કલ્યાણદાસજી (જ. ?; અ. 1820, કહાનવા, તા. જંબુસર) : અવધૂતી સંત. ઊંડેલ(તા. ખંભાત)ના પાટીદાર કુટુંબમાં જન્મેલા આ સંતના જન્મ કે બચપણ વિશે માહિતી મળતી નથી. તેઓ અખાની શિષ્ય-પરંપરામાં ગણાતા જીતા મુનિ નારાયણના શિષ્ય અને નડિયાદવાળા સંતરામ મહારાજના ગુરુભાઈ હતા. સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં રહેતા કલ્યાણદાસજી એક અલફી (કફની), એક ચીમટો અને એક છત્રી એટલો જ પરિગ્રહ રાખતા. જ્યાં ભગવદભાવ દેખાય ત્યાં રોકાતા અને અલખ જગાવતા. તરસાળી અને ચિત્રાલના થોડા વખતના મુકામ પછી કહાનવા આવ્યા. ત્યાંના આગેવાન પટેલ ભગવાનજીએ તેમને ગુરુદેવ તરીકે સ્વીકારી આગ્રહપૂર્વક કહાનવામાં રાખ્યા. તેમની ત્યાગવૃત્તિ અને ફકીરી મસ્તી અલૌકિક હતાં. અનેક દીન-દુ:ખી અને ભાવિક લોકો તેમના દર્શનાર્થે આવતા. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ બીજાના કાકા શ્રીમંત જયસિંહરાવ ગાયકવાડને તેમની કૃપાથી નાસૂરનું પીડાકારી દર્દ મટી ગયેલું હોઈ તેમણે બાવાજીની સમાધિ માટે એ સ્થાને પહેલેથી બંગલો બંધાવ્યો. તે પરથી એ સ્થાન ‘બંગલો’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ઈ.સ. 1820માં હજારો લોકોની ઉપસ્થિતિમાં અને ખેડા જિલ્લાના કલેક્ટર મિ. ગ્રૅંડ સાથે વાત કરતાં કરતાં બ્રહ્મરંધ્રમાં પ્રાણનો લય કરી તેઓ સમાધિમરણ પામ્યા. બંગલામાં તેમને સમાધિ અપાઈ. ગુરુસ્થાન ગણતા લોકો તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે.

કલ્યાણદાસજી કોઈ પંથ કે સંપ્રદાય સ્થાપવાના હિમાયતી નહોતા. આથી તેમણે કોઈ પંથ પ્રવર્તાવ્યો નથી. અલબત્ત, કહાનવામાં તેમની શિષ્યપરંપરા ચાલે છે. આજે તેમનો ભક્તપરિવાર કહાનવા ઉપરાંત ચિત્રાલ, ગવાલદ, જંબુસર અને વડોદરામાં ફેલાયેલો છે. દર પૂનમે ત્યાં ભક્તમંડળી ભેગી થાય છે. કહાનવામાં ભાદરવા સુદ 11ના રોજ મેળો ભરાય છે.

કલ્યાણદાસજી જ્ઞાની કવિ હતા. તેમણે રચેલ ‘અજગરબોધ’, ‘કાફરબોધ’ તેમજ પદ, સાખી અને ભજનોમાં મુખ્યત્વે જ્ઞાનમાર્ગનો ઉપદેશ છે. ‘અજગરબોધ’ 51 કડીઓનો ગુજરાતી ગ્રંથ છે, જેમાં પ્રહલાદને અજગરમુખે મળેલ આત્મજ્ઞાનનું નિરૂપણ થયું છે. હિંદી ભાષામાં રચાયેલ નવ કડીઓના ‘કાફરબોધ’માં રામ-રહીમની એકતા દર્શાવી બાહ્યાચારોનો નિષેધ અને ભક્તિનો બોધ કરવામાં આવ્યો છે. કલ્યાણદાસની વાણી જેટલી સરળ તેટલી ગહન પણ છે. તેમાં વેદાન્તના અજાતવાદનું નિરૂપણ થયેલું જોવામાં આવે છે.

અજાતવાદનો બોધ કરતાં કલ્યાણદાસજી મહારાજ કહે છે કે અદ્વિતીય પરાત્પર પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ, આત્મા કે આપેઆપ (self in self) સિવાય બીજું કંઈ ત્રિકાલાબાધિત સનાતન તત્વ નથી. વસ્તુત: જીવ અને જગત બંને બ્રહ્મસ્વરૂપ જ છે. ‘जगदेव हरिः हरिरेव जगत्’-એ જ સત્ય છે. જગત્-રૂપ જગદીશ જ છે; કારણ કે પિંડ અને બ્રહ્માંડમાં, ચૌદ લોકોમાં આદિ, મધ્ય અને અંતે તો કેવળ ‘વસ્તુ’ જ વિલસે છે. સૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિમાં ‘વસ્તુ’માં કંઈ વધતું નથી, તેમ સૃષ્ટિનો લય થતાં એમાંથી કંઈ ઘટતું પણ નથી. શૂન્યની વધ-ઘટથી અક્ષર એકડે એકમાં કંઈ ફેર (1 + 0 = 1 અને 1  0 = 1) પડતો નથી. ‘વસ્તુ’ સર્વદા અવિકૃત જ રહે છે. સાકરના શ્રીફળમાં જેમ ચોટલીએ સાકર અને ગોટલીએ સાકર છે, તેમ અખિલ વિશ્વમાં બાહ્યાંતર હમેશાં પરાત્પર પરબ્રહ્મ જ સભર ભરેલું છે. ‘पूर्णस्य पूर्णम् आदाय पूर्णम् एव अवशिष्यते’ – આ શ્રુતિવચનનો આ જ ભાવાર્થ છે. વસ્તુનો આવો અનુભવ થવાથી જ્ઞાનીની ર્દષ્ટિમાં ભેદભાવ હોતો નથી અને જો ભેદ ભાસતો હોય તો તે સત્ય નથી, પણ કલ્પિત છે, નહિવત્ છે, અજાત છે.

વસ્તુત: આત્મા અહંભાવથી દેહી થયો છે, તેથી મનુષ્યે સ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનાગ્નિથી અહંભાવને હરિમાં ઓગાળી નાખવો જોઈએ. એ માટે પ્રથમ ચિત્તશુદ્ધિ અને તીવ્ર મુમુક્ષુપણું પ્રાપ્ત કરવાં જોઈએ. નિર્મળ અને નિશ્છલ દિલમાં જ આત્મજ્ઞાન ટકતું હોવાથી દિલને કપટરહિત કરવું જોઈએ. આત્મજ્ઞાન માટે ગુરુની પરમ આવશ્યકતા છે, કેમ કે ગુરુ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વગર મોક્ષ નથી. આત્માનુભવ માટે પંખીની બે પાંખની જેમ ગુરુગોવિંદ દ્વારા જીવનમાં પ્રેમ અને જ્ઞાનની એકતા અનુભવવી જોઈએ. પ્રેમ એટલે અહં કિંવા દેહાભિમાનનો ગુરુગોવિંદમાં લય કરવો તે અને જ્ઞાન એટલે પૂર્ણબ્રહ્મ અંદર-બહાર નિરંતર સત્ છે અને બીજું બધું અસત્ છે એવી ખરી અને પૂરી સમજણ થવી તે. આવો પ્રેમ અને આવું જ્ઞાન થતાં જીવમાં સર્વાત્મભાવ અને સમર્દષ્ટિ પ્રગટે છે અને આત્મદર્શન થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