કડી : મહેસાણા જિલ્લાનો તાલુકો. તે મહેસાણાથી દક્ષિણે આવેલો છે. તાલુકાનો ઉત્તર ભાગ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ 829.6 ચોકિમી. ને વસ્તી 3,41,407 (2011) છે. તાલુકામાં 118 ગામો આવેલાં છે.

23o-18′ ઉ. અ. અને 72o-20′ પૂ. રે. ઉપર આવેલા તાલુકામથક કડીનું ક્ષેત્રફળ 2.9 ચોકિમી. અને વસ્તી 66,242 છે (2011). તેનું પ્રાચીન નામ કટિપુર અને કિલ્લાની કમાન ઉપરના અભિલેખ અને ‘મિરાત-ઇ-અહમદી’ પ્રમાણે રસૂલાબાદ હતું. કડી દંઢાવ્ય, ચુંવાળ અને ખાખરિયા ટપ્પાને જોડતી કડી સમાન હોવાથી આ નામ મળ્યું હશે એ વધુ બુદ્ધિગમ્ય જણાય છે ને કલોલ-બેચરાજી-ચાણસ્મા-હારિજ રેલમાર્ગ પર આવેલું અગત્યનું સ્ટેશન છે. કડીથી અમદાવાદ અને ગાંધીનગર મોટરમાર્ગે 46 કિમી. અને રેલમાર્ગે કલોલ 20 કિમી. છે. મહેસાણા, વીરમગામ અને કલોલ સાથે મોટરમાર્ગ દ્વારા તે જોડાયેલું છે.

સમગ્ર તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. તાપમાન 14o-14′ સે.થી 44o-4′ સે. રહે છે. શિયાળામાં રાત્રિનું તાપમાન જાન્યુઆરીમાં સૌથી ઓછું 11o સે. રહે છે. વરસાદ 500-625 મિમી. પડે છે. કપાસ, જુવાર, બાજરી, કઠોળ વગેરે મુખ્ય પાકો છે. ખાખરિયા ટપ્પામાં ડાંગર થાય છે. કપાસના વિશેષ વાવેતરને કારણે જિન પ્રેસો, સુતરાઉ કાપડની મિલ, કાપડની પ્રક્રિયાનાં કારખાનાં, તેલ અને ચોખાની મિલ, છીંકણી તેમજ સળિયા અને સિમેન્ટ પાઇપ તેમજ ચીની માટી અને કાચનાં વાસણો માટેનાં કારખાનાં, કૃત્રિમ રેશમી કાપડની યંત્રસાળો વગેરે મુખ્ય ઉદ્યોગો છે. છેલ્લાં વીસ વર્ષમાં તેલ અને ગૅસ મળી આવતાં કડી વેપારના કેન્દ્ર ઉપરાંત ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે.

મલ્હારરાવ ગાયકવાડનો મહેલ, કડી

કડીમાં આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ કૉલેજો, હાઈસ્કૂલો, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, ત્રણ પુસ્તકાલયો અને ટેકનિકલ સેન્ટર આવેલાં છે. સર્વ વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા 1921માં રાષ્ટ્રીય શાળા તરીકે શરૂ કરાઈ હતી. કડી તાલુકામાં પાટીદાર, કોળી અને ઠાકોર તથા હરિજન ઉપરાંત મુસલમાન વસ્તી પણ ઘણી છે. શહેરની મધ્યમાં આવેલો કિલ્લો, રંગમહેલ, મેલડી માતાનું મંદિર, યવતેશ્વર મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે.

કડી તાલુકાનાં ડાંગરવા અને કૈયલમાંથી રેતીના ઢૂવા ઉપરથી અકીકનાં નાનાં હથિયારો અને માટીનાં વાસણોનાં ઠીકરાં મળી આવ્યાં છે. મેડા આદરજ, વામજ અને થોળ વચ્ચે આવા ઢૂવા અને તળાવો છે. થોળ તળાવને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવ્યું છે. ઐતિહાસિક કાળમાં આ વિસ્તાર આનર્તનો ભાગ હતો. મૌર્ય ને ગ્રીકોના શાસન પછી, રુદ્રદામનના ઈ. સ. 150ના ગિરનાર પરના શિલાલેખમાં આનર્તના નિર્દેશને કારણે અહીં ક્ષત્રપોનું શાસન હશે એમ અનુમાન થાય છે. પછી ગુપ્ત, મૈત્રક, ચાવડા, પ્રતિહાર અને ચૌલુક્યોનું ઈ. સ. 400થી 1304 સુધી શાસન હતું.

1304થી 1753 સુધી આ પ્રદેશ મુસ્લિમ અમલ નીચે હતો. અલાઉદ્દીનના સૂબા અલફખાને કડીનો કિલ્લો બંધાવ્યો હતો. 1397માં મહમદ તઘલખે તઘી નામના બળવાખોર સરદારને અહીં હરાવ્યો હતો. કડી પાસે હાજીપુર મુકામે અકબર 1573માં ગુજરાતના મુખ્ય અમીદ ઇતિમાદખાનને મળ્યો હતો. 1609માં મુર્તઝાખાને ચુંવાળના કોળીઓના હુમલાઓથી રક્ષણ માટે કડી શહેર ફરતો કોટ બંધાવ્યો હતો. જવાંમર્દખાન બાબી પાસેથી 1763માં દામાજીરાવ બીજાએ મહત્વનું મુસ્લિમ થાણું કડી જીતી લીધું હતું અને તેના ભાઈ ખંડેરાવને આપ્યું હતું. ખંડેરાવના પુત્ર મલ્હારરાવે બળવો કરી કાન્હોજીને સહાય કરતાં મેજર વૉકરે 1802માં કડી જીતી લીધું અને વડોદરાના ગાયકવાડને સોંપ્યું હતું. 1902 સુધી કડી, કડી પ્રાંતનું મુખ્ય મથક હતું. ત્યારબાદ મહેસાણા જિલ્લામથક બનતાં કડીની અગત્ય ઘટી ગઈ હતી. તેલ-ગૅસની શોધ બાદ તે ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે અને કડીથી છત્રાલ સુધીના જિલ્લા ધોરી માર્ગ ઉપર અનેક કારખાનાં સ્થપાયાં છે.

શિવપ્રસાદ રાજગોર