કર્ણ-કુંતીસંવાદ

January, 2006

કર્ણ-કુંતીસંવાદ (1900) : કવિવર રવીન્દ્રનાથ ટાગોરરચિત બંગાળી સંવાદ-કાવ્ય. કુંતી અર્જુનને બચાવવા કોઈ બ્રહ્માસ્ત્રની માગણી કરવા કર્ણ પાસે નથી આવતી. કુંતી આવે છે કર્ણને પોતાના પાંચ પુત્રોના જ્યેષ્ઠ ભ્રાતાનું સ્થાન સ્વીકારવાની વિનંતી કરવા. કર્ણ માતાના આહવાનને સ્વીકારતો નથી પણ પ્રાપ્ત પરિસ્થિતિને જ ઇષ્ટ ગણે છે. આ છે સંવાદનું કથાવસ્તુ.

કવિએ કરેલી સ્થળ અને કાળની પસંદગી સમસ્ત વાતાવરણને ધીરે ધીરે વધારે ને વધારે ઘેરું અને રહસ્યપૂર્ણ બનાવે છે. કર્ણ સૂર્યપુત્ર છે. સંધ્યાની વંદનામાં લીન છે. તે જ વખતે કુન્તી ઘૂમટો તાણીને કર્ણ પાસે આવે છે. કર્ણને ખબર નથી કે કોણ આવ્યું છે. પ્રાચીન કાળની પ્રચલિત પ્રથા પ્રમાણે કર્ણ પોતાનો પરિચય આપે છે અને આ અપરિચિત વ્યક્તિ કોણ છે તે પૂછે છે.

કુંતીને ખબર છે કે કર્ણ તેનો પુત્ર છે, પણ કર્ણને ખબર નથી કે તે કોનો પુત્ર છે. તે એટલું જ જાણે છે કે તે કોઈ માતાનું ત્યક્ત સંતાન છે અને રાધા અને અધિરથે તેને ઉછેરીને મોટો કર્યો છે. એટલે તેમને જ તે પોતાનાં માતાપિતા ગણે છે – ભાવ અને શ્રદ્ધાપૂર્વક.

કર્ણના પ્રશ્નના ઉત્તરમાં કુંતી શરૂઆતમાં પોતાનો પરિચય આપતાં દ્વિધા અનુભવે છે. એટલું જણાવે છે કે ‘તારા જીવનના પ્રથમ પ્રભાતમાં મેં વિશ્વ સાથે તારો પરિચય કરાવ્યો છે. આજે હું બધા પ્રકારની લાજ-શરમ છોડીને તને મારો પરિચય આપવા આવી છું.’ ઘૂમટામાં કુંતીનાં નતનેત્રનાં કિરણોથી કર્ણનું હૃદય પીગળી જાય છે. વિનંતી કરે છે કે ‘મા ! મારો જન્મ તારી સાથે કયા સૂક્ષ્મ રહસ્યના તંતુથી બંધાયેલો છે તે કહે.’ કુંતી ધીરજ ધરવા કહે છે. ‘દેવ દિવાકરને અસ્ત થવા દે. સંધ્યાના અંધકારને હજી વધારે નિબિડ થવા દે. હું કુંતી છું.’

બસ, આટલું સાંભળતાં જ કર્ણના મનમાં તેના પ્રતિસ્પર્ધી અર્જુનનું સ્મરણ થાય છે. નજર આગળ તેને જાણે તે પડકાર કરતો જુએ છે અને બીજી જ ક્ષણે મનમાં તીવ્ર ઈર્ષ્યાનો અગ્નિ ભભૂકી ઊઠે છે અને એટલું જ બોલે છે કે ‘તમે કુંતી છો, અર્જુનજનની છો ?’ કર્ણના આ ભર્ત્સનાપૂર્ણ પ્રશ્નથી કુંતીનું હૃદય ચિરાઈ જાય છે.

