાની સંખ્યા હોય છે. વધારે લંબાઈની કાનસ પર ઓછા દાંતા હોય છે. દાંતાના કટ પ્રમાણે કાનસને બે ભાગમાં વહેંચી શકાય :

1. સિંગલ કટ કાનસ અને 2. ડબલ કટ કાનસ.

સિંગલ કટ કાનસમાં દાંતા એકબીજાને સમાન્તર અને એક જ દિશામાં કાપેલા હોય છે. સિંગલ કટ દાંતા કાનસની સપાટીની મધ્ય રેખા (centre line) સાથે 60°ના ખૂણે કાપેલા હોય છે. સિંગલ કટ કાનસ સારો ઓપ (finishing) આપે છે. કઠણ ધાતુ માટે સિંગલ કટ કાનસ વપરાય છે. ડબલ કટ કાનસમાં દાંતાના બે સેટ હોય છે. એક સેટ સિંગલ કટ પ્રમાણે સમાન્તર દાંતાને 60° સે.એ કાપેલ હોય છે અને બીજા સેટના દાંતા પહેલા સેટના દાંતાની ઉપર અને તેને છેદતા સમાન્તર અને સપાટીની મધ્યરેખા સાથે 80°નો ખૂણો બનાવતા કાપેલા હોય છે.

એન. જે. માણેક