કાઝી શાસકો

January, 2006

કાઝી શાસકો (માંગરોળ સોરઠના) : માંગરોળ અને તેની આસપાસના પ્રદેશના કાઝી કુળના રાજકર્તાઓ. ફીરોઝ તઘલખે ગુજરાતના સરનશીન તરીકે ઝફરખાન ગુજરાતીની 1371માં નિયુક્તિ કરી. 1375માં ઇઝ્-ઉદ્-દીન અને સૈયદ સિકંદરની રાહદારી નીચે સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગનો કબજો મેળવવા લશ્કર મોકલ્યું હતું. તેમની સાથે એક જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી વસેલો. આ પછી એમના વંશજોમાંથી કોઈ ચિત્રમાં જણાતા નથી. છેક 1748માં શેખ ફકરુદ્દીન કાઝીના પુત્ર શેખમિયાં અને મીરમલિક શાહબુદ્દીને મળી પેશવાના જસવંત જાદવ નામના મરાઠા પ્રતિનિધિ પાસેથી માંગરોળની સત્તા ઝૂંટવી લીધી અને સ્થાનિક મુસ્લિમ સત્તાનો શેખમિયાંથી આરંભ થયો. એણે 1760માં વેરાવળનો કિલ્લો કબજે કરી ચોરવાડ, કેશોદ, કોડીનાર, માળિયા (હાટીના) અને બાટવા ઉપર ચડાઈ લઈ જઈ ત્યાં જમાબંધી નાખી હતી. 1771માં જૂનાગઢના નાગર દીવાન અમરજીએ માંગરોળ પર ચડાઈ લઈ જઈ માંગરોળનાં પરગણાંમાંથી અડધોઅડધ નવાબની સત્તા નીચે આણ્યાં હતાં. શેખમિયાં યુક્તિબાજ હતો અને સંધિ કરતાં પણ વાર ન લગાડે ને મોકો મળતાં તોડી પણ નાખે. અવસાન સુધીમાં 281 ગામો પર એની સત્તા હતી. 1776માં એણે પોરબંદરના રાણા પાસેથી નવીબંદરનો કબજો લીધો હતો. રાણાએ જમાબંધી ચૂકવવાનું સ્વીકારતાં એ ત્યાંથી ખસી ગયો હતો. એ પહેલાં 1774માં એણે નવાબની સત્તા સ્વીકારી લીધી હતી. 1776માં સરસિયા (તા. ધારી) પર વિજય મેળવ્યો હતો. 1779માં ચડાઈ કરી પ્રભાસપાટણ કબજે કરી 1415 વર્ષો સુધી એ તાબામાં રાખ્યું હતું. દીવ નજીકના માંડવી (તા. ગારિયાધાર) પર વિજય મેળવી ત્યાંના દરવાજા લાવી માંગરોળના ઉત્તરના પ્રવેશદ્વારે જડ્યા હતા, જે અત્યાર સુધી ‘માંડવી દરવાજા’ તરીકે જાણીતા છે.

એના અવસાન પછી 1784માં શેખ બદરુદ્દીન સત્તા પર આવ્યો અને એણે પણ ચોરવાડ, પ્રભાસપાટણ વગેરે પાછાં કબજે કર્યાં હતાં. એ પણ પિતા જેવો પ્રતાપી હતો ને જૂનાગઢનો નવાબ પણ એની સહાય માગે એટલી શક્તિ એણે બતાવી હતી. 1798માં આ શેખ છેક જામજોધપુર ઉપર ચડાઈ લઈ ગયો હતો અને મેરુ ખવાસની મધ્યસ્થીથી પાછો ફર્યો હતો. પોરબંદરના રાણાએ પણ મકરાણીઓ સામે એની મદદ માગેલી. એની એવી ખુમારી હતી કે કર્નલ વૉકરે ‘સેટલમેન્ટ’ માટે સૌરાષ્ટ્રના રાજવીઓને બોલાવ્યા ત્યારે એણે હાજરી આપી નહિ, પરિણામે જૂનાગઢના નવાબે બાટવા-માણાવદર-ગીદડ(પછીથી સરદારગઢ)ની જેમ માંગરોળને પણ જાગીરદાર રાજ્ય ગણાવ્યું. એ પરિસ્થિતિ સ્વરાજ્ય મળ્યા સુધી ચાલુ રહી. 1815માં શેખ બદરુદ્દીનનું અવસાન થતાં એનો પુત્ર બાવામિયાં સત્તાધીશ બનેલો. એ અપુત્ર અવસાન પામતાં એનો નાનો ભાઈ બડામિયાં સત્તાધીશ બન્યો. 1846માં મકરાણીઓએ માંગરોળ પર ધાડ પાડી એનું વળતર એજન્સીએ જૂનાગઢ પાસેથી અપાવ્યું. બડામિયાંના અવસાન પછી 1874માં એનો પુત્ર બાપુમિયાં, એ મરણ પામતાં 1879માં નાનો ભાઈ હુસેનમિયાં, એના અવસાને 1907માં ત્રીજો ભાઈ જહાંગીરમિયાં અને  એના અવસાને એનો પુત્ર જાણીતો ક્રિકેટ ખેલાડી અબ્દુલખાલિક અને એના અવસાન પછી શેખ નાસિરુદ્દીન આવ્યો, જે સ્વરાજ્ય સમયે એક વર્ષ માટે ભારત સરકારનો કેદી બનેલો ને બીજે વર્ષે 1948માં એ પાકિસ્તાન જઈ વસ્યો હતો.

આ કાઝીઓ એકંદરે પ્રજાપ્રિય શાસકો હતા.

કે. કા. શાસ્ત્રી