કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો હતો. બુદ્ધની પૂજા અને ભિક્ષુઓના નિભાવ અર્થે ભિક્ષુ સ્થિરમતિની વિનંતીથી દાન આપવામાં આવ્યું હતું. અહીં 500 ભિક્ષુઓ વસતા હતા અને તેઓ સિંધમાંથી આવ્યા હતા. તેઓ ‘આર્યસંઘ’ના હતા. ‘આર્યસંઘ’ અને ‘સિંધુ વિષયશ્રી ભિક્ષુસંઘ’ એ શબ્દો આ સંપ્રદાય ‘આર્ય સમ્મતીય નિકાય’ શાખાનો હતો તે સ્પષ્ટ કરે છે. લાટ આવેલા ચીની મુસાફરો તેની સાક્ષી પૂરે છે. આ સ્થળ અગાઉ માનવામાં આવતું હતું તેમ ઉત્તરપ્રદેશનું નથી, પણ સૂરત જિલ્લાના મીંઢોળા કે કાપલેથા (મધ્વાળી નદીને તીરે આવેલ ચોર્યાસી તાલુકાનું) હોવાનો સંભવ છે, જે કતારગામ વિષયમાં આવેલ છે. કેટલાક આ સ્થળ બારડોલી તાલુકાનું કાપલિયા હશે એમ જણાવે છે. દાનપત્રો નવમી સદીમાં દક્ષિણ ગુજરાતમાં (લાટ) બૌદ્ધ ધર્મનું અસ્તિત્વ સૂચવે છે.
શિવપ્રસાદ રાજગોર