કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965 (2020).

આ દેશનો 3/4 જેટલો ફળદ્રૂપ મેદાની પ્રદેશ મધ્યના તોનલે સેપ સરોવરની ચોપાસ વિસ્તરેલો છે. રકાબી જેવું ભૂપૃષ્ઠ ધરાવતા આ દેશની સરહદે ઉચ્ચ પ્રદેશો અને ડુંગરમાળાઓ વિસ્તરેલ છે. તેની  ઉત્તર અને પશ્ચિમે કાર્ડિમમ અને ડોંગ રેકનાં જંગલોથી છવાયેલી ડુંગરમાળાઓ છે. દક્ષિણે અને પશ્ચિમે મોઈ અને એલિફન્ટના ઉચ્ચપ્રદેશો આવેલા છે. આવી પ્રાકૃતિક રચનાને કારણે કેન્દ્રગામી જળપરિવાહ રચાયો છે. આ દેશના પૂર્વ ભાગમાં મેકૉંગ નદીનું કાંપનું ફળદ્રૂપ મેદાન છે. તોનલે સેપ સરોવરમાંથી ઉદભવતી તોનલે સેપ નદી નોમપેન્હ પાસે મેકૉંગ નદીને મળે છે. વર્ષાઋતુમાં તોનલે સેપ સરોવરના મોટા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આથી અહીંની વસાહતોમાં ઘર થાંભલાના ટેકા અને લાકડાના તરાપા પર બાંધેલાં હોય છે.

અહીં ઑક્ટોબરથી એપ્રિલ સુધીનો સમય સૂકી મોસમનો અને મેથી સપ્ટેમ્બર નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે ચોમાસાની મોસમનો છે. અહીં(નોમપેન્હ)નું જાન્યુઆરીનું તાપમાન 25.6o સે. અને જુલાઈનું તાપમાન 28.9o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,300 મિમી. જેટલો પડે છે. આથી દેશમાં ચોખાનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન આશરે 30 લાખ મે. ટન છે. આમ ચોખા માટે તે આત્મનિર્ભર છે અને તેની નિકાસ પણ કરે છે. આ દેશના મધ્યસ્થ ફળદ્રૂપ મેદાનમાં અને પૂર્વના મેકૉંગ નદીના કાંપના મેદાનમાં ખૂબ ચોખા પાકે છે. અહીંના અન્ય પાકોમાં રબર, મરી, મકાઈ, શેરડી, તમાકુ, કપાસ, શણ, કસાવા, કેળાં, શાકભાજી, નારંગી, સોયાબીન, નાળિયેરી અને તેલીબિયાંની પેદાશો છે.

પશુપાલન : અહીં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે. ગાય, ભેંસ અને ભુંડ અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાંનો પણ ઉછેર થાય છે.

તોનલે સેપ સરોવર, મેકૉંગ નદી અને સમુદ્રકાંઠે મચ્છીમારીનો વ્યવસાય વિકસ્યો છે. કોહકૉન્ગમાં મત્સ્યજાળવણીનાં કારખાનાં આવેલાં છે. આ દેશમાં ફૉસ્ફેટનો જથ્થો બાટમબૅન્ગ અને કામપોટમાંથી ખોદી કાઢવામાં આવે છે, તેથી અહીં ફૉસ્ફેટને શુદ્ધ કરવાનાં કારખાનાં આવેલાં છે. લોહઅયસ્ક પણ ખોદી કઢાય છે. નાના પાયા પર સોનું, ઝરકોન અને રત્નો મેળવાય છે. કોમપૉન્ગ-સોમમાં ખનિજતેલની રિફાઇનરી છે. આ સિવાય નોમપેન્હ (Pnompenh) અને અન્ય શહેરોમાં ફળોના રસની જાળવણી, પ્લાયવૂડ, દીવાસળી, સિમેન્ટ, સિગારેટ, કાપડવણાટ, ચોખા છડવા, સમુદ્ર ખોરાક વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર અહીં આવેલ છે. આ સંશોદન કેન્દ્રે 750 જેટલી ડાંગરની વિવિધતાઓ શોધી છે. અહીંની સરકારે મેકૉંગ નદી પર બંધો બાંધીને સિંચાઈ અને જળવિદ્યુતશક્તિનો વિકાસ કર્યો હોવાથી ઉદ્યોગ-ધંધાનો વિકાસ ઝડપી બન્યો છે, તેમ છતાં વિશ્વના અત્યંત ગરીબ દેશોમાં તેની ગણના થાય છે. દેશના મોટાભાગના લોકો આજીવિકા માટે ખેતી પર અવલંબે છે.

