કાઝી મુહિબ્બુલ્લા બિહારી : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં લખનૌ અને હૈદરાબાદ(દક્ષિણ)ના કાઝી. તે પટના(બિહાર)ના વતની હતા. તેમણે પોતાના સમયના પંડિતો પાસેથી ઇસ્લામી કાયદાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઔરંગઝેબે તેમને પોતાના પૌત્ર રફીઉલકદર બિન શાહઆલમના શિક્ષક બનાવ્યા હતા. શાહઆલમના કાળમાં તેમને મુખ્ય ન્યાયાધીશના પદે નિયુક્ત કરાયા હતા અને ‘ફાઝિલખાન’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આશરે 1765માં તેમનું અવસાન થયું હતું. ઇસ્લામી કાયદાશાસ્ત્ર વિષયે તેમનાં ફારસી પુસ્તકો જાણીતાં છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી