કન્યા : ન્યાયની દેવી વર્જિનનું આકાશી સ્થાન દર્શાવતું – કન્યા-રાશિનું – એક મોટું તારકમંડળ. એનો કેશમંડળ તરફનો ઉત્તર વિભાગ તારાવિશ્વોથી ભરપૂર છે. કલ્પનામાં પણ ન આવે તેવો એ તારાવિશ્વોનો જમાવ છે. ત્યાં તારાવિશ્વોનાં જૂથનાં પણ જૂથ છે. તારાવિશ્વોની સાંદ્રતા 2,500ની સંખ્યા દર્શાવે છે.

કન્યાનો મુખ્ય તારો ચિત્રા સૂર્યની સરખામણીમાં 1,000 ગણું તેજ દાખવતો ગરમ જ્યોતિ છે. અત્યંત સુંદર હોવા ઉપરાંત શ્વેતચિત્રા ગ્રહણકારી, રૂપવિકારી યુગ્મક પણ છે. આ યુગ્મકનો પરિક્રમણકાળ 4 દિવસનો છે.

ચિત્રા નક્ષત્ર છે. તેના પરથી ચૈત્ર માસનું નામ પડેલું છે.

કન્યા રાશિનો ग તારો પણ એકસરખા ઘાટઘૂટવાળા બે તદ્દન સરખા તારાનો બનેલો યુગ્મતારો છે, જેના સાથીદાર 90-90 વર્ષના આંતરે વધુ નજદીક તેમજ વધુ દૂર રહે છે. 2015માં તે વધુ ભેગા થયેલા દેખાશે.

ચિત્રા A પ્રબળ રેડિયો વિકિરણનો સ્રોત છે.

ચિત્રાથી સહેજ છેટે આકાશી વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત મળે છે. એ સંગમબિંદુનું નામ શરદસંપાત છે.

છોટુભાઈ સુથાર