કર્ણકપટલ-છિદ્ર

January, 2006

કર્ણકપટલ-છિદ્ર (atrial septal defect) : હૃદયના ઉપલા ખંડો (કર્ણક, atria) વચ્ચેના પડદામાં કાણું થવાથી થતો રોગ. તે ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસમાં ઉદભવતી ખામીને કારણે થતો જન્મજાત (congenital) રોગ છે, જેનાં લક્ષણો મોટી ઉંમરે જોવા મળે છે. ડાબા કર્ણક અને જમણા કર્ણક વચ્ચેના પડદામાં કાણું હોવાથી ડાબા કર્ણકમાંનું ઑક્સિજનયુક્ત લોહી જમણા કર્ણકમાંના ઓછા ઑક્સિજનવાળા લોહીમાં ભળે છે અને આમ લોહીનું વિષમ મિશ્રણ થાય છે. વળી જમણા કર્ણકમાં આવેલા વધારાના લોહીને કારણે જમણા ક્ષેપક, ફેફસાં તથા ડાબી બાજુના હૃદયના ખંડોમાં પણ વધારે પ્રમાણમાં લોહી વહે છે. આમ હૃદયના વિવિધ ખંડોનો કાર્યભાર વધે છે.

દર્દીને વારંવાર શરદી તથા ખાંસી થાય છે તથા તેનો શારીરિક વિકાસ અપૂરતો રહે છે. શારીરિક તપાસમાં લાક્ષણિક ચિહનો જોવા મળે છે. મોટી ઉંમરે ફેફસાંમાંથી વહેતા લોહીનું દબાણ વધે છે અને તેને કારણે કર્ણકપટલ-છિદ્રમાં બંને બાજુ લોહીનું વહન થાય છે. કર્ણકના સંકોચનમાં અનિયમિતતા ઉદભવે છે અને હૃદયના કાર્યમાં નિષ્ફળતા આવવા માંડે છે. છાતીનું ઍક્સ-રે ચિત્રણ અને હૃદ્વીજાલેખ (electrocardiogram) વડે નિદાન કરી શકાય છે. 2-ડી-હૃદ્-પ્રતિઘોષાલેખ (2D-echocardiogram) અને હૃદય-નળીનિવેશ (cardiac catheterization) દ્વારા નિદાન નિશ્ચિત કરી શકાય છે.

સમયસરનું નિદાન અને શસ્ત્રક્રિયા વડે છિદ્રને બંધ કરવાની સારવાર દર્દીનું જીવન અવિષમ (normal) બનાવે છે. જો આ રોગને કારણે આનુષંગિક તકલીફો અને વિકારો ઉદભવે તો તેની સારવાર ઔષધથી થાય છે.

શાંતિલાલ શાહ

અનુ. હરિત દેરાસરી