અહીં બારમાસી ઋતુમાં ઉપયોગી બને એવા પાકા રસ્તાનું પ્રમાણ ઓછું છે. અમેરિકાની મદદથી નોમપેન્હ અને કોમપૉન્ગસોમ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધાયો છે, જે ‘અમેરિકન ફ્રેન્ડશિપ હાઈવે’ તરીકે જાણીતો બન્યો છે. આ દેશમાં બે રેલવેમાર્ગ છે. એક નોમપેન્હથી કોમપૉન્ગસોમ સુધી અને બીજો નોમપેન્હથી થાઇલૅન્ડ સીમા પર આવેલ પોઇપેટ સ્થળ સુધી છે, જે આગળ થઈ થાઇલૅન્ડનાં યુબોન અને બૅંગકૉકને સાંકળે છે.

દેશની રાજધાનીનું શહેર નોમપેન્હ મેકાગ નદી પર છે. આ નદીના જળમાર્ગે જ માલસામાન અને માનવની હેરફેર થાય છે. જોકે હવે સરકારે થાઇલૅન્ડની ખાડી પર આવેલ કોમપૉન્ગસોમ નામના બંદરનો વિકાસ કર્યો છે. નોમપેન્હમાં આવેલ પોચેનટાંગનું હવાઈમથક અગ્નિએશિયા અને શેષ એશિયાનાં અન્ય નગરો સાથે હવાઈ માર્ગે સંકળાયેલું છે. અહીં પ્રવાસન ઉદ્યોગ ખીલ્યો છે. સીએમરીપમાં આવેલ અંગકોરવાટનાં મંદિરોની ભવ્યતાનાં દર્શન કરવા દેશવિદેશથી દર વર્ષે લાખો સહેલાણીઓ આવે છે. આથી રૉયલ ઍર કમ્બોડિયાની દરરોજની હવાઈસેવા પોચેનટાંગ અને સીએમરીપ વચ્ચે ચાલે છે.

કમ્બોડિયાની વસ્તીમાં મોટાભાગની વસ્તી ખ્મેર લોકોની છે. ઘણીખરી વસ્તી તોનલે સેપ સરોવરની ચોપાસના ફળદ્રૂપ મેદાનમાં અને પૂર્વમાં મેકાગ નદીના ફળદ્રૂપ ખીણપ્રદેશમાં વસેલી જોવા મળે છે. સાક્ષરતાનું પ્રમાણ 65 % જેટલું છે. અહીં બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ વિશેષ છે. આ સિવાય રોમન કેથલિક અને મુસ્લિમોનું પ્રમાણ ઓછું છે.

પુરાતત્વની ર્દષ્ટિએ ‘બૃહદ્ ભારત’માં અગ્નિ એશિયાના ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, ચંપા (હાલનું મધ્ય વિયેટનામ), સિયામ, લાઓસ અને બર્માનો સમાવેશ થાય છે. ગુપ્ત વંશના સુવર્ણયુગમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો મધ્ય એશિયા, અગ્નિ એશિયા અને ચીન, કોરિયા તથા જાપાન સુધી થયો હતો.