કુંતી ખોળો પાથરીને વીનવે છે કે – ‘અર્જુનની માતા છું એટલા માટે તું દ્વેષ ન કરીશ.’ પછી કુંતી અસ્ત્રપરીક્ષાના દિવસનું વર્ણન કરે છે. રાજકુળમાં જેનો જન્મ નથી થયો તેને અર્જુનની સાથે યુદ્ધ કરવાનો અધિકાર નથી એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે હીનકુલોત્પન્ન કર્ણની હિંમત જોઈ પાંડવો હસે છે, તેની નિંદા તથા તિરસ્કાર કરે છે. તે જ વખતે પોતે કર્ણને મનમાં મનમાં ‘પરમ વીર’ કહી બિરદાવ્યો હતો તેનું વર્ણન કુંતી કરે છે. પોતાના અંતરની વેદનાને વાચા આપતાં કુંતી કહે છે કે માતાનો અતૃપ્ત સ્નેહ હજારો નાગિનીઓની જેમ તેના હૃદયને વીંધી નાખે છે. કુંતીની વાણીથી કર્ણનું હૃદય આર્દ્ર બને છે; તે કહે છે – ‘આર્ય માતા ! તમને પ્રણામ. તમે રાજમાતા છો. આવે ટાણે અહીં તમે એકલાં ? હું કુરુસેનાપતિ છું. આ રણભૂમિ છે.’ કુંતી કહે છે, ‘દીકરા ! તારી પાસે ભિક્ષા માગવા આવી છું. મને વિફળ ન કરીશ.’ કર્ણ પોતાના પૌરુષ અને ધર્મ સિવાય બધું જ માતાના ચરણે અર્પણ કરવા તૈયાર થાય છે. કુંતી કર્ણને પોતાના પાંચ ભાઈઓમાં તેનું અગ્ર સ્થાન લેવા માગણી કરે છે. પહેલી વાર કુંતીને મુખે કર્ણ સાંભળે છે કે તે સારથિનો પુત્ર નથી, પણ પોતાનો પુત્ર છે, રાજાનું સંતાન છે. આ સાંભળી કર્ણ અંદરથી હાલી ઊઠે છે, દ્વિધા અનુભવે છે. છેવટે માતાની માગણીનો ગૌરવ અને આદરપૂર્વક અસ્વીકાર કરે છે. માતા ફરી વાર વીનવે છે કે ‘તું વિધાતાનો અધિકાર લઈને આ ખોળામાં આવ્યો હતો તે જ અધિકારથી પાછો આવ, બધા ભાઈઓ સાથે મારા, માતાના ખોળામાં તારું સ્થાન લઈ લે. કર્ણ, દીકરા, ચાલ્યો આવ !’ કર્ણ ફરી વાર પણ દ્વિધા અનુભવે છે – અને વિચારે છે કે મારું નામ કુંતીના મુખમાં કેટલું બધું મધુર સંગીતની જેમ સંભળાય છે ! મારું મન પાંચ પાંડવો તરફ ‘ભાઈ ભાઈ’ કરતું દોડ્યું છે. ‘મા, તારા આહવાનથી મારો અંતરાત્મા જાગ્યો છે. હવે મને વીરની ખ્યાતિ કે જય-પરાજય બધું જ મિથ્યા ભાસે છે. ચાલો મને ક્યાં લઈ જશો ?’ વાર્તાલાપ આગળ ચાલે છે. દરમિયાન કર્ણ કુંતીને પોતાનો ત્યાગ શા માટે કર્યો હતો તે પૂછે છે. કુંતી મૂંઝવણ અનુભવે છે. ક્ષમા માગે છે. ક્ષમા માગતી કુંતીને જોઈ કર્ણનું અંતર ધ્રૂજી ઊઠે છે. કહે છે, ‘માતા ! તમારી ચરણરજ આપો. મારાં અશ્રુનો સ્વીકાર કરો.’ અચરિતાર્થ થયેલા માતૃસ્નેહથી આખું વાતાવરણ તરબોળ થઈ જાય છે. કુંતી મૌન સેવે છે.

છેવટે કર્ણનું ઉત્તમ આભિજાત્ય સંપૂર્ણ રીતે પ્રકાશી ઊઠે છે. તે માતા સાથે જવાનું ટાળે છે, પણ માતાને આશ્વાસન આપે છે, ‘‘મા, જે પક્ષનો પરાજય નિશ્ચિત છે તેનો ત્યાગ કરવાનો મને આગ્રહ ન કરીશ. અત્યારે આ રજનીના તિમિરફલક ઉપર હું ઘોર યુદ્ધનું શાંતિમય શૂન્ય પરિણામ સ્પષ્ટ જોઈ શકું છું. પાંડવોનો વિજય થશે – રાજગાદી પ્રાપ્ત કરશે. હું કોઈની ઈર્ષ્યા કરતો નથી. હું તો કેવળ નિષ્ફળ અને હતાશ થયેલાના દળમાં જ રહીશ. મા, મારા જન્મની ક્ષણે જેમ મને કુલશીલ વગરનો વહેતો મૂક્યો હતો તેવી જ રીતે આજે પણ નિર્મળ ચિત્તથી મારો ત્યાગ કરો. એટલો જ આશીર્વાદ આપતાં જાઓ કે રાજ્યના, યશના કે જયના લોભથી હું વીરની સદગતિથી ભ્રષ્ટ ના થાઉં.’’ કર્ણની આંતરસમૃદ્ધિની આ ઉક્તિથી કાવ્ય પૂરું થાય છે. આ સંવાદ-કાવ્ય શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓ ભજવતા ત્યારે ક્યારેક રવીન્દ્રનાથ હાજર રહેતા. તેમની હાજરી વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને ઉત્સાહદાયી રહેતી.

મોહનભાઈ પટેલ