કલ્યાણજી-આણંદજી (જ. અનુક્રમે 1928, 1933) : હિંદી ચલચિત્રજગતની સંગીત-દિગ્દર્શક જોડી. કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો. બાળપણથી જ બંનેએ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવી હતી. કલ્યાણજીએ કુમારાવસ્થામાં પાષાણ-તરંગ નામનું પથ્થરનું વાદ્ય બનાવીને કચ્છના મહારાવની પ્રશંસા મેળવી હતી. 1952માં  હિંદી ચલચિત્ર ‘નાગિન’માં હેમંતકુમારના સંગીત-દિગ્દર્શનમાં કલ્યાણજીએ બીન (ક્લે-વાયોલિન) બજાવીને અપાર લોકપ્રિયતા મેળવી અને 1958માં કલ્યાણજી વીરજી શાહના નામે હિંદી ચલચિત્ર ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’નું સંગીત-દિગ્દર્શન કર્યું. મૂળે અભિનેતા થવાની મહત્વાકાંક્ષા ધરાવતા લઘુબંધુ આણંદજી પણ 1959માં હિંદી ચલચિત્ર ‘સટ્ટાબાજાર’માં એમની સાથે સંગીત-દિગ્દર્શનમાં જોડાયા અને ત્યારથી કલ્યાણજી-આણંદજીની જોડીનું નામ અસ્તિત્વમાં આવ્યું.

કલ્યાણજી-આણંદજી

તેમની કારકિર્દી દરમિયાન 250 ઉપરાંત ચલચિત્રોમાં સંગીત આપનાર આ બંધુઓને 1966માં સિને મ્યૂઝિક ડિરેક્ટર ઍસોસિયેશનનો એવૉર્ડ હિંદી ચલચિત્ર ‘હિમાલય કી ગોદ મેં’ માટે, 1968માં હિંદી ચલચિત્ર ‘સરસ્વતીચંદ્ર’ માટે પ્રથમ રાષ્ટ્રીય એવૉર્ડ, 1974માં ‘કોરા કાગઝ’ માટે હિંદી ફિલ્મફેર એવૉર્ડ તેમજ 1985માં રજતજયંતી વર્ષ માટેનો સુરસિંગાર ઍવોર્ડ એનાયત થયા છે. ઉપરાંત તેમની સંગીતરચનાની રેકર્ડના વિક્રમ વેચાણ માટે ‘પ્લૅટિનમ ડિસ્ક’ નામે ઓળખાતું અત્યંત પ્રતિષ્ઠિત બહુમાન તેમને સાત વાર મળ્યું છે. તેમની અતિશય સફળ ફિલ્મોમાં ‘સટ્ટાબાજાર’, ‘ઉપકાર’, ‘કુરબાની’, ‘સરસ્વતીચંદ્ર’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘જંજીર’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘વિક્ટોરિયા 203’, ‘સચ્ચા-જૂઠા’ (બધી હિંદી) અને ‘અખંડ સૌભાગ્યવતી’(ગુજરાતી)નો સમાવેશ થાય છે. કલ્યાણજીના પુત્ર વિજુ શાહ તથા તેમના બંનેના લઘુબંધુ બાબલા પણ ફિલ્મ-સંગીતના ક્ષેત્રે કાર્યરત છે. કલ્યાણજી-આણંદજીની દિગ્દર્શકોની બેલડીમાંથી વર્ષ 2000માં માત્ર આણંદજી જીવે છે. 24 ઑગસ્ટ 2000ના રોજ કલ્યાણજીનું અવસાન થયું છે.

રજનીકુમાર પંડ્યા