કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ તિરુનેલવેલી જિલ્લો, વાયવ્ય તરફ કેરળ રાજ્ય, પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર, દક્ષિણ તરફ હિન્દી મહાસાગર તથા પશ્ચિમ તરફ અરબી સમુદ્ર આવેલા છે. આ જિલ્લાને 68 કિમી. લંબાઈનો ખાંચાખૂંચી વિનાનો દરિયાકિનારો મળેલો છે. જિલ્લાના દક્ષિણભાગમાં આવેલું નાગરકૉઇલ તેનું જિલ્લામથક છે. આ જિલ્લાનું પ્રવેશદ્વાર આરબોલીઘાટ છે. જિલ્લાનું નામ અહીંના કન્યાકુમારીના મંદિર (માતા પાર્વતીનું કુમારિકા સ્વરૂપ તે કન્યાકુમારી) પરથી પડેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ – પહાડીપ્રદેશ, નીચાણવાળી ભૂમિ અને અસમતળ ખીણપ્રદેશ જેવા ત્રણ કુદરતી વિભાગોથી બનેલું છે. જિલ્લાનો ઈશાન ભાગ પહાડી છે. દરિયાકિનારા નજીકનો નીચાણવાળો ભૂમિભાગ સમતળ અને ફળદ્રૂપ છે. આ બે કુદરતી વિભાગો વચ્ચે અસમતળ ખીણવિભાગ આવેલો છે. જિલ્લાનો પ્રાદેશિક ઢોળાવ એકંદરે જોતાં પૂર્વથી પશ્ચિમ તરફનો છે. જિલ્લાની જમીનો પહાડી તળેટીમાં કંકરવાળી, કિનારા નજીક રેતાળ અને વચ્ચે લાલ રંગની ગોરાડુ પ્રકારની છે. ઈશાન વિભાગનો પહાડી પ્રદેશ 1,320 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં આવેલાં છૂટાં છૂટાં શિખરો પૈકી મહેન્દ્રગિરિ શિખર 1,628 મીટરની ઊંચાઈવાળું છે. ખીણપ્રદેશના વિભાગમાં થોડીક નાની નદીઓ પશ્ચિમ તરફ વહે છે.
જળપરિવાહ : જિલ્લામાં વહેતી નદીઓ મુદતી અને ટૂંકી છે. મહેન્દ્રગિરિ પર્વતમાંથી નીકળતી પરલાયર નદી નૈર્ઋત્ય તરફ 37 કિમી. વહ્યા પછી તિરુવટ્ટર નજીક કોટાયર નદીને મળે છે અને ત્યાંથી તે તામ્બરપર્ણી (અથવા કુઝિટ્ટુરાયારુ) નામથી ઓળખાય છે. આ નદીની કુલ લંબાઈ આશરે 60 કિમી જેટલી છે, તે તેંગાઈપટ્ટિનમ્ ખાતે સમુદ્રને મળે છે. આ જિલ્લામાં કેટલાંક સરોવરો તેમજ ખાડીસરોવરો પણ આવેલાં છે; આ પૈકીનાં પેચીપરાઈ, પેરુંચાની અને મકાદલ નામનાં માનવસર્જિત ત્રણ સરોવરો મીઠા પાણીનાં છે; જ્યારે મનાકુડી અને તેંગાઈપટ્ટિનમ્ નામનાં બે સરોવરો ખારા પાણીનાં છે. 68 કિમી. લાંબો દરિયાકિનારો લગભગ નિયમિત આકારવાળો છે, માત્ર કન્યાકુમારી, મુત્તમ્ અને એશયાનથુરાઈ ખાતે તે સમુદ્રપ્રવેશ કરતાં શિખાગ્રભાગ રચે છે.
જંગલો : જિલ્લાનો આશરે 33 % જેટલો વિસ્તાર જંગલોવાળો છે. જંગલોમાં સાગ, વાંસ અને રોઝવૂડ જેવાં વૃક્ષો થાય છે. તેનાં લાકડાં ઇમારતી બાંધકામ, ખેતીનાં ઓજારો બનાવવામાં તથા રાચરચીલામાં ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત અહીં ચંદન, રબર, ચા અને આદુંનું વાવેતર મોટા પાયા પર કરવામાં આવે છે. જિલ્લાનું અર્થતંત્ર મોટેભાગે રબરના વાવેતર પર આધારિત રહે છે. વધુ ભૂમિ જંગલવિસ્તાર હેઠળ લાવવા માટે વનવિકાસનું આયોજન થઈ રહ્યું છે.
