કન્યાશુલ્કમુ (1897) : સામાજિક તેલુગુ નાટક. તેના લેખક ગુરજાડા અપ્પારાવ આધુનિક તેલુગુ સાહિત્યના પ્રવર્તક વીરેશલિંગમ્ જેવા સુધારક હતા. આ નાટકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં, સમાજસુધારાના આંદોલનને શક્તિશાળી બનાવવા અને તેલુગુ ભાષાના નાટકની રચનાને સાર્થક ઠરાવવા, આ નાટકની રચના કરવામાં આવી છે એવું જણાવ્યું હતું. આ નાટકમાં વૃદ્ધ વર સાથે નાની વયની કન્યાને પરણાવવાના દુ:ખદ પરિણામનું આલેખન છે. દહેજ આપી કન્યા માટે વર લવાય છે તેમ પૈસા  ધન આપી વર માટે કન્યા લાવવાની પ્રથા પણ સમાજમાં પ્રચલિત છે. ગરીબ માબાપ ધન લઈ પોતાની કન્યાને ધનવાન બુઢ્ઢા સાથે પરણાવે છે. આને ‘કન્યાશુલ્ક’ કહેવાયું છે. આ નિંદ્ય પરંપરાને કારણે સ્ત્રીના જીવનને ભયાનક આઘાત લાગે છે. બુચ્ચમ્મા અને મીનાક્ષીનાં પાત્રો દ્વારા લેખકે આ વિશે માર્મિક આલેખન કર્યું છે. નાટકની ભાષામાં અંગ્રેજી શબ્દો ઠીક પ્રમાણમાં વપરાયા છે. અમુક સ્થાને લાંબાં ભાષણો છે. વળી તેમાં હાસ્યરસનું સારું પ્રમાણ છે. આ નાટકનાં બે પાત્રો ગિરીશમુ અને મધુરવાણી તેલુગુ સાહિત્યમાં ચિરંજીવ બન્યાં છે. આ મહત્વના મૌલિક સામાજિક નાટકમાં વાસ્તવલક્ષી શૈલી વપરાઈ છે, તે તેની સફળતાનું રહસ્ય છે.

કૃષ્ણવદન જેટલી