કમ્બાઇન : ખેતીમાં લણવાની તથા અનાજના દાણા છૂટા પાડવાની એમ બે ક્રિયાઓ સંયુક્ત રીતે કરી આપતું યંત્ર. ઘોડાથી ખેંચાતું પ્રાથમિક પ્રકારનું આવું યંત્ર 1836માં ઉપયોગમાં આવેલું, પણ ટ્રૅક્ટરથી ખેંચાતાં કમ્બાઇન ઉપલબ્ધ થયાં ત્યાં સુધી (1930) આ યંત્રો સામાન્ય વપરાશમાં આવેલાં નહિ. સ્વચાલિત 2.5થી 5.5 મી.ના પટામાં કામ કરતાં કમ્બાઇન યંત્ર દસકા પછી વપરાશમાં આવ્યાં.

આ યંત્રનો એક ભાગ ઓછામાં ઓછું પરાળ આવે તે રીતે ડૂંડાંને કાપી નાખીને દાણા છૂટા પાડવાના ભાગમાં ધકેલે છે. અહીંયાં ડૂંડાંને એક નળાકાર અંતર્ગોળ (concave) સપાટી વચ્ચે મસળે છે, જેથી દાણા છૂટા પડે છે. હવાના જોરદાર પ્રવાહ (blast) વડે કચરો અલગ કરીને અનાજ એકઠું કરાય છે. છૂટા પડેલા દાણાને એલિવેટરથી સ્ટોરેજ ટકમાં મોકલવામાં આવે છે અને કમ્બાઇનના પાછળના ભાગમાં પરાળની ગાંસડીઓ બંધાય છે. તેમાં સીધા ચઢાણવાળી જમીન પર પણ કામ આપી શકે તેવી યાંત્રિક રચના હોય છે. આ યંત્રો યુ.એસ.નાં વિશાળ ખેતરોમાં વધુ વપરાશમાં છે. અન્ય સ્થળે પણ તેનો વપરાશ થવા માંડેલ છે.

વાસુદેવ યાજ્ઞિક