ખેતી–પશુપાલન : અહીં ડાંગર, નાળિયેરી, કેળાં અને ટેપિયોકાનું વાવેતર થાય છે. સરકારી નહેરો અને તળાવો ખેતી માટે સિંચાઈના સ્રોત બની રહેલાં છે. આ ઉપરાંત ટ્યૂબવેલનો પણ ઉપયોગ થાય છે.
જિલ્લાના મુખ્ય પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ભુંડ અને મરઘાં-બતકાંનો સમાવેશ થાય છે. જિલ્લામાં આશરે 60 જેટલી પશુસંસ્થાઓ આવેલી છે, બે કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો છે તથા એક મરઘાં-બતકાં-વિસ્તરણ કેન્દ્ર છે. દરિયાકિનારે આશરે 42 જેટલાં માછીમારી-કેન્દ્રો આવેલાં છે. ચાર જળાશયોમાં મત્સ્ય-ઉછેર થાય છે. માછીમારી માટે રાહતદરે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જિલ્લામાં આશરે 40 જેટલી દરિયાઈ માછીમાર સહકારી સોસાયટીઓ, 10 જેટલી ભૂમિસ્થિત માછીમાર સહકારી સોસાયટીઓ, 1 મત્સ્ય-ઉત્પાદન-વેચાણ સોસાયટી, 2 માર્કેટિંગ સંઘ તથા એક જિલ્લા માછીમાર સહકારી ફેડરેશન અને એક નાવનિર્માણ સોસાયટી સ્થાપવામાં આવેલાં છે.
ઉદ્યોગ–વેપાર : અગાઉ આ જિલ્લામાં કોઈ મહત્વના ઉદ્યોગો અસ્તિત્વ ધરાવતા ન હતા, માત્ર નાના પાયા પરના ઉદ્યોગો તથા કુટીરઉદ્યોગો જ હતા. આજે અહીં મનાવલાકુરિચી ખાતે ઇન્ડિયન રેર અર્થ ફૅક્ટરી, નાગરકૉઇલ અને અરાલ્વોઇમોળી ખાતે સ્પિનિંગ મિલો તથા પલાવિલાઈ ખાતે વિજયલક્ષ્મી કૅશ્યૂ કંપની કાર્યરત છે. જિલ્લાનાં સાત જુદાં જુદાં સ્થળોમાં ટુવાલ, ધોતી અને સાડી બનાવતા હાથસાળ કુટીરઉદ્યોગો ચાલે છે. આ ઉપરાંત કાથીકામ અને મધપ્રક્રમણ પણ થાય છે. જિલ્લામાંથી માછલી, નાળિયેર, ટર્કિશ ટુવાલ, ધોતી, કોપરાની પેદાશો તથા કિનારા પરની મોનેઝાઇટ-ઇલ્મેનાઈટ રેતીની નિકાસ થાય છે; જ્યારે ઘઉં તથા અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓની આયાત થાય છે.
પરિવહન : જિલ્લામાં હવાઈ સેવાની સુવિધા ઉપલબ્ધ નથી, આ માટે તિરુવનંતપુરમ્(કેરળ)ના હવાઈ મથકનો ઉપયોગ થાય છે. કન્યાકુમારી બ્રૉડગેજ રેલમાર્ગ દ્વારા જિલ્લામથક નાગરકૉઇલ તિરુવનંતપુરમ્ અને તિરુનેલવેલી સાથે જોડાયેલું છે. આ સ્ટેશન દક્ષિણ ભારતીય રેલમાર્ગનું અંતિમ સ્ટેશન છે. જિલ્લામાં સારા પાકા સડકમાર્ગો છે; આશરે 62 કિમી. લંબાઈનો ટ્રંક રોડ ચેન્નાઈથી નાગરકૉઇલ અને તિરુવનંતપુરમ્ સુધી જાય છે. અહીંના રસ્તાઓ માટે બસપરિવહન સેવા ઉપલબ્ધ છે. કોલાચેલ ખાતે કુદરતી બંદરની સગવડ છે.
