કઠ જાતિ : સિકંદરનો પંજાબમાં સામનો કરનાર વીર જાતિ. તેનો ઉપનિષદોમાં તથા યાસ્ક, પાણિનિ, પતંજલિ અને કાશ્મીરના સાહિત્ય વગેરે દ્વારા ઉલ્લેખ થયો છે. તેના મર્ચ, ઉદીચ્ય અને પ્રાચ્ય એવા ત્રણ પેટાવિભાગો હતા. ઉદીચ્ય કઠો આલ્મોડા, ગઢવાલ, કુમાઉં, કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં વસતા હતા. મૂળ ખોતાન, સીસ્તાન, શકસ્તાન તથા મધ્ય એશિયામાં લાંબો વખત રહેલા તે લોકો ભારતમાં હિંદુકુશથી બંગાળ સુધી અને નેપાળથી ગુજરાત અને સિંધુના મુખ સુધી ફેલાયેલા હતા. તે પીળા વર્ણના મૉન્ગોલૉઇડ જાતિના હતા અને મિટાની તથા ખત્તી જાતિ તથા હૂણોને મળતા આવતા હતા. એ લોકો આર્ય હતા એવો પણ એક મત છે. તે લોકો સ્પાર્ટાના લોકો જેવા સ્વતંત્ર વિચારના તથા યુદ્ધમાં કુશળ હતા. સિકંદરના વખતમાં તેમનું ગણરાજ્ય હતું. રથનાં ત્રણ વર્તુળો રચી શકટવ્યૂહથી તેમની રાજધાની સાંકલનું તે લોકોએ સિકંદરના આક્રમણ સામે રક્ષણ કર્યું હતું, પણ પુરુઓની સહાયથી સિકંદરે તેમને રાજધાની કબજે કરી તેનો નાશ કર્યો હતો. કઠ ગણરાજ્યમાં દરેક બાળક સંઘનો સભ્ય ગણાતો હતો. રાજ્યે બાળકોની સંભાળ માટે નિરીક્ષક રાખ્યો હતો. નબળા અને કુરૂપ બાળકનો નાશ કરાતો હતો.
કઠ નામના વૈશંપાયનના શિષ્ય એવા ઋષિ પણ હતા. તેમણે કૃષ્ણ યજુર્વેદની કઠ કે કાઠક સંહિતાની રચના કરી હતી. તેનો કઠોપનિષદ તથા કથોઈ જાતિ સાથે સંબંધ છે. કઠ કે કાઠક સંહિતાનાં બ્રાહ્મણ, શ્રૌતસૂત્ર અને ગૃહ્યસૂત્ર મળે છે. સંહિતાની ચરક, ચારાયણીય અને લૌગાક્ષી શાખાઓ હતી. ઉત્તર પ્રદેશ અને કાશ્મીરમાં કઠસંહિતાનું અધ્યયન પ્રચલિત હતું.
શિવપ્રસાદ રાજગોર