કડિયો ડુંગર

January, 2006

કડિયો ડુંગર : ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે ભરૂચથી 57 કિમી. દૂર ક્ષત્રપકાલીન ગુફાઓવાળો 500 ફૂટ ઊંચો ડુંગર. ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલો એક સિંહસ્તંભ છે. આસપાસ ઈંટેરી સ્થાપત્યના અવશેષો છે.

ગુજરાત રાજ્ય પુરાતત્વખાતા મારફત પ્રથમ વાર 1966-69માં તપાસ થયેલી. 1969-70માં રાજ્યરક્ષિત પ્રાચીન સ્મારક તરીકે જાહેર થયેલ. ડુંગર ઉપર સૌથી ઊંચે આવેલી બે ગુફાઓ પૈકી એકમાં પ્રવેશ કરતાં જમણી બાજુની દીવાલ પર બ્રાહ્મી લિપિમાં લખાયેલો ઘસાયેલો લેખ છે. ડાબી બાજુની દીવાલ ઉપર હાથી અને વાનરનું રેખાંકિત શિલ્પ છે. વરંડા અને અંદરના ભાગમાં વિહારનું સૂચન કરતો બેઠકવાળો સાદો ખંડ છે. બીજી સાદી ગુફાની અંદરનો ઓરડો સમચોરસ છે. વરંડાની છતને ટેકવી રાખતી દીવાલના આગલા છેડે કપોતની આકૃતિ છે. ત્રીજી ગુફાનો પાછળથી વસવાટ માટે ઉપયોગ થયો હોવાથી તે આધુનિક દેખાય છે. ચોથી ગુફાનો વરંડો 9.3 મી. લાંબો છે. પાંચમી નીચી ગુફામાં વરંડા અને અંદરના ખંડની રચના છે. છઠ્ઠી ગુફા સાદી છે. વરંડાનું પ્રવેશદ્વાર નાશ પામેલું છે. સાતમી ગુફા તદ્દન બિસ્માર સ્થિતિમાં છે. 3.3 મી. ઊંચા સ્તંભના શિરોભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે.

કડિયા ડુંગર પરની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ

આ ગુફાઓની સાદી રચના, તેમના સ્તંભોનો આકાર, વેદિકાની ભાતમાં કાષ્ઠકલાનું અનુકરણ, પ્રાચીન સિંહસ્તંભની રચના વગેરે જોતાં આ ગુફાઓ ઈ. સ.ની પહેલી કે બીજી સદીની હશે એમ મનાય છે. ગામ નજીક ઘોડાની ઘડિયાળ તરીકે જાણીતો કોટ અને વાવ છે. આ ગુફાઓ શોધવાનો યશ અમૃત વસંત પંડ્યાને જાય છે.

શિવપ્રસાદ રાજગોર

જ. મૂ. નાણાવટી