પ્રવાસન : કન્યાકુમારી એ તામિલનાડુ રાજ્યનો નાનામાં નાનો જિલ્લો હોવા છતાં તેમાં મહત્વનાં ઘણાં પ્રવાસ-મથકો આવેલાં છે.
1. વિવેકાનંદ મેમોરિયલ : મહાસાગરનાં જળરાશિમાંથી બહાર ઊપસી આવેલા બે ખડકભાગો અહીં આવેલા છે, વિવેકાનંદ મેમોરિયલ તે પૈકીનો એક છે, જ્યાંથી ભારતનો ભૂમિછેડો જોઈ-માણી શકાય છે. આ ખડકભાગ પર સ્વામી વિવેકાનંદ 1892માં જ્યારે તેઓ કન્યાકુમારીની મુલાકાતે ગયેલા ત્યારે લાંબા સમય માટે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા. વિવેકાનંદની આ સ્મૃતિને જાળવી રાખવાના આશયથી 1970માં અહીં ભારતની બધી જ સ્થાપત્યશૈલીનો સુભગ સમન્વય કરીને ‘વિવેકાનંદ રૉક મેમોરિયલ’નું નિર્માણ કરવામાં આવેલું છે. આ ઇમારતની અંદર સ્વામી વિવેકાનંદનું પૂતળું પ્રસ્થાપિત કરાયું છે, તે ઉપરાંત દેવી કુમારિકાનાં પગલાં પણ અહીં જોવા મળે છે. આ સ્થાનકે જવા-આવવા માટે નાવસેવાનો પ્રબંધ પણ કરેલો છે. આ ઉપરાંત અહીં નજીકમાં જ જાણીતી કૃતિ ‘થિરુક્કુરલ’ના રચયિતા તમિળ સંત થિરુવલ્લુવરનું બાવલું સ્થાપિત કરવાનું પણ તમિલનાડુ સરકારનું આયોજન છે.
2. સુચિન્દ્રમ્ : નાગરકૉઇલથી કન્યાકુમારી જતા માર્ગ પર પાંચ કિમી. અંતરે આવેલું નાનું ગામ. અહીં સ્થાણુમલય પેરુમલને અર્પિત એક સુંદર, પવિત્ર પ્રાચીન મંદિર આવેલું છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનું પૂજન થાય છે. એપ્રિલ અને ડિસેમ્બરમાં અહીં દર વર્ષે ઊજવાતા ઉત્સવમાં ઘણા યાત્રિકો આવે છે. કહેવાય છે કે ગૌતમ ઋષિનાં પત્ની સતી અહલ્યા સાથે ખરાબ વર્તન કરવા માટે ઇન્દ્રને ઋષિના શાપમાંથી આ સ્થળે મુક્તિ અને પવિત્રતા મળેલી, તે કારણે આ મંદિરનું અને સ્થળનું નામ સુચિન્દ્રમ્ પડેલું હોવાની વાયકા ચાલે છે. સ્વયં ઇન્દ્રે આભારની લાગણી વ્યક્ત કરવાના આશયથી આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે.
3. પદ્મનાભપુરમ્ : ઈ. સ. 133 સુધી રહેલું જૂના ત્રાવણકોર રાજ્યનું પાટનગર. આ સ્થળ નાગરકૉઇલ–તિરુવનંતપુરમ્ માર્ગ પર આવેલું છે. ત્રાવણકોરના મહારાજાનો છ એકરમાં પથરાયેલો જૂનો મહેલ પણ અહીં આવેલો છે. કિલ્લામાં રામસ્વામી અને નીલકંઠસ્વામીનાં બે મંદિરો છે. રામસ્વામી મંદિરમાં 45 પટ્ટિકાઓ પર રામાયણનાં ર્દશ્યો કંડારાયેલાં નજરે પડે છે, એ રીતે જોતાં આ મહેલ કલા અને સ્થાપત્યની ર્દષ્ટિએ ઊંચું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત આ મહેલમાં સ્થાનિક લુહારે બનાવેલું આશરે 400 વર્ષથી વધારે જૂનું એક ઘડિયાળ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે.
