કમ્બોજ : ઈ.પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક રાજ્ય. કમ્બોજનો સમાવેશ ઉત્તરાપથમાં થતો હતો. પ્રાચીન સાહિત્ય અને અશોકના શિલાલેખોમાં તેને ગંધાર સાથે જોડવામાં આવ્યું છે. ત્યાંના લોકો કમ્બોજ કહેવાતા. તેમના કબજામાં રાજોરીની આસપાસનો પ્રદેશ અથવા પ્રાચીન રાજપુર, વાયવ્ય સરહદ પ્રાંતનો હજારા જિલ્લો અને તેનો વિસ્તાર ઘણુંખરું કાફિરિસ્તાન સુધી હતો. કમ્બોજ લોકો રાજપુરના પ્રદેશમાં રહેતા હતા. હ્યુએન સાંગે પુંચની દક્ષિણે આવેલા રાજપુરનો ઉલ્લેખ કર્યો છે,  તે આ હોઈ શકે.

અગાઉ કમ્બોજમાં રાજાઓ રાજ્ય કરતા હતા; પરન્તુ કૌટિલ્યના સમયમાં (ઈ.પૂ. ચોથી સદી) રાજાશાહી દૂર થઈને સરકારનું સ્વરૂપ ગણતંત્રનું થયું હતું. અશોકના સમયમાં કમ્બોજ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ભારતના સમાજમાં પારંપરિક ચતુર્વર્ણને બદલે ત્યાંના સમાજમાં આર્ય અને દાસ એવા બે વર્ણ હતા. કમ્બોજ લોકોની ભાષા બીજા આર્યો કરતાં જુદી હતી. કૌટિલ્યના સમયમાં કમ્બોજના ઘોડા ઘણા સારા ગણાતા. બારમી સદીમાં કલ્હણના સમયમાં પણ ત્યાંના ઘોડા વખણાતા હતા. ‘અર્થશાસ્ત્ર’માં જણાવ્યા મુજબ, ત્યાંના ક્ષત્રિયો ખેતી અને વેપાર કરતા તથા શસ્ત્રો વાપરવામાં હોશિયાર હતા.

જયકુમાર ર. શુક્લ