પુરાતત્વના અભ્યાસ પરથી જણાય છે કે કમ્બોડિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રવેશ ઈ.સ.ના ત્રીજા કે ચોથા શતકમાં થયો હોવો જોઈએ. આ કારણે કમ્બોડિયામાં બ્રાહ્મણ અને બૌદ્ધ સંપ્રદાયનાં ભવ્ય સ્મારકો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનાં આ ભવ્ય સ્મારકો જગતના કોઈ પણ ભવ્ય સ્મારકની બરોબરી કરે તેવાં છે; જેમ કે, અંગકોરના અંગકોરવાટ અને અંગકોરથોમ. આ સ્મારકોનાં વખાણ કરતાં, આ ક્ષેત્રના પ્રખ્યાત વિદ્વાન હેન્રી પારમેન્શ્ટાર કહે છે કે ભવ્ય સ્થાપત્યની આવી વિભાવના (concept) દૂર-પૂર્વના દેશો તો ઠીક, ભારતમાં પણ જોવા મળતી નથી. કમ્બોડિયા પરનો ભારતનો આ પ્રભાવ રાજકીય નહીં, પણ સાંસ્કૃતિક હતો. કમ્બોડિયામાં ભારતીય સંસ્કૃતિના ફેલાવામાં હિન્દુ અને બૌદ્ધ ધર્મે મહત્વનું કાર્ય કર્યું છે.

કમ્બોડિયા ચીનના પણ ગાઢ સંપર્કમાં હતું. ચીનના ચિયુ વંશની ગાથામાં જણાવ્યા મુજબ કમ્બોડિયાના ત્સેન-ચુ-ચાન-ટાન અથવા ચંદને તાલીમ પામેલા હાથીના નજરાણા સાથે ઈ. સ. 357માં સચિવને ચીનના દરબારમાં મોકલ્યા હતા. તે પછી ચીનના સમ્રાટ વુ-ટીના દરબારમાં કમ્બોડિયાના રાજા જયવર્મને હાથીદાંતના બે સ્તૂપ સાથે સાધુ નાગસેનને પણ મોકલ્યા હતા. આમ, કમ્બોડિયા પ્રાચીન સમયમાં ચીન સાથે ગાઢ સંબંધ ધરાવતું હોવા છતાં સાંસ્કૃતિક રીતે તેનું ભારતીયકરણ થઈ ગયું હતું.

‘સિલ્વર પેગોડા’ સાથેનો શાહી મહેલ, નોમ પેન્હ

પર્સી બ્રાઉન કમ્બોડિયાના સ્થાપત્યના બે વિભાગ પાડે છે : પ્રાચીન સમય અને સાંસ્કૃતિક સમય. પ્રથમ ગાળો ઈ. સ. 500થી 800 અને બીજો ઈ. સ. 800થી 1250નો ગણાય છે. કેટલાક વિદ્વાનો આ વિભાગોને ખ્મેર પહેલાંની કળા અને ખ્મેર સમયની કળા એમ ગણાવે છે.

અહીંનું સ્થાપત્ય કમ્બોડિયાના લોકોનું ધાર્મિક જીવન પ્રતિબિંબિત કરે છે. શિવ, વિષ્ણુ અને બુદ્ધનાં મંદિરો તથા શિલ્પો પરથી આ વાત ફલિત થાય છે. શિવ અહીં દેવાધિદેવ ગણાતા. પ્રાપ્ત લેખોમાં શિવ, શંભુ, શંકર, હર, રુદ્ર, મહેશ્વર, ગિરીશ, નટરાજ, ઈશ્વર, પશુપતિ, ઈશાન, વિભુ, જગત્પતિ, અંડેશ્વર વગેરે નામો જોવા મળે છે. શિવલિંગ અને શિવપ્રતિમા બંનેની અહીં પૂજા થતી. કમ્બોડિયાનું પ્રાચીનતમ મંદિર સંબોર પ્રોઇકૂકમાં જોવા મળે છે. આ મંદિર રાજા ઈશાનવર્મા(આ. ઈ. સ. 611-635)ના સમયનું માનવામાં આવે છે.