4. થિરુવટ્ટર : થકલાઈથી આશરે 11 કિમી અંતરે થિરુવટ્ટર નદીકાંઠે આવેલું નાનું ગામ. આદિકેશવ મંદિરનું આ મથક ગણાય છે અને વૈષ્ણવોનાં 13 પવિત્ર સ્થળો પૈકીનું એક છે. આ મંદિર આશરે 1100 વર્ષ અગાઉ બંધાયેલું છે અને તેમાં ચોલા અને ત્રાવણકોરના કેટલાક રાજાઓનો સંબંધ દર્શાવતા અતિમૂલ્યવાન ગણાતા અભિલેખો જોવા મળે છે. મંદિરના અંદરના ભાગમાં ભીંતો પર તૂટક સ્થિતિમાં 17મી સદી સુધીનાં જૂનાં ભિત્તિચિત્રોના અવશેષો પણ નજરે પડે છે. કેટલીક રચનાઓ કાષ્ઠકોતરણીથી શણગારેલી હોવાનું પણ જણાય છે.
5. ઉદયગિરિ કિલ્લો : આ કિલ્લો નાગરકૉઇલથી 14 કિમી. અંતરે આવેલો છે. ત્રાવણકોરના શાસકોના સમયમાં જ્યારે પદ્મનાભપુરમ્ પાટનગર હતું ત્યારે આ સ્થળ ઘણું અગત્યનું લશ્કરી મથક હતું. એમ કહેવાય છે કે આ કિલ્લો મૂળ 1600ના વર્ષમાં બંધાયેલો, પછીથી માર્તંડ વર્માએ તેનું પુનર્નિર્માણ કરાવેલું. કિલ્લા વિશે એક એવો ઉલ્લેખ મળે છે કે કિલ્લામાં રખાયેલી 4.80 મીટર લાંબી પિત્તળની તોપને 16 હાથી સહિત 1,200 વ્યક્તિઓ પણ થોડા અંતર માટે ખેસવી શક્યા નહોતા. 19મી સદીના મધ્યકાળ સુધી ઈસ્ટ ઇંડિયા કંપનીનાં દળોનો તેમાં મુકામ રહેલો. આશરે 90 એકર વિસ્તારમાં પથરાયેલો આ કિલ્લો 78 મીટર ઊંચી ટેકરી પર હોવાથી ત્યાંથી આજુબાજુનો ઘણો મોટો વિસ્તાર જોઈ શકાય છે. આ કિલ્લામાં થોડાઘણા પ્રમાણમાં ખંડિયેર બનેલા દેવળમાં ડેલીનૉય, તેની પત્ની અને પુત્રની કબરો પણ જોવા મળે છે.
6. ગોળાકાર કિલ્લો (વટ્ટાકોટ્ટાઈ) : કન્યાકુમારીથી 6 કિમી. અંતરે આવેલો, 18મી સદીનો આ કિલ્લો ખરેખર જોવાલાયક છે. તેના પરથી દરિયાનું ર્દશ્ય સારી રીતે દેખાય છે. આજે આ સ્થળ ઉજાણીનું મથક બની રહેલું છે.
