કનક મુનિ : બૌદ્ધ ધર્મના સાત માનુષી બુદ્ધોમાંના પાંચમા બુદ્ધ. અશોકે રાજ્યાભિષેકના ચૌદમા વર્ષે કનક મુનિના સ્તૂપને બમણો કરાવ્યો હોવાનો નિર્દેશ અશોકના નિગલી સાગર (નિગ્લીવ) સ્તંભલેખમાં જોવા મળે છે. અભિષેકને 20 વર્ષ થયે અશોકે જાતે આવીને કનક મુનિની પૂજા કરી અને શિલાસ્તંભ ઊભો કરાવ્યો.
પાંચ ધ્યાની બુદ્ધોમાંના બીજા ધ્યાની બુદ્ધ અક્ષોભ્ય સાથે સંકળાયેલા આ માનુષી બુદ્ધનો જમણો હાથ અભયમુદ્રામાં અને ડાબો હાથ ધ્યાનમુદ્રામાં હોય છે. શિલ્પમાં તે યોગાસનમાં કમળ પર બેઠેલા દર્શાવાયા છે. તેમના બોધિસત્વનું નામ કનકરાજ અને બુદ્ધશક્તિનું નામ કંઠમાલિની છે. તે માનુષી બુદ્ધ કશ્યપ પહેલાં થઈ ગયા હોવાનું મનાય છે. તેમના વિશે કોઈ ઐતિહાસિક માહિતી મળતી નથી.
ભારતી શેલત