કમ્બોડિયાના પ્રશિષ્ટ સ્થાપત્યનો આરંભ ઇન્દ્રવર્મા(ઈ. સ. 877-889)થી થયો. આ કલાને પ્રશિષ્ટ ખ્મેર કલા પણ કહે છે. આરંભના સમયના પ્રેહકો અને બકૉન્ગનાં મંદિરો જાણીતાં છે. દશમી સદીના પ્રારંભમાં ખ્મેર સ્થાપત્યમાં વિશાળ કદની ઇમારતો જોવા મળે છે. નોમ બખેન્ગ તેનો પ્રથમ નમૂનો છે. ઈ. સ.ની અગિયારમી સદીના અંતમાં અને બારમી સદીના પ્રારંભમાં ખ્મેર કલા ઉન્નતિના શિખરે પહોંચે છે. બારમી સદીના પ્રારંભમાં બનેલું કૉમ્પોન્ગ સ્વાયનું પ્રેહ-ખન મંદિર આ કલાનો ઉત્તમ નમૂનો છે. અંગકોરવાટ કમ્બોડિયાનું સર્વોત્તમ ભવ્ય સ્મારક છે. આ મંદિર સૂર્યવર્મા બીજાએ (ઈ. સ. 1112-1152) બંધાવ્યું હતું. ઈ. સ. 1181માં જયવર્મા કમ્બુજની ગાદીએ આવ્યો. તે કલાપ્રિય સમ્રાટ હતો. તેણે અંગકોરથોમ જેવું મહાનગર વસાવી, તેની મધ્યમાં નગરની શોભારૂપ બેયોનનું જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યું. તેરમી સદીમાં રાજકીય પ્રભુત્વ ઘટતાં કમ્બોડિયાની કલા નામશેષ થઈ ગઈ.

ફુનાન નામથી પંકાયેલા એક સ્વતંત્ર રાજ્ય તરીકે કમ્બોડિયાનો ઉદય ઈ. સ. પહેલી સદીથી થયો હતો. (તે સમયે વ્યાધપુર તરીકે ઓળખાતું) આજનું શહેર બનામ તેની રાજધાની હતું. તે મેકૉંગ નદીના તીરે વિકસ્યું હતું. રાજ્યની સીમાઓ મલાયા, વિયેટનામ તથા લાઓસ સુધી વિસ્તરી હતી.

ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ફુનાનની પડતી થતાં ત્યાં ખ્મેર લોકોનું રાજ્ય સ્થપાયું હતું. આ રાજ્ય ઈ. સ. 802થી
ઈ. સ. 1220 સુધી ટક્યું હતું.

પાડોશમાં રહેતા થાઇ લોકોની અંકોર ઉપર ચડાઈ થતાં 1431માં રાજ્યની પડતી શરૂ થઈ હતી અને નોમપેન્હ તરફ નવું રાજ્ય સ્થાપવાની ફરજ પડી હતી. અંકોરના રાજ્યની અવનતિ પછી તેની ઉપર થાઇલૅન્ડ તેમજ વિયેટનામની ભીંસ વધતી રહી અને તે વધારે નિર્બળ બનતું ગયું.

ઓગણીસમી સદીમાં આફ્રિકા અને એશિયાનાં મોટાભાગનાં રાજ્યો ઉપર ચારેય બાજુ પ્રસરતા યુરોપના સામ્રાજ્યવાદની પકડ મજબૂત બની. 1861માં ખ્મેરના રાજવીને ફ્રાન્સ સાથે કરાર કરવાની ફરજ પડી. 1884માં કમ્બોડિયાનો આખો પ્રદેશ હિન્દી ચીનનાં અન્ય રાજ્યોની સાથે ફ્રાન્સના સામ્રાજ્યવાદી આધિપત્ય નીચે આવ્યો. પછી હિન્દી-ચીન ફ્રેન્ચ હિન્દી ચીન તરીકે ઓળખાવા લાગ્યું.