7. કોલાચેલ : નાગરકૉઇલથી પશ્ચિમ તરફ આશરે 22 કિમી અંતરે આવેલું દરિયાકિનારા પરનું નગર. 16મીથી 18મી સદી સુધી દરમિયાન તે યુરોપિયન વેપારીઓની અવરજવરનું બંદર રહેલું. ડચ અને અંગ્રેજ વેપારીઓ અહીં વેપારની ચીજવસ્તુઓની પતાવટ કરતા. 1741ના ઑગસ્ટમાં અહીં થયેલા નૌકાયુદ્ધમાં માર્તંડ વર્માએ ડચ લોકોને જબરદસ્ત હાર આપેલી. આ જીતની યાદમાં આ સ્થળ પર એક સ્તંભ ઊભો કરેલો છે. આજે આ સ્થળેથી રેસા, ખનિજ-રેતી, માછલીઓ અને મીઠાની નિકાસ થાય છે. પૉર્ટ એડવાઇઝરી કમિટી દ્વારા અહીં કોલાચેલના કુદરતી બારાના વિકાસ અર્થે જહાજવાડો તૈયાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કન્યાકુમારી : કન્યાકુમારી તેના અનોખા સ્થાનને કારણે ભારતભરમાં એક પ્રવાસ-મથક તરીકે જાણીતું બનેલું છે. ભારતીય દ્વીપકલ્પનો તે એક એવો છેડો છે જ્યાં હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરનો સંગમ થાય છે. એ રીતે તે ભારતનાં મહત્વનાં યાત્રાસ્થળો પૈકીનું એક બની રહેલું છે. અહીંનો રંગબેરંગી રેતી ધરાવતો સમુદ્રકંઠારપટ સુંદર ર્દશ્ય ઊભું કરે છે. પૂર્ણિમાને દિવસે પૂર્વમાં ઊગતો ચંદ્ર અને પશ્ચિમમાં આથમતો સૂર્ય એકસાથે જોવાનો લહાવો મળે છે.
અહીંનું કન્યાકુમારીનું મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે. અહીં દર વર્ષે મે માસમાં ઊજવાતા ઉત્સવ વખતે પ્રવાસીઓ અને યાત્રિકોની ભીડ રહે છે. આ મંદિર એકતા અને પવિત્રતાનું પ્રતીક છે. મહાત્મા ગાંધીની સ્મૃતિમાં અહીં 1956માં બાંધવામાં આવેલો ગાંધીમંડપ અત્યંત મોહક છે. ગાંધીજીની ચિતાની ભસ્મ સમુદ્રમાં પધરાવી તે અગાઉ તેનો કુંભ અહીં અંજલિ આપવા માટે રખાયેલો. જે સ્થાને આ કુંભ રખાયેલો, ત્યાં 2જી ઑક્ટોબરના રોજ સૂર્યકિરણો પડે એ રીતે આ ઇમારતનું બાંધકામ-સ્થાપત્ય કરાયેલું છે.
અહીં કુમારી મૅરીને અર્પિત રોમન કૅથલિક ચર્ચ આવેલું છે. તે 16મી સદીમાં સંત ફ્રાન્સિસ ઝેવિયરના ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બાંધવામાં આવેલું.
કન્યાકુમારી ખાતે તાડનાં વૃક્ષોનાં પાંદડાંઓમાંથી જાત જાતની ચીજવસ્તુઓ બનાવાય છે. નાગરકૉઇલથી કન્યાકુમારી જતા માર્ગ પર આશરે 2 કિમી. જેટલા અંતરે ફળ-સંશોધન-મથક આવેલું છે. 1922માં ત્રાવણકોરના શાહી કુટુંબ તરફથી તે શરૂ કરવામાં આવેલું.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 18,63,174 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 80 % અને 20 % જેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 75 % જેટલું છે. જિલ્લામાં તમિળ, મલયાળમ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં પ્રાથમિક શાળાથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ સારું છે. જિલ્લાનાં અગત્યનાં સ્થળોમાં ઉચ્ચ શિક્ષણ માટેની તેર જેટલી કૉલેજો આવેલી છે. અહીં હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ લોકોની સંખ્યા વિશેષ છે, જ્યારે જૈન, શીખ તેમજ બૌદ્ધોની નહિવત્ છે. વહીવટી અનુકૂળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 94 (9 વસ્તીવિહીન) ગામો આવેલાં છે.
ઇતિહાસ : અગાઉ આ જિલ્લો ત્રાવણકોર રાજ્યનો ભાગ હતો, પણ ભાષાવાર પ્રાંતરચનાને કારણે તમિળવસ્તી અહીં વિશેષ હોવાથી તેને તામિલનાડુ રાજ્ય સાથે જોડવામાં આવ્યો છે.
શિવપ્રસાદ રાજગોર
મહેશ મ. ત્રિવેદી
ગિરીશભાઈ પંડ્યા