કનિષ્ક (ઈ. સ. 78ની આસપાસ) : ઉત્તર ભારત અને મધ્ય એશિયામાં આણ પ્રવર્તાવનાર, બૌદ્ધ ધર્મનો આશ્રયદાતા, શક સંવતની સ્થાપના કરનાર કુશાણ વંશનો મહાન સમ્રાટ. તેના શાસનકાળનો સમય નિશ્ચિત નથી. કેટલાકના મતે તે ઈ. સ. 78માં ગાદીએ બેઠો અને 23 કે 24 વર્ષ રાજ્ય કર્યું અને શક સંવત તેણે પ્રવર્તાવ્યો. ફ્લીટ વગેરે માને છે કે તે કડફીસેસ પહેલા અને બીજાનો પુરોગામી હતો અને ઈ. પૂ. 58માં ગાદીએ બેઠો અને વિક્રમ સંવત પ્રવર્તાવ્યો. કેટલાક એવો તર્ક કરે છે કે બે કનિષ્ક થયા અને તે ત્રીજી શતાબ્દીમાં 248 કે 278માં ગાદીએ બેઠો. મથુરાના શિલાલેખની લિપિ ગુપ્તકાલીન લિપિને મળતી છે. મોટાભાગના વિદ્વાનો બીજી શતાબ્દીમાં એટલે કે ઈ. સ. 130 સુધીમાં તે રાજ્ય કરતો હતો એમ માને છે.

કનિષ્કની ખંડિત પ્રતિમા

પૂર્વમાં ગંગાની ખીણ(બિહાર)થી પશ્ચિમે ખોરાસાનના બુખારા સુધી અને ઉત્તરમાં ખોતાન(પામીર)થી દક્ષિણમાં મધ્યભારત સુધી તેનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. ભારતના મધ્યદેશ, ઉત્તરાપથ, અપરકેત અને કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાન, ખોતાન, કાશગર અને યાશ્કંદનાં નગર-રાજ્યો તેના સામ્રાજ્યમાં હતાં. સિંધ, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર પણ તેના પ્રભાવ નીચે હતાં. કલ્હણની ‘રાજતરંગિણી’ તથા બૌદ્ધ પરંપરા પ્રમાણે કાશ્મીર અને તેની પૂર્વે આવેલો પ્રદેશ (ચિનાઈ તુર્કસ્તાન) તેના શાસન નીચે હતો. તેણે પાર્થિયા, ચીન અને તિબેટ ઉપર ચડાઈ કરી હતી. હ્યુએનસંગના મત અનુસાર તેનો સૂબો સુંગલિંગ પર્વતમાળાની બીજી બાજુ આવેલા કુચા અને કરશહેર જીતીને કાસ્પિયન સમુદ્ર સુધી પહોંચ્યો હતો. તિબેટી અને ચીની લેખકોએ સાકેત અને પાટલિપુત્ર ઉપરની ચડાઈનો ઉલ્લેખ કર્યો છે. ઉત્તરાવસ્થામાં તેણે ચીની રાજકુમારીના હાથની માગણી કરી હતી. તે નકારાતાં કનિષ્કે 70,000નું સૈન્ય મોકલી ચીન ઉપર ચડાઈ કરી હતી. ઘાટો ઓળંગતાં ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને તેથી તેની હાર થઈ હતી. તેના રાજ્યની વૃદ્ધિ શાસનનાં શરૂઆતનાં ત્રણ વરસોમાં થઈ હતી.

મહાક્ષત્રપ, ક્ષત્રપ, મહાદંડનાયક, ગ્રામિક, ગ્રામકૂટક, ગ્રામવૃદ્ધ પુરુષ વગેરે અધિકારીઓ તેના તંત્રવાહકો હતા. તેનો પ્રધાન માથર કુશાગ્ર બુદ્ધિનો હતો.

મધ્ય એશિયા અને ચીન સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ, ખરોષ્ઠી લિપિ અને પ્રાકૃત ભાષાના ફેલાવાની શરૂઆત થઈ હતી. તેના શાસન દરમિયાન ઈરાન, ગંધાર કે કાશ્મીરમાં બૌદ્ધ ધર્મગ્રંથોની પ્રમાણભૂત વાચના તૈયાર કરવા વસુમિત્રના અધ્યક્ષપણા નીચે ચોથી ધર્મપરિષદ મળી હતી. તેમાં અશ્વઘોષ ઉપાધ્યક્ષ હતા. પેશાવરમાં અને અન્યત્ર વિહારો, ચૈત્યો તેણે બંધાવ્યાં હતાં.

તે ઉદારમતવાદી હતો. તેના સિક્કા ઉપર હિંદુ, બૌદ્ધ, ગ્રીક, સુમેરિયન, એલેમાઇટ અને પારસી દેવદેવીઓ જેવાં કે શિવ, શાક્ય-મુનિ બુદ્ધ, વાયુદેવ, આતશ, મિત્ર કે મિથ્ર, યુદ્ધદેવતા બહરામ, નૈના દેવી, ચંદ્ર વગેરેની મુદ્રાઓ અંકિત છે. આથી સૂચિત થાય છે કે તેના રાજ્યમાં અનેક ધર્મના લોકો વસતા હશે. તેના કેટલાક સિક્કા તેના રાજ્ય બહાર બંગાળ અને ઓરિસામાંથી મળ્યા છે. સિક્કા ઉપર ગ્રીક લિપિ છે.

તે વિદ્વાનો અને કલાકારોનો આશ્રયદાતા હતો. પાટલિપુત્રથી ‘બુદ્ધચરિત’ મહાકાવ્ય અને બીજાં નાટકોના લેખક અશ્વઘોષને તે લઈ ગયો હતો. પાર્શ્વ, વસુમિત્ર અને અશ્વઘોષ જેવા તત્વવેત્તાઓ, ચરક જેવા વૈદકશાસ્ત્રના પિતા તથા ગ્રીક ઇજનેર અગેસિયસ તેની સભા શોભાવતા હતા. મહાયાન ગ્રંથનો પ્રવર્તક નાગાર્જુન તેનો સમકાલીન હતો. સંઘધર્મરક્ષક તેનો ધર્મપ્રબોધક હતો. તેનું ‘માર્ગભૂમિસૂત્ર’ ચીની ભાષામાં સચવાઈ રહ્યું છે. તે સમયના ગ્રંથો ચીની ભાષામાં જ સચવાયા છે.

તેના શાસન દરમિયાન રોમ સાથેનો સંપર્ક વધતાં વેપારઉદ્યોગની વૃદ્ધિ થઈ હતી. પૂર્વ અને પશ્ચિમની વિચારધારાઓનો વિનિમય પણ થયો હતો. બુદ્ધની ગાંધાર શૈલીની મૂર્તિઓ ગ્રીક અસર સૂચવે છે. તેણે કનિષ્કપુર અને બીજાં બે નગરો વસાવ્યાં હતાં. તેની માથા વિનાની મૂર્તિ મથુરાના સંગ્રહસ્થાનમાં તેના સિક્કા સાથે સચવાયેલી છે.

રસેશ જમીનદાર

શિવપ્રસાદ રાજગોર