લગભગ અડધી સદી સુધી આ આખો પ્રદેશ ફ્રાન્સના સ્વામિત્વ નીચે રહ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી 1953માં ફ્રાન્સને આ પ્રદેશને સ્વતંત્ર જાહેર કરવાની ફરજ પડી. 1955ની જિનીવા પરિષદ પછી સ્વતંત્ર બનેલા કંપુચિયામાં નોરોદોમ સિંહાનુક સત્તા ઉપર આવ્યા. ફ્રાન્સ સાથેના સંબંધો ઓછા કરી તેમણે સામ્યવાદી જગત અને પશ્ચિમના દેશોની વચ્ચે તટસ્થ રહેવાની નીતિ અપનાવી. આ મધ્યમમાર્ગી નીતિની ભૂમિકા ઉપર તેમણે બંને તરફથી મળતી મદદનો સ્વીકાર કરી કમ્પુચિયાની સ્વતંત્રતાને રક્ષવાનો પ્રયાસ કર્યો. ઠંડા યુદ્ધ અને લશ્કરી કરારોનો સામનો કરી તેમણે ‘સિયાટો’(SEATO – South-East Asia Treaty Organisation)નો વિરોધ કર્યો. બીજી તરફ તેમણે સામ્યવાદી ચીનને માન્યતા આપી.

દરમિયાન વિયેટનામમાં અમેરિકાના હસ્તક્ષેપ પછી તુમુલ યુદ્ધ શરૂ થયું. પરિણામે સિંહાનુકની તટસ્થ રહેવાની નીતિ ઉપર દબાણ ઘણું વધી ગયું. વિયેટનામના યુદ્ધની અસરોથી કંપુચિયા મુક્ત રહી શક્યું નહિ. સામ્યવાદીઓના પગપેસારાના કારણે અમેરિકાએ બૉમ્બમારો કરતાં (1969) સિંહાનુકની સ્થિતિ વિષમ બની. 1970માં તેમણે સત્તાત્યાગ કરતાં જનરલ લોન નોલે સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં અને સામ્યવાદીઓની સામે લડાઈ શરૂ કરી. દક્ષિણ વિયેટનામ તેમજ અમેરિકાનાં સૈન્યોએ પણ કંપુચિયામાં પ્રવેશ કર્યો.

વણસતી પરિસ્થિતિનો સામનો કરવા માટે ‘ખ્મેર રૂઝ’ નામ ધારણ કરીને સામ્યવાદીઓ લોન નોલ તથા વિદેશી સૈન્યોને દૂર કરવા માટે સંગ્રામમાં ઊતર્યા. 1975માં તેમણે લોન નોલને સત્તાત્યાગ કરવાની ફરજ પાડી. સામ્યવાદી નેતા ખિયુ સંપન હવે રાષ્ટ્રપ્રમુખ બન્યા અને પૉલ પોટ વડાપ્રધાન થયા. 1976માં 250 સભ્યોની વિધાનસભા રચવામાં આવી જેમાં 150 બેઠકો ખેડૂતોને, 50 લશ્કરી સૈનિકોને તથા 50 શ્રમજીવીઓને માટે રાખવામાં આવી.

સામ્યવાદી સરકારે ખેતી અને જાહેર બાંધકામના ક્ષેત્રમાં જલદ નીતિ અપનાવી. શહેરોમાં વસતી પ્રજાને ગામડાંમાં જવાની ફરજ પાડવામાં આવી તથા જમીનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. દેશની સરહદો બંધ કરવામાં આવી અને બળજબરી તેમજ જુલમની નીતિ અપનાવવામાં આવી.

