કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુ. 1937) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. કેશવરાવ ભોળે, અબ્દુલ રહેમાન ખાનસાહેબ તથા પ્રો. નવરંગ તેમના સંગીતગુરુ હતા.

પાર્શ્વગાયનનો પ્રારંભ મરાઠી ફિલ્મથી, પરંતુ ફિલ્મનું નિર્માણ બંધ પડતાં, પ્રથમ યુગલગીત તલત મહેમૂદ સાથે સંગીતકાર નૌશાદે (શૌકત દહેલવી) ફિલ્મ ‘દરવાજા’ (1954) માટે ગવડાવ્યું. શબ્દો હતા ‘એક દિલ દો હૈ તલબગાર…’. મો. શફીના સંગીતનિર્દેશન હેઠળ ‘મંગૂ’ ફિલ્મમાં ‘કોઈ પુકારે ધીરે સે…’ ગાયું.

સુમન હેમાડી લગ્ન બાદ સુમન કલ્યાણપુર બનીને ફિલ્મક્ષેત્રે ઝળક્યાં. 1962થી 1967 દરમિયાન ‘ન તુમ હમેં જાનો’ (બાત એક રાત કી), ‘જૂહી કી કલી’ (દિલ એક મંદિર), ‘અજહું ન આયે…’ (સાંઝ ઔર સવેરા), ‘બુઝા દિયે હૈ…’ (શગૂન), ‘મેરે મેહબૂબ ન જા’ (નૂરમહલ), ‘શરાબી શરાબી યે સાવન કા…’ (નૂરજહાં) ઉલ્લેખનીય ગીતો હતાં. લતા મંગેશકરનું સ્વરસામ્ય ધરાવતાં સુમને મરાઠી ભાવગીતો પણ ગાયાં છે.

1969માં તેમણે ન્યૂયૉર્કમાં પ્રથમ જાહેર કાર્યક્રમ (stage show) કર્યો હતો. 1976માં માતાના મૃત્યુના આઘાતે તથા પતિના વ્યવસાયને કારણે ફિલ્મોમાં ગાવાનું ઓછું કર્યું. તેઓ શ્વેત રંગનાં ચાહક છે. સ્વભાવ ધાર્મિક. ચિત્રકામનો ખૂબ શોખ છે. ભજન ગાવાં ગમે છે. નિયમિત રિયાઝનાં આગ્રહી છે. ઇન્ટરવ્યૂથી દૂર રહે છે.

હરીશ રઘુવંશી