કનિંગહૅમ, ઍલેક્ઝાંડર (સર) (જ. 23 જાન્યુઆરી 1814, લંડન; અ. 28 નવેમ્બર 1893, લંડન) : ભારતીય પુરાતત્ત્વ ખાતાના પ્રથમ વડા તથા પ્રાચ્યવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર અને પુરાવસ્તુવિદ્યાના જાણીતા વિદ્વાન. 1833માં ભારતના ભૂમિસૈન્યમાં ઇજનેર તરીકે જોડાયા તથા 1861માં મેજર જનરલના ઉચ્ચ હોદ્દા સાથે લશ્કરની સેવામાંથી નિવૃત્ત થયા.
ભારત સરકાર હેઠળની તેમની સેવાના કાર્યકાળ દરમિયાન 1836-40ના ગાળામાં તે ભારતના ગવર્નર-જનરલ ઑકલૅન્ડના એ. ડી. સી. તરીકે રહ્યા અને તે પછી 1861 સુધી જાહેર બાંધકામ ખાતામાં તેમણે જુદા જુદા ઉચ્ચ હોદ્દા પર કાર્ય કર્યું. ભારતીય પુરાતત્ત્વ ખાતાના વડા તરીકે 1885માં નિવૃત્ત થયા પછી ભારતીય સિક્કાશાસ્ત્ર પર તેમણે બે ગ્રંથ લખ્યા. 1887માં બ્રિટિશ સરકારે તેમને ઉમરાવપદ બહાલ કર્યું.
સુવિખ્યાત બ્રિટિશ સિક્કાશાસ્ત્રી જેમ્સ પ્રિન્સેપની પ્રેરણાથી ભારતીય ઇતિહાસ તથા સિક્કાશાસ્ત્રમાં રસ જાગ્યો. 1837માં વારાણસી નજીક આવેલા પવિત્ર સારનાથના બૌદ્ધ મંદિરના મૂળ સ્થાનનું ઉત્ખનન કર્યું અને તેની વાસ્તુકલા પર નિબંધ તૈયાર કર્યો. 1850માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આશરે 40 કિમી. અંતરે આવેલ સાંચીના બૌદ્ધ સ્તૂપનું ઉત્ખનન કરી તેના પર પુસ્તક તૈયાર કર્યું. 1848માં કાશ્મીરનાં મંદિરોના વાસ્તુશિલ્પ તથા 1854માં લડાખના વાસ્તુશિલ્પનો ઊંડો અભ્યાસ કર્યો. 1861માં ભારતીય પુરાતત્ત્વ ખાતાની સ્થાપના થતાં ભારત સરકારે તેમની તેના વડા તરીકે વરણી કરી. તે હોદ્દા પર 1865 સુધી તથા ફરી 1870-85 સુધી તેમણે કામ કર્યું. (1865-70 દરમિયાન આ ખાતું બંધ કરવામાં આવ્યું હતું.) આ પદ પરની તેમની કારકિર્દી દરમિયાન ઉત્તર ભારતના ઘણા ઐતિહાસિક ભગ્નાવશેષોનું તેમણે પુરાતત્ત્વીય અન્વેષણ હાથ ધર્યું તથા ખાસ કરીને તે વિસ્તારના બૌદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરી બૌદ્ધ ધર્મના ઇતિહાસની કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો. ઉપરાંત સમ્રાટ અશોકના લગભગ બધા અભિલેખો એકત્રિત કરીને તેનો સંપાદિત ગ્રંથ પ્રકાશિત કર્યો.
સિક્કાશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા આ વિદ્વાને ભારતના ઘણા પ્રાચીન સિક્કાનો સંગ્રહ કર્યો; એમાંના ખાસ પસંદ કરેલા કેટલાક સિક્કા હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ ભિલ્સા ટૉપ્સ’ (1854) છે જે સ્થાપત્ય અવશેષો પરથી બૌદ્ધ ધર્મના ઇતિહાસની ઝીણવટભરી તપાસ કરવાનો પ્રથમ નક્કર પ્રયાસ ગણાય છે. ‘એન્શિયન્ટ જિયૉગ્રફી ઑવ્ ઇન્ડિયા’ – વૉ. 1, ‘ધ બુદ્ધિસ્ટ પિરિયડ’ (1871), ‘કોર્પસ – ઇન્સ્ક્રિપ્શન્સ’ (1877), ‘કૉઇન્સ ઑવ્ ઇન્ડિયા’ (1891), ‘એન્શિયન્ટ જિયૉગ્રફી ઑવ્ ઇન્ડિયા’ વૉ. 2 (1891), ‘બુક ઑવ્ ઇન્ડિયન ઇરાઝ’ (1883), ‘કૉઇન્સ ઑવ્ ઇન્ડો સિથિયન્સ’ (1893) તથા ‘કૉઇન્સ ઑવ્ મિડીવલ ઇન્ડિયા’ (1893) વિશેષ નોંધપાત્ર છે. આ ઉપરાંત 1862-85 દરમિયાન તેમણે આર્કિયૉલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયા, રિપોર્ટ : વૉ. 1-3, 5, 9-11, 14-17, 20 અને 21 તૈયાર કર્યા હતા.
ભારતી શેલત
શિવપ્રસાદ રાજગોર