કાઝીન્ઝા કાલમ (1958)

January, 2006

કાઝીન્ઝા કાલમ (1958) : કેશવ મેનન કે. પી. રચિત મલયાળમ આત્મકથા. લેખક કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક છે. એમણે ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. 1923માં એમણે ‘માતૃભૂમિ’ સમાચારપત્ર પ્રગટ કર્યું. 1927માં એ મલાયા ગયા અને ત્યાં વકીલાત શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ વખતે એ સિંગાપોરમાં નેતાજી સુભાષ બોઝના સંપર્કમાં આવ્યા અને એમણે ઊભી કરેલી આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. સ્વાતંત્ર્યયુદ્ધમાં સક્રિય ભાગ લીધો. સુભાષબાબુના મંત્રીમંડળના એક સભ્ય બન્યા. 1951માં એમને ભારત સરકારે શ્રીલંકાના રાજદૂત નીમ્યા. આ રીતે એમનું જીવન વૈવિધ્યપૂર્ણ અને રોમાંચકારી ઘટનાઓવાળું હતું. એમની આ આત્મકથામાં એમના જમાનાનું ચિત્ર એમણે એક કલાકારની અદાથી આલેખ્યું છે. 1958માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એ પુસ્તકને પુરસ્કાર માટે પસંદ કર્યું હતું.

અક્કવુર નારાયણન્