પરંતુ આ સરકાર લાંબો સમય ટકી શકી નહિ. 1979માં કમ્બોડિયાના વિદ્રોહી અને વિયેટનામનાં લશ્કરોના હુમલાઓના કારણે સરકારને સત્તા છોડવી પડી અને તેની જગ્યાએ વિયેટનામ તરફી હેન્ગ સેમરિન ક્રાન્તિકારી લોકસમિતિની રચના કરીને સત્તાધીશ બન્યો અને આ પછીના દસ વર્ષના લાંબા ગાળા (1979-1989) દરમિયાન કમ્બોડિયા પરસ્પરવિરોધી જૂથો વચ્ચેનું સમરાંગણ બની ગયું; જેમાં અમેરિકા, રશિયા, ચીન અને વિયેટનામ પોતપોતાના સાગરીતોને મદદ કરતાં રહ્યાં. વિયેટનામતરફી સેમરિનની સરકારનાં સૈન્યો અને પૉલ પૉટના વફાદાર ગેરીલાઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા કર્યું, જેમાં મોટી સત્તાઓ તેમજ પાડોશી રાજ્યોએ એક યા બીજા જૂથને લશ્કરી મદદ પહોંચાડ્યા કરી. કમ્બોડિયાના કેટલાય પ્રજાજનો ઘરબાર છોડીને આસપાસના દેશોમાં નાસી ગયા, દેશની ખેતીનો નાશ થયો અને લોકોમાં ભૂખમરો અને રોગચાળો ફાટી નીકળ્યો.

આ દસ વર્ષ દરમિયાન કમ્બોડિયામાં કુલ ચાર પક્ષો રહ્યા – ખ્મેર રૂઝ, નોરોદોમ સિંહાનુકનો પક્ષ, જનતાનો રાષ્ટ્રીય મુક્તિ મોરચો (People’s National Liberation Front – PNLF) અને નોમપેન્હની સરકાર. 1985 પછીનાં વર્ષોમાં ગોર્બાચોવ સત્તા ઉપર આવતાં તેમજ ચીન અને રશિયા વચ્ચેના સંબંધો સુધરતાં કમ્બોડિયાની પરિસ્થિતિમાં પણ તેના પડઘા પડ્યા. રશિયા અને અમેરિકા વચ્ચેનું ઠંડું યુદ્ધ મોળું પડતાં તે બંને દેશોની નીતિમાં પણ પરિવર્તન આવ્યું ને કમ્બોડિયામાં શાંતિ સ્થાપવાની નીતિને પ્રોત્સાહન મળ્યું.

ઑગસ્ટ 1990માં યુનોની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યો – અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે સમજૂતી થઈ અને કમ્બોડિયામાં શાંતિ માટેની યોજના નિયત થઈ જે અન્વયે 12 સભ્યોની સર્વોચ્ચ રાષ્ટ્રીય સમિતિ(Supreme National Council – SNC)ની રચના વિચારવામાં આવી અને યુનોના નિરીક્ષણ તળે યુદ્ધમોકૂફીનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો. નવી નિમાયેલી સમિતિમાં નોમપેન્હની સરકારના છ પ્રતિનિધિઓ અને બાકીના બીજા પક્ષોના રાખવાનું નક્કી થયું. જરૂર પડ્યે નોરોદોમ સિંહાનુકને બારમાંથી એક સભ્ય તરીકે અગર તેરમા સભ્ય તરીકે સમાવવાનો નિર્ણય લેવાયો.

બદલાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં હેનોઈ(વિયેટનામ)ની સરકારે તેમનાં સૈન્યને પાછાં બોલાવી લેવાનો નિર્ણય કર્યો; અમેરિકાએ નોમપેન્હ સરકાર તરફ નરમ વલણ અપનાવ્યું અને અત્યાર સુધી લડી રહેલાં ચારેય જૂથોએ શાંતિ અને સમાધાનનો માર્ગ અપનાવ્યો.

