કનકદાસ (1509થી 1607) : કર્ણાટકના હરિદાસો પૈકીના એક અગ્રણી સંત અને ભક્તકવિ. તે પુરન્દરદાસ જેટલા જ લોકપ્રિય હતા. ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાના બાડા ગામમાં ભગવાન વેંકટેશ્વરની કૃપાથી માતા વિરપય્યાની કૂખે તેમનો જન્મ થયાનું કહેવાય છે. પછી તેમનું તિમ્મપ્પા નાયક નામ રાખવામાં આવ્યું. તેમના પિતા વપય્યમ્મા બાડા ગામના સેનાપતિ હતા. કેટલાક વિદ્વાનોના મતે તેઓ કુરુબા જ્ઞાતિના અને કેટલાક તેમને બેડા અથવા નાયક જ્ઞાતિના હોવાનું માનતા હતા.

પિતાના મૃત્યુ બાદ તેઓ બકાપુર પ્રાંતના નાયક નિમાયા. યુદ્ધકળામાં તેમણે સારી તાલીમ મેળવી હતી અને સંખ્યાબંધ યુદ્ધોમાં જીત મેળવી હતી. ભગવાન વેંકટેશ્વર અવારનવાર તેમના સ્વપ્નમાં આવીને ઐહિક બાબતો પાછળ કીમતી જીવન વેડફી નહીં દેવાની સલાહ આપતા હતા. પરંતુ તેમને તેમના શૌર્યમાં અત્યંત વિશ્વાસ હોવાથી તેમણે આ સલાહ ધ્યાનમાં લીધી. એક વાર યુદ્ધમાં દુશ્મનોથી ઘેરાયા, ઘવાયા અને બેશુદ્ધ બની ઢળી પડ્યા. ભાનમાં આવતાં તેમના સાથીઓ યુદ્ધભૂમિ છોડી ભાગી ગયેલા હોવાનું જણાયું ત્યારે ભગવાન વેંકટેશ્વરે તેમને આશ્વાસન આપ્યું. આ પ્રસંગ તેમણે તેમના એક કાવ્યમાં રજૂ કર્યો છે.

આ પ્રસંગ પછી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. અઢળક સુખ-વૈભવનો ત્યાગ કરી તેઓ ભગવાનની સેવામાં લાગી ગયા. તેવામાં તેમને જમીનના ખોદકામ વેળા સોનાનો ખજાનો ભરેલ ચરુ મળ્યો. તે આખી રકમમાંથી તેમણે બેડાથી થોડે દૂર કાગિનેલેમાં તેમના ઇષ્ટ દેવ ભગવાન આદિકેશવનું મંદિર બંધાવ્યું. આદિકેશવને ઉદ્દેશીને તેમણે કીર્તનો રચ્યાં. તેમના ભક્તિભાવને કારણે તેઓ કનકપ્પા તરીકે જાણીતા થયા. તેમના ગુરુ વ્યાસ રાયથી પ્રભાવિત થયા પહેલાં તેઓ વૈષ્ણવપંથી પ્રપત્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. દાસ પંથમાં જોડાવાથી તેઓ કનકદાસ કહેવાયા.

તેમના 4 કાવ્યસંગ્રહો ઉલ્લેખનીય છે. ‘હરિભક્તિસાર’ 100 કડવાંનો ભામિની શતપદીમાં રચાયેલ ભક્તિગીતોનો સંગ્રહ છે. તે શતકનાં તમામ લક્ષણો ધરાવે છે અને બાળકો તથા વૃદ્ધોમાં અતિ લોકપ્રિય છે. ‘નળચરિત્ર’ પણ ભામિની શતપદીમાં રચાયેલ નળ અને દમયંતીની જાણીતી કથા રજૂ કરતો નવ પ્રકરણનો કાવ્યસંગ્રહ છે. ‘મોહનતરંગિણી’ બળીને રાખમાં ફેરવાતા મન્મથને લગતી સંગત્ય છંદમાં રચાયેલી 42 કડવાંની કાવ્યકૃતિ છે. તેમાં ખુદ શિવ દ્વારા કૃષ્ણની સર્વોપરીતા એટલે વિષ્ણુનો સ્વીકાર અને બાણાસુરને તેની પુત્રી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ સાથે પરણાવવાની સલાહ જેવા પ્રસંગો તેમણે સુંદર રીતે વણી લીધા છે. એમ કરીને તેમણે શિવ અને વૈષ્ણવપંથનો સુખદ સુમેળ સાધવાનો નવતર પ્રયોગ કર્યો છે; તેથી તે મહત્વની કૃતિ ગણાય છે. તેમની ‘રામધાન્ય ચરિત્ર’ નામક કૃતિ કન્નડમાં ઉત્કૃષ્ટ કોટિની છે. તે લોકકથાને વણી લેતી 58 કડવાંમાં રચાયેલ ગરીબ અને તવંગર વચ્ચેના સંઘર્ષનું આબેહૂબ ચિત્રાંકન કરતી કૃતિ છે.

તેમનાં કાવ્યો છંદોબદ્ધ અને આધ્યાત્મિક ર્દષ્ટિએ અતિ પ્રશંસનીય છે. તેમના ઉપદેશમાં ઊંચનીચના ભેદભાવ અને ધર્મના અંચળા હેઠળ આચરાતા ઢોંગની ઝાટકણી કાઢવામાં આવી છે.

તેમણે ઉખાણાં જેવાં સંખ્યાબંધ ગીતો લખ્યાં છે. તેમાંના ઘણા કોયડા આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી. આમ તેમની શૈલી સચોટ મર્મભેદક છે. તેમનાં કીર્તનો અને ભક્તિગીતો વ્યાપક અને મૂલ્યવાન હોઈ કન્નડ પદ્ય સાહિત્યમાં તેમનું પ્રદાન મહત્વનું લેખાયું છે.

એચ. એસ. પાર્વતી