કનિંગહૅમ, ઇમોજન (જ. 12 એપ્રિલ 1883, પૉર્ટલૅન્ડ, ઑરેગોન, અમેરિકા; અ. 24 જૂન 1976, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, અમેરિકા) : છોડવાઓ-ક્ષુપો તથા વ્યક્તિઓને ફોટોગ્રાફી વડે કંડારવા માટે જાણીતી અમેરિકન મહિલા-ફોટોગ્રાફર. પત્રાચારી શિક્ષણપદ્ધતિથી ફોટોગ્રાફી શીખીને તેમણે 1901માં કામ શરૂ કર્યું. તેમની પ્રારંભિક કૃતિઓમાંથી ‘માર્શ ઍટ ડૉન’ (1901) ઉત્તમ ગણાઈ છે, જેમાં ઓગણીસમી સદીની રંગદર્શી પ્રણાલીની ચિત્રકલાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. એ જમાનામાં સામાન્ય રીતે ફોટોગ્રાફરો એ ચિત્રપ્રણાલીની નકલ કરવા મથતા. ત્યારબાદ જર્મની જઈ ડ્રૅસ્ડન ખાતે ફોટોગ્રાફીનો ટેકનિકલ અભ્યાસ કર્યા બાદ અમેરિકા પાછાં ફરીને સિયેટલ ખાતે પોતાનો ફોટોગ્રાફીનો સ્વતંત્ર સ્ટુડિયો શરૂ કર્યો અને સૉફ્ટ ફોકસ્ડ પ્રિન્ટ્સ છાપવી શરૂ કરી; જેમાં મુખ્ય વિષય વનસ્પતિ હતો. આ તબક્કાનો તેમનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ ‘ધ વૂડ્સ બિયૉન્ડ ધ વર્લ્ડ’ (1912) ગણાયો છે. લગ્ન પછી તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયાં.

1932માં કનિંગહૅમ અમેરિકાના પશ્ચિમ કાંઠાના ફોટોગ્રાફરોના જૂથ ‘ગ્રૂપ એફ 64’નાં સભ્ય બન્યાં. આ જૂથના અન્ય ફોટોગ્રાફરોની માફક હવે તેમણે સૉફ્ટ ફોકસ ત્યાગીને શાર્પ ફોકસ્ડ ફોટોગ્રાફી શરૂ કરી. આ તબક્કાનો તેમનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ ગણાય છે : ‘ટુ કાલાસ’ (1929). તેમણે સાન ફ્રાન્સિસ્કો આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ફોટોગ્રાફી ભણાવી. 1974માં તેમના ઉત્તમ ફોટોગ્રાફને સમાવતો એક મૉનોગ્રાફ પ્રગટ થયેલો. તેમના અંતિમ તબક્કાના ફોટોગ્રાફ 1977માં ‘આફટર નાઇન્ટી’ નામની પુસ્તિકામાં પ્રકાશિત થયા છે.

અમિતાભ મડિયા