કાંપિલ્ય : ઉત્તર પ્રદેશમાં ફરૂખાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં મળે છે. પહેલાં તે ગંગાને કાંઠે વસેલું હતું. હવે એની નીચેના ભાગમાંથી ‘બૂઢી ગંગા’ નામની ધારા વહે છે. એ દક્ષિણ પાંચાલના રાજા દ્રુપદનું પાટનગર હતું. અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. અહીંના એક ઊંચા ટેકરાને દ્રુપદનો કોટ કહે છે. દ્રૌપદીકુંડ નામનું સ્થળ પણ પ્રખ્યાત છે. અહીંથી સંખ્યાબંધ મંદિરોના અવશેષ, મૂર્તિઓ તેમજ સિક્કા પણ મળેલાં છે.

પ્રવીણચંદ્ર પરીખ