કનિષ્કપુર : કુશાન સમ્રાટ કનિષ્ક પહેલાએ બંધાવેલું નગર. તે શ્રીનગરની દક્ષિણે સોળ કિલોમિટરના અંતરે આવેલું કનિખપુર અથવા કામપુર હોવાનું જણાય છે. બૌદ્ધ સંઘની ચોથી સંગીતિ (પરિષદ) કનિષ્કે અહીં યોજી હતી, જેના અધ્યક્ષપદે પ્રખર વિદ્વાન વસુમિત્ર હતા અને ઉપાધ્યક્ષપદે પ્રસિદ્ધ કવિ અશ્વઘોષ હતા. આ સંગીતિમાં 500 પંડિતોએ ભાગ લીધો હતો અને ત્રિપિટકનો પ્રમાણભૂત પાઠ તથા મહાવિભાષા તૈયાર કર્યાં હતાં. બૌદ્ધ સંઘમાં મહાયાન નામે સુધારક સંપ્રદાયને આ વખતે પ્રતિષ્ઠા મળી. આમ બૌદ્ધ ધર્મમાં કનિષ્કપુરનું મહત્વનું સ્થાન હતું.

રસેશ જમીનદાર