આ સાથે પીપલ્સ રિપબ્લિક ઑવ્ કમ્પુચિયાએ સ્ટેટ ઑવ્ કમ્બોડિયાનું નામ ધારણ કર્યું. બૌદ્ધ ધર્મની રાજ્યધર્મ તરીકે પુન:સ્થાપના થઈ.

1991માં યુદ્ધવિરામ થતાં તમામ પક્ષોની બનેલી ‘સુપ્રીમ નૅશનલ કાઉન્સિલ’ના શાસનની શરૂઆત થઈ, સામ્યવાદને તિલાંજલી આપવામાં આવી. રાજ્યના વડા તરીકે નોરોદોમ સિંહાનુકને સ્થાન આપવામાં આવ્યું. નવી સરકારે ઉદારવાદી નીતિ અપનાવતાં રાજકીય કેદીઓને મુક્ત કરાયા અને વાણીસ્વાતંત્ર્યનો સ્વીકાર કરવામાં આવ્યો. પરંતુ ખ્મેર રુઝ પક્ષ અને તેનો નેતા પૉલ પૉટ શસ્ત્રો છોડવા તૈયાર નહોતા. તેમણે 1993માં જાહેર થયેલી ચૂંટણીઓનો બહિષ્કાર કરી લડત ચાલુ રાખી. ચૂંટણીઓને અંતે નવા બંધારણનો સ્વીકાર થયો. વરિષ્ઠ (senior) સિંહાનુક બંધારણીય વડા નિમાયા અને કુમાર નોરોદોમ સિંહાનુક વડાપ્રધાન નિમાયા.

1994માં સરકાર-વિરોધી બળવો નિષ્ફળ ગયો. 7,000 ખ્મેર રુઝ ગેરીલા યોદ્ધાઓએ શરણાગતિ સ્વીકારી, પરંતુ 1995 સુધીમાં ઘટનાઓ ઝડપથી બદલાઈ. નાયબ વડા હુન સેનને પદભ્રષ્ટ કરવાનો તથા સરકારને ઉથલાવવાનો આરોપ મુકાતા નોરોદોમ સિંહાનુકને દેશવટો આપવામાં આવ્યો. આથી કમ્બોડિયન પીપલ્સ પાર્ટી (સીપીપી) અને સાથી પક્ષોના જૂથ વચ્ચે જબરદસ્ત તણાવ પેદા થયો. જુલ્મી શાસક પૉલ પૉટને આજીવન કેદની સજા કરવામાં આવી. હુન સેન અને નવા નિમાયેલા વડાપ્રધાન નોરોદોમ રાનરિદ્ધના ટેકેદારો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કર્યો. 1998માં પૂર્વ જુલ્મી શાસક પૉલ પૉટ અવસાન પામ્યો.

2003માં દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં ફરી કમ્બોડિયન પીપલ્સ પાર્ટી વિજયી બની અને હુન સેન વડાપ્રધાન બન્યા. કમ્બોડિયાને તેની યુનોની બેઠક પાછી મળી. ઘરઆંગણે બહુમતી પક્ષ વિરુદ્ધ અન્ય પક્ષો અને લઘુમતીઓ વચ્ચે ભારે મતભેદો સર્જાતા વર્ષના અંત સુધી નવી સરકાર રચી શકાઈ નહોતી. જૂન 2004માં યુનો અને કમ્બોડિયા વચ્ચે ખ્મેર રુઝના ઘાતકી નેતાઓને અદાલત સમક્ષ હાજર કરી તેમની પર કામ ચલાવવાના કરાર થયા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિઓમાં કમ્બોડિયા સામેલ થયું અને સ્થાનિક આતંકવાદી જૂથ જેમાહ ઇસ્લામિયાના સભ્યોની ધરપકડ દ્વારા સક્રિય બન્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે પશ્ચિમના દેશો સાથે  વિશેષ તો અમેરિકા સાથે તાલ મિલાવવા તત્પર બન્યું છે.

મહેન્દ્ર રા. શાહ

દિનકર મહેતા

દેવવ્રત પાઠક